કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિવસ હતો શનિવાર, સાંજે પોણા સાત વાગ્યા છે. કેન્દ્ર સરકારના ડીઆરઆઈ, કસ્ટમ્સ વિભાગના વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સેવા આપતા ભુજના એડવોકેટ કલ્પેશ ગોસ્વામી તેમની કાર સાથે પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તા નજીક છે. તેઓ ઝૂડિઓ શૉ રૂમ નજીક રસ્તાની એક બાજુ કાર ઊભી રાખીને ફોન પર તેમના સંબંધી જોડે વાત કરી રહ્યાં છે. અચાનક પાછળથી સ્પીડમાં આવતી એક કાર તેમની કાર નજીક આવીને ઊભી રહે છે. અંદર બેસેલી એક છોકરી કાચ નીચે ઉતારીને કારની અંદર બેઠાં બેઠાં ફોન પર વાત કરતાં ગોસ્વામીને તોછડાઈથી આંગળી વડે કાચ ઉતારવા ઈશારો કરે છે.
ગોસ્વામી જેવો કાચ નીચે ઉતારે છે કે છોકરી ઉધ્ધતાઈથી ગોસ્વામીને જણાવે છે કે ‘જોતો નથી, અંધો છે અંધો? ભડવા.. તારી ગાડી ક્યાં રાખી છે તે.. ? કોકની મા .. નાખીશ!’ દીકરીની ઊંમર જેવડી અજાણી યુવતીના બોલ સાંભળીને ગોસ્વામી ભડકી ઉઠે છે. તે જવાબ આપે છે કે ‘એ..ઈ... બોલવાની સભ્યતા રાખ..’
ગુસ્સામાં સળગતી એ યુવતી ઉશ્કેરાઈને વધુ જીભાજોડી કરવા માંડે છે. ગોસ્વામી જાહેરમાં ઝઘડો ટાળવા તેમની ગાડીને રીવર્સમાં લઈ સાઈડમાં પાર્ક કરવા જાય છે ત્યાં એ યુવતી તેની ગાડી ગોસ્વામીની કાર આડે મૂકી દે છે. ગોસ્વામી કારમાં જ બેઠાં રહે છે. જીભાજોડી સમયે યુવતી તેનો મોબાઈલ ફોન કાઢીને રેકોર્ડીંગ કરવાનું શરૂ કરે છે.
મામલો આગળ વધતો અટકાવવા ગોસ્વામી તુરંત ભુજ એ ડિવિઝનના પીઆઈ હાર્દિક ત્રિવેદીને ઘટના અંગે જાણ કરી પોલીસ મોકલવા વિનંતી કરે છે કે કોઈક છોકરી તેમની સાથે માથાકૂટ કરી રહી છે અને વીડિયો રેકોર્ડિંગ કરી રહી છે.
આઠેક મિનિટમાં જ લેડી પીએસઆઈ સહિતની પોલીસ ટીમ ત્યાં પહોંચી આવે છે. ગોસ્વામી પણ પોલીસને જોઈને બહાર આવીને સાઈડમાં ઉભા રહે છે.
અચાનક ત્યાં યુવતીની માતા આવે છે. ગોસ્વામીને જોઈને કહે છે કે ‘બેટા આમને તું ઓળખતી નથી. આપણા સમાજના આગેવાન છે અને મોટાં વકીલ છે’
ગોસ્વામી પાસે જઈને એ મહિલા થોડાંક સંકોચ સાથે વાત કરે છે. ગોસ્વામી કહે છે કે ‘બહેન, તમે મારા સમાજના છો તે મને ખબર નથી પરંતુ કમસે કમ દીકરીને સારાં સંસ્કાર તો આપો’ માતાની સમજાવટ બાદ બંને પક્ષ સમાધાન કરી લે છે. પોલીસ ગોસ્વામીને જવા દે છે.
આ ડખા સમયે યુવતીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધેલો. જેથી પોલીસ યુવતી અને તેની માતાને પોલીસ સ્ટેશન આવી તેમનું નાનકડું નિવેદન લખાવી લેવા જણાવે છે.
મા દીકરી બેઉ પોલીસ સ્ટેશન આવે છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિક ત્રિવેદી લેડી સ્ટાફ પાસેથી પ્રાથમિક વિગતો જાણે છે.
તે યુવતી પીઆઈ આગળ પણ ગોસ્વામીને સતત તુંકારે અને તોછડાઈથી સંબોધીને વાતો કરે છે.
પીઆઈ ત્રિવેદી તેને સમજાવે છે કે ‘ભણેલી ગણેલી થઈને આ રીતે કોઈ મોટાં માણસ વિશે ગમે તેવી ભાષામાં ના બોલવું જોઈએ’
યુવતીના તેવર જોઈને ત્રિવેદીને મનમાં થાય છે કે તેણે જે વીડિયો ઉતારેલો તે ક્યાંક ગુસ્સામાં આવી વાયરલ ના કરી દે, આજની પેઢીની આવી વેજાનું ભલું પૂછવું!
