કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) કચ્છમાં દેશી વિદેશી દારૂની સમાંતર ગાંજાના વેચાણ અને સેવનનું પ્રમાણ વધી રહ્યું હોવાના સંકેતો છેલ્લાં એક સપ્તાહમાં ગાંધીધામ, મુંદરા અને માધાપરમાં પોલીસે પાડેલાં દરોડાથી સાંપડી રહ્યાં છે. ૬ ફેબ્રુઆરીના રોજ પૂર્વ કચ્છ SOGએ ગાંધીધામ સુભાષનગરમાં આવેલી એક કૂરિયર ઑફિસે વૉચ ગોઠવીને ઓડિશાથી ૧ લાખ ૨૧૪૦૦ રૂપિયાની કિંમતના ૧૨ કિલો ૧૪૦ ગ્રામ ગાંજો ભરીને આવેલા પાર્સલની ડિલિવરી લઈ જતા રાજીવ રાય અને સુભાષ જાદવ નામના બે યુવકોની ધરપકડ કરેલી. ૧૩મી ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ કચ્છ SOGએ મુંદરાના ઉમિયાનગરમાં ડેલ્હીવેરી નામની કૂરિયર ઑફિસમાં દરોડો પાડીને ૧ લાખ ૧૪૯૦ રૂપિયાની કિંમતનો ૧૦ કિલો ૧૪૯૦ ગ્રામ ગાંજો જપ્ત કરેલો. આ પાર્સલ પણ ઓડિશાથી આવેલું અને ડિલિવરી લેનાર તરીકે અજાણ્યા શખ્સનો મોબાઈલ નંબર લખેલો.
માધાપર અને મુંદરા મરીન પોલીસે ગાંજો ઝડપ્યો
માધાપર પોલીસે શુક્રવારે સાંજે બાતમીના આધારે અંજારથી ભુજ આવી રહેલી ખાનગી લક્ઝરી બસમાંથી માધાપર પોલીસ સ્ટેશન સર્કલ પાસે ૧૫૨૫ રૂપિયાની કિંમતના ૧૫૨.૫ ગ્રામ ગાંજા સાથે ઉતરેલાં ભુજના મહાદેવ જયેશભારથી ગોસ્વામી નામના યુવકને ઝડપી પાડ્યો હતો. મહાદેવ અગાઉ પણ ભુજમાં પોલીસના હાથે ગાંજાના કેસમાં ઝડપાઈ ચૂકેલો છે. તો, રાત્રે મુંદરા મરીન પોલીસે લુણી ગામે પીર મસ્જિદની બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડીને સુલતાન મામદ ઉન્નડ તથા તેના ભાઈ મજીદને ૧૦ હજાર ૭૩૦ રૂપિયાની કિંમતના ૧૦૭૩ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યાં હતાં. ગાંજા સાથે હિસાબ કિતાબની ડાયરી, ૧૬૪૦ રૂપિયા રોકડાં, ડિજીટલ વજનકાંટો વગેરે મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.
ગાંજાપટ્ટીમાં ફેરવાઈ ગઈ છે ગાંધીધામની કાર્ગો ઝૂંપડપટ્ટી
કચ્છખબરે છેલ્લાં સવા વર્ષ દરમિયાન ગાંજો ઝડપાવાના કેસોનો રીવ્યૂ કર્યો તો ચોંકાવનારું તારણ એ બહાર આવ્યું છે કે મોટાભાગના કેસોમાં ગાંજો ગાંધીધામની કાર્ગો ઝૂંપડપટ્ટીમાંથી સપ્લાય થયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કાર્ગોમાં રહેતા પરપ્રાંતીય લોકોનું એક ખાસ ગૃપ યેનકેન રીતે ઓડિશાથી મોટાપાયે ગાંજો લાવીને ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ અને મુંદરાના છૂટક વેપારીઓને તેનું વેચાણ કરે છે. ત્યારે, પૂર્વ કચ્છ પોલીસ આ વિસ્તારમાં ઓપરેટ કરતી ગેંગો પર આયોજનબધ્ધ રીતે મૅસિવ ક્રેકડાઉન કરે તે અનિવાર્ય અને ઈચ્છનીય છે.
