કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવીના ગોધરાની યુવતીને હિંદુ યુવક તરીકે ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાં બાદ અસલિયત છતી કરીને નિકાહ કરવા ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવાના બનાવમાં ગોધરાના વધુ બે જણની સંડોવણી સામે આવી છે, એક ઝડપાઈ ગયો છે. ત્રણ વર્ષ અગાઉ ગોધરાની યુવતી મુંબઈ રહેતી હતી તે દરમિયાન ઓનલાઈન ગેમીંગમાં જીગર નામથી આઈડી ધરાવતા પૂણેના જીયાદ ઊર્ફે સમીર શેખના સંપર્કમાં આવેલી. જીયાદે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બેવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધેલાં. યુવતીએ લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કરતાં આરોપીએ પોતાની ધાર્મિક અસલિયત છતી કરીને તેને ધર્મ પરિવર્તન કરી લઈ નિકાહ કરી લેવા દબાણ કરેલું. જીગર હકીકતમાં જીયાદ નીકળતાં યુવતીએ તેની સાથેના સંબંધો તોડી નાખેલાં. બ્રેકઅપ બાદ પણ જીયાદ યુવતીનો કેડો મૂકતો નહોતો જેથી બે વર્ષ અગાઉ પરિવાર કંટાળીને વતન ગોધરા આવી ગયો હતો. યુવતીની સમાજના એક યુવક સાથે સગાઈ થયેલી. જીયાદે આ યુવકના મોબાઈલ પર તેની વાગદત્તા સાથેના નિકટતા દર્શાવતાં ફોટોગ્રાફ મોકલતાં યુવકે સગાઈ તોડી નાખેલી. ગુના અંગે ૧૬-૧૦-૨૦૨૪ના રોજ ભુજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી જીયાદને રાઉન્ડ અપ કરી અઢી દિવસના રીમાન્ડ પર લીધો હતો.
ઈશ્કમિજાજી જીયાદ પાસે બેન્ક ખાતું જ નથી
પોલીસની તપાસનો મુખ્ય મુદ્દો એ રહ્યો હતો કે ગોધરાની યુવતીને ફસાવવા માટે શું જીયાદને કોઈ વ્યક્તિ કે સંસ્થાએ આર્થિક મદદ પૂરી પાડેલી કે કેમ? પોલીસે જણાવ્યું કે જીયાદને કોઈએ કાણી પાઈ નથી આપેલી. હકીકતે જીયાદ બેન્ક એકાઉન્ટ જ ધરાવતો નથી. જો કે, આરોપી ઈશ્કમિજાજી હોવાનું બહાર આવ્યું છે. સમીર શેખ નામના ફેસબૂક એકાઉન્ટ પરથી તેણે ૨૮ જેટલી હિંદુ અને ક્રિશ્ચિયન યુવતીઓને ‘હાય’ના મેસેજ મોકલી પરિચય કેળવવા પ્રયાસ કર્યાં હતાં.
જીયાદે મુંબઈ રહેતા ગોધરાના અલ્તાફને પકડ્યો
યુવતી અને પોલીસને એ બાબતનો પણ જવાબ જાણવો હતો કે જીયાદને ફરિયાદીની સગાઈ થઈ હોવાની જાણ કોણે કરેલી અને તેના મંગેતરનો મોબાઈલ નંબર કોણે આપેલો? તપાસ કરી રહેલા SC/ST સેલના DySP એમ.જે. ક્રિશ્ચિયને જણાવ્યું કે જીયાદને યુવતી કચ્છના ગોધરા ગામની હોવાની ખબર હતી. જેથી તેણે ગોધરા ગામના રહીશ હોય તેવા વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઓનલાઈન સર્ચ શરૂ કરી હતી. સર્ચમાં તેને અલ્તાફ નામના યુવકની જાણકારી મળી હતી.
અલ્તાફે ગોધરાના કાસમનો કોન્ટેક્ટ કરાવ્યો
અલ્તાફ મૂળ ગોધરાનો વતની છે અને મુંબઈમાં પૂણે નજીક રહે છે. વળી, અલ્તાફ ઈન્સ્ટાગ્રામ પર યુવતીના ભાઈ જોડે પણ ફ્રેન્ડ હતો. જીયાદે અલ્તાફનો સંપર્ક કરી, રૂબરૂ મળીને મિત્રતા કેળવી હતી. બાદમાં અલ્તાફને તેના ગામની યુવતી સાથેના પોતાના પ્રેમ પ્રકરણ અંગેની વાત કરી તેને શોધવા માટે મદદ કરવા કહેલું. જેથી અલ્તાફે જીયાદને ગોધરા રહેતા કાસમ ઓસમાણ હિંગોરજા (રહે. ખરવાડ, ગોધરા)નો કોન્ટેક્ટ કરાવેલો. જીયાદ બેવાર કચ્છ આવેલો. તે યુવતીને પોતાની સાથે લાવેલો મોબાઈલ ફોન આપવા ઈચ્છતો હતો જેથી સંપર્ક જળવાઈ રહે.
