કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૯૮૦ના દાયકામાં IPS કુલદીપ શર્માએ સરહદી કચ્છના એસપી તરીકે ચાર્જ સંભાળીને સામે પારથી થતી દાણચોરી તથા દેશવિરોધી પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરેલી. શર્માના લોખંડી પંજાથી બચવા લગભગ મોટાભાગના દાણચોરો અને દેશદ્રોહી તત્વો એવા ભોંભીતર થઈ ગયાં હતાં કે ઘણાંનો આજ દિન સુધી કોઈ અતોપત્તો મળ્યો નથી. કચ્છની કામગીરીના પગલે શર્મા ગુજરાતના ‘સુપર કોપ’ તરીકે ઉભરી આવ્યાં હતાં. તેમની બદલી થઈ ત્યારે ભુજની પ્રબુધ્ધ જનતાએ વિશાળ સમારોહ યોજી ચાંદીની તલવાર આપીને તેમનું ભાવભર્યું સન્માન કર્યું હતું.
લઘુબંધુ પ્રદીપ શર્માને નમુનેદાર ભૂકંપ પુનર્વસન કામનો યશ
ભૂકંપ બાદ કુલદીપ શર્માના નાના ભાઈ IAS પ્રદીપ શર્માની કચ્છ કલેક્ટર તરીકે નિમણૂક થયેલી. પ્રદીપ શર્માએ પણ કઠોર અને ઝડપી નિર્ણયો લઈને ભૂકંપથી ભાંગી ગયેલાં કચ્છના નમુનેદાર પુનર્વસનમાં સર્વાધિક યોગદાન આપ્યું હતું. ખાસ કરીને, ભુજની ચોતરફ ઘેરાયેલાં ડુંગરાઓને કાપીને નીકળેલાં રીંગરોડ, પાંચ રીલોકેશન સાઈટ્સ, વિવિધ સરકારી કચેરીઓના ઝડપી પુનઃનિર્માણ, શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં વિશ્વ બેન્ક તથા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી થયેલાં ઝડપી તથા નમુનેદાર પુનર્વસનમાં શર્માની જ ભૂમિકા મુખ્ય ચાવીરૂપ બની રહી હતી. સરકારી ઢબે ઉજવાતાં કચ્છ ઉત્સવના બદલે કચ્છનો સફેદ રણોત્સવ પણ શર્માના કાર્યકાળમાં શરૂ થયેલો.
૨૦૧૦ના સોહરાબ કેસ બાદ બંને બંધુ પર જૂનાં કેસ ખૂલ્યાં
પોતાની વિશિષ્ઠ કામગીરીના પગલે કુલદીપ શર્મા ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક તરીકેના હોદ્દા સુધી પહોંચ્યાં હતાં. પરંતુ, ગોધરાકાંડ અને ત્યારબાદ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં કુલદીપ શર્માએ કરેલી કામગીરી સરકારની ‘નજરે’ ચઢી ગયેલી. ૨૦૧૦માં બંને ભાઈઓ સામે જૂના કેસોની ફાઈલો ખૂલવાનું શરૂ થયું અને એક પછી એક ગાજ પડવા માંડી. ૨૦૧૦માં કુલદીપ શર્મા સામે ભુજ તાલુકાના પૈયા ગામે બોગસ એન્કાઉન્ટરનો કેસ ખૂલ્યો. રાજકોટ સીઆઈડી ક્રાઈમે ફરિયાદ દાખલ કરેલી. ઈભલાને કહેવાતી રીતે ૦૬-૦૫-૧૯૮૪ના રોજ ઢોર માર માર્યો તેના ચોથા દિવસે એટલે કે ૧૦-૦૫-૧૯૮૪ના રોજ પૈયા ગામે શર્મા અને પીઆઈ વૈષ્ણવે ઉમર વલીમામદ મોખા તથા ફકીરમામદ બુઢા મણકાને ગોળી મારી ફેક એન્કાઉન્ટર કર્યું હોવાનો તથા બે જણાં આજ દિન સુધી ગાયબ કરી દીધાં હોવાનો વર્ષો જૂનો કેસ ૨૦૧૦માં એકાએક રીઓપન થયેલો. સીઆઈડીની ટીમે ભુજના ઉમેદ ભુવનમાં ધામા નાખીને ફરિયાદીના નિવેદનો નોંધેલાં.
હાઈકૉર્ટે પૈયા એન્કાઉન્ટર કેસની ફરિયાદ ક્વેશ કરેલી
વક્રતા એ હતી કે જે-તે સમયે આ મામલે ભુજની નીચલી કૉર્ટમાં પણ કેસ દાખલ થયેલો, ટ્રાયલ ચાલેલી અને ૨૦૦૪માં તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને કૉર્ટે નિર્દોષ જાહેર કરેલાં. જે કેસની ટ્રાયલ કૉર્ટમાં ચાલી ગઈ હોય અને જેમાં આરોપીઓ નિર્દોષ જાહેર થયાં હોય તે જ કેસમાં ૨૬ વર્ષે કઈ રીતે બીજીવાર ફરિયાદ દાખલ થાય? શર્મા અને વૈષ્ણવે એકના એક કેસમાં બબ્બે વખત કઈ રીતે ફરિયાદ દાખલ થાય તે મુદ્દે રજૂઆત કરી હાઈકૉર્ટમાં FIR રદ્દબાતલ ઠેરવવા રજૂઆત કરતાં હાઈકૉર્ટે ફરિયાદને ક્વેશ કરી હતી.
બંને બંધુ કચ્છની સલામના કાયમી અધિકારી બની રહેશે
કુલદીપ શર્માના ભાઈ અને કચ્છના પુનર્વસનમાં નમુનેદાર કામગીરી કરનાર IAS પ્રદીપ શર્મા સામે પણ વિવિધ પ્રકારના જમીન કૌભાંડો સહિતના પંદરથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે. જેવા એક કેસમાં પ્રદીપ શર્માને જામીન મળે તો બીજો કેસ તૈયાર જ હોય.
નેતાઓને ખુશ કરવા કે પ્રમોશન મેળવવા મુજરો કરતાં કરોડરજ્જુ વગરના આજના અનેક અધિકારીઓથી વિપરીત શર્મા બંધુઓએ કોઈપણ રાજકીય નેતા યા મંત્રીની શેહમાં આવ્યા વગર તટસ્થ રીતે કડક કામગીરી કરી હતી.
હાલ દેશમાં લોકશાહીના ચારેય સ્થંભોની શું દશા છે તે સૌ કોઈ ઉઘાડી આંખે નિહાળી રહ્યાં છે. ત્યારે પોલિટીકલ મોટિવેશનથી દાખલ થતાં કેસો અને ચુકાદાઓ અંગે આમજનતા વગર કહ્યે ઘણું બધું સમજી જાય છે. આ બંધુઓ કચ્છની જનતાના સ્નેહ અને સલામના આજીવન અધિકારી રહેશે તેમાં કોઈ મીનમેખ નથી.
Share it on
|