♦માધાપરમાં શુક્રવારે સાંજે ૧૫૨.૫ ગ્રામ ગાંજા સાથે પકડાયેલા મહાદેવ ગોસ્વામીએ પીઆઈ ડી.એમ. ઝાલા સમક્ષ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તે ગાંધીધામની કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા શરીફ ત્રાયા નામના યુવક પાસેથી ગાંજો લાવ્યો હતો.
♦લુણીમાં ગાંજા સાથે ઝડપાયેલાં બે સહોદરોએ પોલીસને જણાવ્યું કે ગાંજાનો જથ્થો તેમણે કાર્ગોમાં રહેતા દીપક રમેશભાઈ વાલ્મીકિ પાસેથી મેળવ્યો હતો.
♦લુણીના બે ભાઈઓએ જેની પાસેથી ગાંજો મેળવેલો તે ૧૯ વર્ષના દીપક વાલ્મીકિને દસ દિવસ અગાઉ ૫મી ફેબ્રુઆરીના રોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો ઝૂંપડામાં તેના ભાડાના રહેણાંકમાંથી ૧૨ હજાર ૭૧૦ રૂપિયાના મૂલ્યના ૧૨૭૧ ગ્રામ ગાંજા સાથે ઝડપેલો.
♦૬ ફેબ્રુઆરીએ ગાંધીધામમાં કૂરિયર ઑફિસે ઓડિશાથી આવેલું ગાંજાનું પાર્સલ કાર્ગો ઝૂંપડપટ્ટીના સરનામે આવેલું અને કાર્ગોમાં રહેતો રાજીવ રાય તેના મિત્ર સુભાષ જાદવ સાથે ડિલિવરી લેવા જતાં ઝડપાઈ ગયેલો.
♦૦૩-૦૨-૨૦૨૪ના રોજ ભુજ SOGએ મુંદરાના ઝરપરા ગામે વાડી વિસ્તારમાં દરોડો પાડીને વાલજી કરમણ રામાણી નામના યુવકને કાર્ગો વિસ્તારમાં રહેતો રાય અટકધારી શખ્સ માલ આપી ગયો હતો.
♦૧૪-૧૧-૨૦૨૪ના રોજ ભુજ SOGએ જી.કે. જનરલ હોસ્પિટલ સામેના રોડ પરની ફૂટપાથ પરથી ૯૯૬ ગ્રામ ગાંજા સાથે ભુજના પારસ રમેશગર ગુંસાઈ અને વિજય રમેશ ટાંક નામના યુવકોની ધરપકડ કરેલી. પારસે કાર્ગો ઝૂંપડામાં અજાણ્યા વ્યક્તિ પાસેથી ગાંજો મેળવ્યો હોવાનું જણાવ્યું હતું.
♦૦૩-૦૮-૨૦૨૪ના રોજ ભુજ SOGએ ભુજ તાલુકાના કેરા ગામે બાબુ માલશી મહેશ્વરી નામના યુવકને ૨૧૮ ગ્રામ ગાંજા સાથે ઝડપેલો. બાબુ આ ગાંજો કાર્ગો ઝૂંપડામાં અજાણ્યા વ્યક્તિ પાસેથી લાવ્યો હતો.
♦૨૭-૦૭-૨૦૨૪ના રોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો ઝૂંપડામાં મોહમ્મદ સલીમ આઝાદ શાહ નામના યુવકના ઘરમાં રેઈડ પાડીને ૩ કિલો ૮૮૪ ગ્રામ ગાંજા સાથે તેના પાર્ટનર ફિરોઝ દાઉદ માણેક બેઉને ઝડપ્યાં હતાં.
Share it on
|