સાવચેતી ખાતર પીઆઈ ત્રિવેદી તે વીડિયો ક્લિપ જૂએ છે. ક્લિપમાં ગોસ્વામી ફોન પર તેમની જોડે વાત કરતાં હોય છે તે દેખાય છે. બંને પક્ષે સમાધાન થઈ ગયું છે તો વીડિયો ડિલિટ કરી દો તેવું પીઆઈ સૂચન કરે છે. મા દીકરી બેઉ સૂચનને સ્વિકારી લે છે.
પીઆઈ વીડિયો ડિલિટ કરી દે છે. પીએસઓને સ્ટેશન ડાયરીમાં ઘટનાની નોંધ પાડી નાનકડું નિવેદન લખાવી લઈ તેમને જવા દેવા સૂચના આપે છે.
♦ઉપરોક્ત ઘટનાક્રમ કલ્પેશ ગોસ્વામી અને પીઆઈ હાર્દિક ત્રિવેદી જોડે વાત કરીને લખ્યો છે. પરંતુ લખવાનું કારણ એ છે કે આ ઘટનાક્રમે પીઆઈ હાર્દિક ત્રિવેદીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી સીધા પોલીસ હેડ ક્વાર્ટરમાં મોકલી દીધાં છે. કારણ કે આ યુવતી ત્રીજા દિવસે એટલે કે સોમવારે એસપીને અંગ્રેજીમાં ટાઈપ કરેલી એક અરજી આપે છે.
♦અરજીમાં યુવતી આરોપ કરે છે કે ગોસ્વામીએ ફોન પર વાતો કરતાં કરતાં ગેરકાયદે રીતે નો પાર્કિંગમાં ગાડી ઊભી રાખેલી અને પછી ભયજનક રીતે હંકારેલી. તેનો વાંધો લેતાં પોતાના પદનો ઘમંડ રાખીને ગોસ્વામીએ અનુચિત ભાષામાં તેની જોડે ગેરવર્તાવ કરેલો. એટલું જ નહીં, ગોસ્વામી સામે ટ્રાફિકના નિયમભંગ બદલ કાર્યવાહી કરવાના બદલે તેને જવા દેવાય છે અને મને પોલીસ સ્ટેશને બોલાવાય છે. પીઆઈ સામેથી વીડિયો રેકોર્ડિંગ જૂએ છે અને પાસવર્ડ મેળવીને બળજબરીથી તે ડિલિટ કરે છે. આ રેકોર્ડિંગ એક મહત્વનો પૂરાવો હતો. કારણ કે તેમાં ગોસ્વામી ફોન પર વાતો કરતાં દેખાય છે. એટલું જ નહીં, પીઆઈ મારી પાસે બનાવનું સમાધાન થઈ ગયું હોવાનું નિવેદન પરાણે લખાવડાવે છે. ના લખું તો મહિલા પોલીસ કર્મીઓ પાસે માર મરાવવાની ધમકી આપે છે. પીઆઈ ત્રિવેદી પ્રારંભથી પૂર્વગ્રહ રાખીને મારી સાથે વર્ત્યાં. આ ઘટનાની તપાસ થાય. એસપી તુરંત ત્રિવેદીની બદલી કરી નાખી નાયબ પોલીસ અધીક્ષકને તપાસ સોંપે છે.
♦ગોસ્વામી જણાવે છે કે અરજીની ભાષા જોતાં તે કોઈ વિદ્વાન વકીલે તૈયાર કરી હોય તેવી દેખાય છે, બનાવના ત્રીજા દિવસે ખૂબ વિચારીને સમગ્ર સ્ટોરી તૈયાર કરાઈ હોય તેમ જણાય છે, મને બદનામ કરવા માટે આ ઘટના ઉપજાવી કઢાઈ હોય તેવો મને પ્રારંભથી જ વહેમ હતો તેમ જણાવી ગોસ્વામી કહે છે કે હું આ યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનું છું.
♦નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી કારમાં કોઈ લિસ્ટેડ બૂટલેગર દારૂ પીતાં પીતાં કાર હંકારતાં ઝડપાય, તેને પોલીસ સ્ટેશન લવાય અને પછી કેવળ મેમો આપીને જવા દેવાય. આવો ગંભીર ઘટનાક્રમ બહાર આવે છતાં તેની કોઈ ઈન્ક્વાયરી ના થાય! ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ચાલતાં હોવાના વીડિયો વાયરલ થાય છતાં સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈનું કોઈ પૂછાણું ના લેવાય.. અને અચાનક આવા એક ભેદી ઘટનાક્રમમાં એક પીઆઈની તુરંત જ બદલી કરી દેવાય તે વાત કોઈને ગળે ઉતરતી નથી.
Share it on
|