કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઈન્સ્ટાગ્રામ પર પાકિસ્તાની યુવતીના એકતરફી પ્રેમમાં પડેલાં એક કાશ્મિરી યુવકના લીધે કચ્છની ખાવડા પોલીસને દોઢ-બે દિવસ સુધી નાહક દોડધામ કરવાનો વારો આવ્યો છે. યુવતીને પામવા માટે તત્પર આ યુવક પાકિસ્તાન જવા માટે બોર્ડર ક્રોસ કરવા હેતુ ખાવડા પોલીસની મંજૂરી લેવા પોલીસ મથકે આવતાં આખો મામલો બહાર આવ્યો હતો. મંગળવારે સાંજે ખાવડા પીએસઆઈ એમ.બી. ચાવડા અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ રૂટિન કામગીરીમાં વ્યસ્ત હતો ત્યાં અચાનક ૪૪ વર્ષનો યુવક પોલીસ મથકે આવ્યો હતો. પોલીસને તેણે આધાર કાર્ડ બતાવીને પોતે કાશ્મિરનો રહેવાસી હોવાનું જણાવી પાકિસ્તાન જવા માટે મંજૂરી મેળવવા આવ્યો હોવાનું કહ્યું હતું.
પોલીસે આવી કોઈ મંજૂરી અહીંથી ના મળે તેમ કહેતાં ઈમ્તિયાઝ શેખ બોર્ડર ક્રોસ કરવા ગમે તે રીતે મંજૂરી આપવા કરગરવા માંડ્યો હતો. તેની ભેજાગેપ વાત જાણીને પીએસઆઈ ચાવડા ચોંકી ઉઠ્યાં હતાં.
પીએસઆઈ ચાવડાએ તેને પોતાની પાસે બોલાવીને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ‘સાહેબ મારે પાકિસ્તાની ગર્લફ્રેન્ડને મળવા બોર્ડર ઓળંગવી છે’ પીએસઆઈએ વધુ વિગત મેળવતાં બહાર આવ્યું કે ઈમ્તિયાઝ પોતે ગ્રેજ્યુએટ થયેલો છે પરંતુ થોડાંક મહિનાઓથી માનસિક અસ્થિર હોય તેવું વર્તન કરે છે. ઈમ્તિયાઝ કાશ્મિરના બાંદીપોર જિલ્લાના હાજીનનગરનો રહેવાસી છે. ઘરમાં માતા પિતા અને મોટો ભાઈ છે.
તપાસ પૂછપરછમાં સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ
મામલાને ગંભીરતાથી લઈ પોલીસે અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરતાં બોર્ડર સિક્યોરીટી એજન્સીઓએ દોડી આવી ઈમ્તિયાઝની ગહન પૂછપરછ આદરી હતી. ખાવડા પોલીસે હાજીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ઈમ્તિયાઝનો ક્રાઈમ રેકોર્ડ કઢાવ્યો પરંતુ તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. ખેડૂત પરિવારના ઈમ્તિયાઝના સગાં સંબંધીઓ જોડે પણ પોલીસે વાતચીત કરી ખરાઈ કરી.
ઈમ્તિયાઝ ઈન્સ્ટાગ્રામમાં એક પાકિસ્તાની યુવતીના પ્રેમમાં પડ્યો છે. તેનો પ્રેમ તદ્દન એકતરફી છે. યુવતી પાકિસ્તાનમાં ક્યાં રહે છે તે પણ તેને ખબર નથી. ખરેખર તો તે એકાઉન્ટ યુવતીનું જ છે કે કેમ તે પણ સ્પષ્ટ નથી.
ઈમ્તિયાઝે અગાઉ કાશ્મિરથી પાકિસ્તાન જવા પ્રયાસ કરેલો પરંતુ નિષ્ફળતા મળેલી. ત્યારબાદ તેને કોઈકે કચ્છથી પાકિસ્તાન જવાય છે તેમ કહેતાં તે ખાવડાથી પોલીસની મંજૂરી લઈ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જવાના મનસુબાથી આવેલો. પાકિસ્તાન જવા માટે પાસપોર્ટ કઢાવવા પણ તેણે અરજી કરેલી. સઘન પૂછપરછમાં કશું શંકાસ્પદ ના જણાતાં અંતે પોલીસે ઈમ્તિયાઝને સમજાવટ કરીને આજે ભુજથી અમદાવાદ અને ત્યાંથી કાશ્મિર મોકલવા માટે રવાના કરી દીધો છે.
Share it on
|