કચ્છખબરડૉટકોમ (ઉમેશ પરમાર) ગુજરાતના પોલીસ વડાએ ૧૫ માર્ચે ૧૦૦ કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમની સામે એક્શન લેવા આપેલા હુકમના પગલે પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ જાણે ‘એક્શન મોડ’ પર આવી ગઈ છે. કચ્છમાં સામખિયાળી પોલીસે એક કુખ્યાત આરોપીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવીને કામગીરીનો પ્રારંભ કર્યો પરંતુ તે પછી મોટાભાગના આરોપીઓના ઘર કે મિલકતોના ગેરકાયદે વીજ કનેક્શનો પર તવાઈ ઉતરી છે. પોલીસ ખાતાએ જાણે GUVNL હસ્તકના પોલીસ મથકનો કારભાર સંભાળ્યો હોય તેમ ઠેર ઠેર પોલીસ અધિકારીઓ તેમના તાબાના પોલીસ મથકના રીઢા આરોપીઓએ ગેરકાયદે મેળવેલાં વીજ જોડાણો કપાવી, ચોપડા પર નાનો મોટો દંડ લખાવીને મૂછો મરડી પ્રોટોકોલના બીબાં મુજબ ‘મહેરબાન ડીજીપી, આઈજી, એસપી અને છેલ્લે ડીવાયએસપીના નામનો ઉલ્લેખ કરવા સાથે પોતાના અને સ્ટાફના નામ લખેલી પ્રેસનોટ પ્રગટ કરી હવનમાં પોતે પણ કંઈક આહૂતિ નાખી હોવાનો જશ ખાટી રહ્યાં છે.
અફકૉર્સ, કેટલાંક હોંશિયાર અધિકારીઓ પ્રેસનોટના અભાવે પોતાની નિષ્ક્રિયતા ના ગણાઈ જાય અને હરીફ ક્યાંક કાચાં કાનના IPS અધિકારીના કાન ભંભેરી ના જાય તે આશંકાથી સતર્કતા દાખવીને મને કમને કામગીરીની પ્રેસનોટ તૈયાર કરે છે.
♦‘પ્રેસનોટ’ની પિષ્ટપીંજણને કોરાણે મૂકીએ તો પણ જે રીતે છેલ્લાં ત્રણ ચાર દિવસથી કચ્છમાં ખૂંખાર ગુનાના આરોપીઓએ મેળવેલાં ગેરકાયદે વીજ કનેક્શનો પર તવાઈ ઉતરી છે તે જોતાં જણાય છે કે આવા લુખ્ખાં તત્વોથી બીજું કોઈ ડરતું હોય કે ના હોય પરંતુ PGVCL અને GUVNL જેવા તંત્રો ચોક્કસ ડરે છે! નહિંતર આટલી મોટી સંખ્યામાં આવા ખૂંખાર આરોપીઓના ગેરકાયદે વીજ કનેક્શનો અને લાખ્ખો રૂપિયાના દંડની વિગતો બહાર આવતી જ ના હોત. કચ્છમાં એસઆરપીના બંદોબસ્ત સાથે વખતોવખત થતાં વિજિલન્સ અને રૂટિન ચેકિંગ વખતે વીજ તંત્રના અધિકારીઓની નજર આવા ખૂંખાર આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણો પર કેમ જતી નહીં હોય તેવો સહજ સવાલ સર્જાય છે.
♦NDPS કે ગુજસીટોક જેવા ખાસ કાયદા હેઠળ ગુનો નોંધતી વખતે પોલીસે અમુક પ્રકારની સજ્જતા અને સતર્કતા દાખવવી પડતી હોય છે તેવું જ કંઈક ગેરકાયદે વીજ જોડાણોના કેસમાં ઈલેક્ટ્રીસીટી એક્ટ હેઠળ GUVNL પોલીસ મથકોમાં દાખલ થતાં ગુનાઓની એફઆઈઆરનું છે.
આ એક્ટ હેઠળ ગુનો ભલે દાખલ થાય પરંતુ કાયદાની નજરે તે માંડવાળને પાત્ર એટલે કે કમ્પાઉન્ડેબલ ગુનો છે.
મોટાભાગે આરોપીની અટક થતી નથી અને ચોપડે દેખાડો કરવા ખાતર અટક થાય તો પણ આરોપી તરત જામીન મુક્ત થઈ જાય છે.
ટ્રાયલ પૂર્વે જ બધા પ્રકારનું સેટીંગ થઈ જતું હોય કોઈ નશ્યતરૂપ કાર્યવાહી થતી નથી. કેસ પૂરવાર થાય તો દંડ ભરવાનો વારો આવે છે પરંતુ છેલ્લાં એક દાયકામાં કેટલાં આરોપીઓને સજા થઈ તે સવાલ GUVNLના જવાબદારોને પૂછશો તો તેઓ પણ જવાબ આપવામાં માથું ખંજવાળશે!
ભાડૂઆત રજિસ્ટ્રેશન ના કરાવવા બદલ નોંધાતો ગુનો પણ સાવ હળવો છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ આજ સુધી કોઈને સજા થઈ હોય તો જાણ કરવા વિનંતી.
♦પોલીસ ખાતું ખરેખર તો આવા હિસ્ટ્રીશીટરો સામે જામીનની શરતોના ભંગ બદલ જામીન રદ્દ કરવા કૉર્ટમાં અરજીઓ દાખલ કરે અથવા તેમના બેન્કના આર્થિક વ્યવહારોની તપાસ કરીને સકંજામાં લે યા પાસા કે તડીપાર કરે તે વધુ અપેક્ષિત છે.
રીઢાં આરોપીઓ ગુજસીટોક કે પાસામાં ફીટ થાય તો પણ કાયદાની આંટીઘૂંટીઓની ઓથે હાઈકૉર્ટ અથવા પાસા બૉર્ડમાંથી ગણતરીના દિવસોમાં બહાર આવી જાય છે.
અંજારમાં ગેરકાયદે વ્યાજખોરી બદલ પહેલાં ગુજસીટોકમાં ફીટ થયાં બાદ જામીન પર આવી ફરી એ જ ગુનો આચરતી ગોસ્વામી બહેનો અને બંધુ હજુ ૨૬ ફેબ્રુઆરીએ પાસામાં ફીટ થયેલાં. ત્રણેય છેલ્લાં થોડાંક દિવસોથી ‘બહાર’ આવી ગયાં છે! રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને મોટા મોટા દાવા ઠોકીને લિંબડજશ ખાટતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષે ખરેખર તો આવા મહત્વના મુદ્દાઓ પર વિચાર કરવાની જરૂર છે.
જિલ્લાના બે રીઢા બૂટલેગરોએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું લોકલ પોલીસના ધ્યાને ના આવ્યું પણ SMCએ તેનો રીપોર્ટ કરી દીધો. આ જ બાબત શું સૂચવે છે?
ઠીક છે, કચ્છમાં સરકાર અને સત્તાના તળિયા ચાટતાં ‘સત્તામિત્ર’ જેવા છાપાં છે ત્યાં સુધી અંધ અને ગંધભક્તોને કદાચ વાત નહીં સમજાય! જનતા સમક્ષ ‘કડક કાર્યવાહી’ના નામે આવી ફિલ્લમ ચાલ્યાં જ કરશે, રાજી થયાં કરો.
Share it on
|