કાસમે ઉતારો આપીને સગાઈની વાત જણાવેલી
જીયાદ જ્યારે ગોધરા આવેલો ત્યારે શિવશક્તિ ગેસ્ટહાઉસમાં નોકરી કરતા ૨૮ વર્ષિય કાસમે તેને પોતાના ગેસ્ટહાઉસમાં ઉતારો અપાવેલો અને યુવતીનું ઘર બતાડવા જીયાદ સાથે ગયેલો. યુવતી સાથે જીયાદના સંબંધો અંગે કાસમ વાકેફ હતો. જીયાદ પરત મુંબઈ ગયો ત્યારે રહેવા અને ખાવા-પીવાના ચાર્જ સાથે ટીપ પેટે કુલ ચાર હજાર રૂપિયા કાસમને આપ્યા હતા. બાદમાં, યુવતીની સગાઈ થયા અંગેની માહિતી પણ કાસમે જીયાદને આપેલી તથા યુવતીના મંગેતરનો મોબાઈલ નંબર પણ કાસમે મેળવી આપેલો.
પોલીસે વધુ રીમાન્ડ ના માગી બેઉને જેલ મોકલ્યાં
પોલીસે કાસમની ધરપકડ કરી લીધી છે. આજે બપોરે જીયાદના અઢી દિવસના રીમાન્ડ પૂર્ણ થયાં બાદ પોલીસે રીમાન્ડની કોઈ નવી માંગણી કરી નહોતી. કૉર્ટે બેઉને પાલારા જેલ મોકલી આપ્યાં છે. પોલીસે મુંબઈ રહેતા અલ્તાફની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
લવ જેહાદ વાસ્તવિક્તા છે કે ઈસ્લામોફોબિયા?
લવ જેહાદનો મુદ્દો દેશમાં કાયમ વિવાદી રહ્યો છે. બિન સાંપ્રદાયિકો અને બુધ્ધિજીવીઓ તેને ઈસ્લામોફોબિયા સાથે સાંકળી એકમેકની સહમતિથી હિંદુ યુવતી સાથે લગ્ન કરતાં મુસ્લિમ યુવકોને ટાર્ગેટ કરાતા હોવાની જાહેર મંચો પરથી અવારનવાર રજૂઆતો કરતાં રહ્યાં છે. બીજી તરફ, ભાજપશાસિત રાજ્યોમાં લવ જેહાદના વિવાદી મુદ્દાને વાસ્તવિક ગણાવીને કાયદા બનાવાયેલાં છે.
આ કાયદા હેઠળ મુસ્લિમ યુવકોને ખોટી રીતે અંદર કરી દેવાયાં હોવાના બનાવો પણ વિવિધ રાજ્યોની અદાલતોના પટલ પર છતા થયેલાં છે.
૨૦૨૧માં કથિતપણે લવ જેહાદને કાબૂમાં લાવવા ઘડાયેલા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક અંતર્ગત એક કિસ્સામાં મુસ્લિમ યુવક સાથે સહમતિથી લગ્ન કર્યાં બાદ સાસરિયા દ્વારા અપાતાં ઘરેલુ ત્રાસના મામલામાં પોલીસે આ કાયદાની કલમો હેઠળ પતિને ફીટ કરી દીધેલો. પાછળથી યુગલે આ ફરિયાદ રદ્દ કરવા હાઈકૉર્ટમાં અરજી દાખલ કરેલી. હાઈકૉર્ટે સરકારની ટીકા કરીને એફઆઈઆરને ક્વૉશ કરી દીધેલી. પોલીસ શાસકોને ખુશ કરવા મારી-મચડીને આવા કેસ ઊભાં કરતી હોવાના વિપક્ષો આરોપ કરતાં રહ્યાં છે.
કચ્છના કથિત પ્રથમ કિસ્સામાં ટાંય ટાંય ફિસ્સ
૧૬-૦૬-૨૦૨૧ના રોજ દયાપર પોલીસ મથકે ઘડુલીના બે મુસ્લિમ ભાઈ વિરુધ્ધ પોક્સો, દુષ્કર્મ, ધાક-ધમકીની કલમો તળે ગુનો દાખલ થયેલો. દસ વર્ષથી મુસ્લિમ આરોપી પોતાનું શારીરિક શોષણ કરતો હોવાનું અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હોવાનું તપાસમાં કથિતપણે બહાર આવતાં પાછળથી નવા કાયદાની કલમોનો ઉમેરો કરાયેલો. પોલીસે આ કેસને કચ્છમાં લવ જેહાદનો પ્રથમ કેસ ગણાવેલો. પાછળથી કૉર્ટમાં ફરિયાદી યુવતીએ પોતે આવી કોઈ ફરિયાદ કે હકીકત જ ના લખાવી હોવાનું જણાવી જુબાનીમાં ફરી ગયેલી! કેસ હજુ કૉર્ટમાં ન્યાયાધીન છે.
Share it on
|