આ તે કેવા પોલીસ ઈન્પેક્ટર! જેના હાથમાં લાઠીના બદલે હાર્મોનિયમ વધુ જોવા મળે છે!
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) વિવિધ કારણોના લીધે સામાન્યતઃ આમજનતાની નજરે પોલીસ કર્મચારી અને અધિકારીઓની છાપ બહુ સારી નથી ગણાતી. લોકો કોઈ દિવસ પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢવાનો વારો ના આવે તેવું મનોમન ઈચ્છતાં હોય છે. પરંતુ, જૂજ અપવાદો પણ છે.
Video :
આવા જ એક અપવાદ છે માધાપર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવિણદાન બી. ગઢવી. સામાન્યતઃ પોલીસ ઈન્સ્પેક્ટરના હાથમાં લાઠી જોવા મળતી હોય છે પરંતુ આ પીઆઈના હાથમાં હાર્મોનિયમ વધુ જોવા મળે છે.
૫૨ વર્ષિય પી.બી. ગઢવી મૂળ મોરબીના હળવદના વતની છે અને ૨૦૦૮માં સીધા પીએસઆઈની ડાયરેક્ટ ભરતીથી ખાતામાં જોડાયાં હતાં. ૮ વર્ષ અગાઉ તેમને ઈન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળેલું.
પીઆઈ ગઢવીને ઈપીકો અને ન્યાય સંહિતાની કલમોની તુલનાએ દોહા અને છંદની માત્રાઓમાં વધુ રસ પડે છે. સૂર, શબદ અને સંતવાણીના આરાધક પી.બી. ગઢવીને ઓળખતાં લોકો જો ભજન કે સંતવાણીમાં ગાવા આવવાનું નિમંત્રણ આપે તો તેઓ હોંશભેર અચૂક પહોંચી જાય છે.
કચ્છખબર સાથે વાત કરતાં પીઆઈ ગઢવીએ જણાવ્યું કે તેમણે અત્યારસુધીમાં ભરુચ, વડોદરા, ગાંધીનગર, દ્વારકા, મોરબી, જામનગર સહિતના જિલ્લાઓમાં ફરજ બજાવેલી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન તેમણે પ્રાગપર, નલિયા અને હાલ માધાપરમાં ફરજ બજાવે છે.
સૂરોનો શોખ ભજનિક પિતા ભરતદાનના લીધે વારસામાં મળેલો. ઘરમાં હાર્મોનિયમ રાખ્યું છે અને લાગ મળે કે સૂરોનો આ સાધક ઉપાસના કરી લે છે.
સંતવાણી અને ભજન માટે જાણીતા ગુજરાતના લગભગ મોટાભાગના ગાયકો સાથે તેમણે સૂર સંગત કરેલી છે. તેમનો પ્રિય રાગ માઢ છે અને ભૂતકાળમાં મોરારિબાપુથી લઈ માયાભાઈ આહીર સહિતના જાણીતા લોકો તેમની સૂર સાધક તરીકે જાહેર પ્રશંસા કરી ચૂક્યાં છે.
ને જમાદાર સાહેબને જોઈ બઘવાઈ ગયેલો
ગાંધીનગરની ડ્યુટી સમયે થયેલો એક અનુભવ શૅર કરતાં તેમણે જણાવ્યું કે હળવદની ભજન મંડળી ગાંધીનગર આવેલી અને તેમને ઓળખતાં લોકોએ તેમને ભજન ગાવાનું ઈજન આપેલું. સાહેબ તો ભજન લલકારવા માંડેલાં ને ત્યાં અચાનક પોલીસની એન્ટ્રી થયેલી. સમયમર્યાદાના નામે ભજન બંધ કરાવવા આવેલો એક જમાદાર સીધો સ્ટેજ પર આવી ગયેલો પણ પોતાના જ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને ભજન લલકારતાં જોઈને બઘવાઈ ગયેલો!
યુટ્યુબ પર ગઢવીસાહેબની સંતવાણીના અનેક વીડિયો પોસ્ટ થયેલાં છે. જો કે, તેમણે પોતાની કોઈ ચેનલ બનાવેલી નથી.
આમ તો મલાઈદાર ગણાતાં પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે જવાબદારી મેળવવા લોકો ભલામણોથી લઈ મોટાં વહેવારો કરતાં હોવાનું જગજાહેર છે. પરંતુ આ સૂર સાધક તેનાથી તદ્દન વિપરીત સ્વભાવનો છે. ફિલ્ડની નોકરીથી મનોમન મૂંઝાતા ગઢવીએ પોલીસ સ્ટેશનમાંથી હટાવીને પોતાને વહીવટી કામગીરી સોંપવા એસપીને સામેથી દરખાસ્ત કરી છે.