કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) શેર માર્કેટમાં તમે કોઈ કંપનીના શેર ખરીદો કે વેચો, કોઈ કંપની ગેરકાયદે રીતે તેના શેર્સના ભાવમાં કૃત્રિમ રીતે ચઢાવ કે ઉતાર કરે અને છેલ્લે વાસ્તવિક્તાનો પર્દાફાશ થયાં બાદ તમારા રૂપિયા ડૂબી જાય તો તમારું નસીબ! આવી કંપનીઓ સામે કોઈ તપાસ નહીં થાય અને તમારી હાલત તો ભોજીયો ભાઈ પણ પૂછવા નહીં આવે. પરંતુ જો તમે આઈપીએલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટની કોઈ મેચમાં ઓનલાઈન વેબસાઈટ પર આઈડી પાસવર્ડ જનરેટ કરી રૂપિયા લગાડ્યા હશે તો આવી બન્યું સમજજો! જો પોલીસને બાતમી મળી ગઈ તો હાર કે જીત થાય તે પહેલાં પોલીસ તમને જુગારધારાના કેસમાં ફીટ કરી સીધા ‘અંદર’ કરી દેશે!
વક્રતા એ છે કે જે વેબસાઈટ મારફત તમે ઓનલાઈન સટ્ટો રમતાં હો તે વેબસાઈટ કદી બ્લૉક કરાતી નથી.
બ્લોક કરવાની વાત ક્યાં માંડવી? આવી વેબસાઈટ્સ બે ચાર વર્ષ અગાઉ મોટાભાગના દેશ અને જિલ્લા કક્ષાના તમામ અગ્રણી છાપાંમાં પહેલાં પાને માંગો તે દામે કલર જાહેરખબર પ્રગટ કરતી હતી! બે દિવસ પહેલાં એક સરસ સૂચક મેસેજ વોટસએપ પર વાંચેલો.
મેસેજ હતો કે IPL ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે એવી આશા હતી કે દેશમાંથી નવા નવા ક્રિકેટરો મળશે. પરંતુ રોજ નવા નવા જુગારીઓ મળી રહ્યાં છે!
♦ન્યૂઝ મતલબ નવી માહિતી. ન્યૂઝ એ ન્યૂઝ છે. છાપામાં એક બાજુમાં ચૌદ વરસનો છોકરો નિશાળમાં હાર્ટ એટેકથી મરી ગયો હોવાની ન્યૂઝ આઈટમ છપાઈ હોય અને તેની બાજુમાં ૧૧૦ વરસના કો’ક ડોહાને એ ઊંમરે નવી વહુ કરવાનો ધખારો થયો હોય તે સમાચાર છપાય તે સહજ છે.
ન્યૂઝ એ ન્યૂઝ છે પરંતુ તેની નેગેટીવ અને પોઝીટીવ એવી વ્યાખ્યા કરીને ફક્ત વાહ વાહ કરતાં પોઝીટીવ સમાચારને પ્રાધાન્ય આપી તેનો છાતી ફૂલાવીને યશ લેતાં ગોદડી છાપાંઓ અસલ વાસ્તવિક્તા છાપતાં નથી.
ભૂલેચૂકે છપાઈ જાય તો તેમાં પાછળથી મોટો વહીવટ કરવાનો ખેલ હોય છે. મનુસ્મૃતિની સૂક્તિ છે ‘સત્યમ્ બ્રૂયાત, પ્રિયમ્ બ્રૂયાત’ અર્થાત્, સાચું બોલો પણ સામેવાળાના ખરાબ ના લાગે તેવી રીતે બોલો. ભારતનો દવા ઉદ્યોગ મનુસ્મૃતિનું પાલન વર્ષોથી કરી રહ્યો છે અને કડવી દવાની કેપ્સ્યુલ ઉપરથી સ્યુગર કોટેડ હોય છે. સત્ય એ સત્ય છે. તે કોઈક માટે કડવું ઝેર સમાન હોય અને કોઈક માટે મીઠુંમધ સમાન હોય.
♦કચ્છમાં સત્તાના મિત્રો બની ગયેલાં છાપાં આવા સ્યુગર કોટેડ અર્ધસત્ય છાપીને પત્રકારત્વ કર્યાનો સંતોષ માને છે. ત્યાં સુધી ઠીક છે પરંતુ પોતાને પત્રકારત્વના મશાલચી ગણાવીને તેનો ઝંડો ઉપાડીને ફરે ત્યારે મોર નાચે ત્યારે પાછળથી નાગો દેખાતો હોય તેવી તેમની દશા થાય છે.
ગુજરાતના રાજ્યકક્ષાના અગ્રણી ન્યૂઝ પેપર ગુજરાત સમાચારથી લઈ સ્ટેટ લેવલના અન્ય ન્યૂઝ પેપર જોજો. તેમાં બે પાંચ વરસમાં ભાગ્યે જ તંત્રીનું નામ કે અલપઝલપ ફોટો છપાતો જોયો હશે.
પરંતુ, જિલ્લાસ્તરે છપાતાં છાપાઓમાં દરરોજ તંત્રી કે તેના ઉત્સાહી ટ્રસ્ટીની હાજરીવાળા કાર્યક્રમોની ચારથી પાંચ કોલમની ફાલતુ ન્યૂઝ આઈટમ કલર તસવીર સાથે વાચકોના માથે અચૂક ફટકારાય છે.
ઘણાં હોંશિયાર આયોજકો તો તેમના કાર્યક્રમની મફતમાં વાહ વાહ થાય તે માટે અચૂક આવા ચુલિયા તંત્રીઓ અને ટ્રસ્ટીઓને કાર્યક્રમમાં હાજરી આપવા આગ્રહ કરે છે. કેટલાંક વળી સ્પોન્સર બનાવી નાખે છે.
ઉપર બેઠેલો ઘનચક્કર જેવો મુખ્ય તંત્રી તો વળી કેસરી કાચવાળા ચશ્મા પહેરીને કદમબોશી કરવામાંથી જ ઊંચો આવતો નથી. માર્કેટીંગમાં માનતાં છાપાંઓ વળી ગામ આખાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકોને મુખ્યમંત્રીઓ કે મંત્રીઓના હસ્તે અવનવા એવોર્ડ અપાવીને કલરમાં અડધું પાનું છાપીને સ્પોન્સર્ડ ફીચર તરીકે મોટાપાયે રૂપિયા કટકટાવે છે! છાપાંઓની માર્કેટીંગ ઈવેન્ટમાં હાજર રહીને, રોજેરોજ કોકને પોતાના હાથે અપાતો એવોર્ડવાળો ફોટો જોઈને રાજી થતાં આવા મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને શું પોતાની ગરિમાનો ખ્યાલ નહીં રહેતો હોય તે અંગે સવાલો સર્જાય છે. પણ, આ નવું ભારત છે.
Share it on
|