click here to go to advertiser's link
Visitors :  
01-Apr-2025, Tuesday
Home -> Vishesh -> How a lady constable reinstated withing 15 days of transfer and PSI get punishment Read
Friday, 20-Sep-2024 - Bhuj 64506 views
જે કોન્સ્ટેબલના લીધે મહિલા PSIને સજા મળી તે ૧૫ દિ’માં જ ફરી પો.સ્ટે.માં હાજર!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છ પોલીસ દળના રેગ્યુલર એસપીના અભાવે વહીવટમાં ગંડુ રાજા ને અંધેર નગરી જેવો ઘાટ સર્જાયો છે. આવા અંધેર વહીવટને કારણે ભુજ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરને વિનાકારણે ‘લીવ રીઝર્વ’ પોસ્ટિંગની સજા ભોગવવાનો આવ્યો છે.

આઘાતનો મુદ્દો એ છે કે જેના લીધે PSIની લીવ રીઝર્વમાં બદલી થઈ તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોક જેક લગાડીને ફક્ત પંદર દિવસમાં ફરી મહિલા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગઈ છે!! 

પ્રેમલગ્ન માટે જીદ્દી દીકરીને પિતાની હાજરીમાં મારેલી

ઘટનાનું મૂળ છે પ્રેમલગ્ન માટે જીદ્દી બનેલી યુવતીને કોઈ કેસ કે કાગળ પત્તર વગર તેના પિતાની હાજરીમાં થયેલી મારકૂટ. ભુજના એક ભદ્ર પરિવારની યુવતી છેલ્લાં થોડાં ઘણાં માસથી અન્ય ધર્મના યુવકના પ્રેમમાં પડી છે. યુવક સાથે તે બેથી ત્રણ વખત નાસી પણ ગયેલી પરંતુ પિતા તેને ગમે તે રીતે ઘરે પરત લઈ આવેલાં. યુવતી પ્રેમી સાથે જ ઘર માંડવાની જીદ્દ લઈને બેઠી છે. ૨૧ ઑગસ્ટની સાંજે આ મામલે યુવતી પિતા પરિવારજનો સાથે ઝઘડવા માંડેલી. જેથી પિતાએ મહિલા પોલીસ સ્ટેશનના લેડી કોન્સ્ટેબલ જયશ્રી સાધુનો વ્યક્તિગત સંપર્ક કરતાં મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમ ઘરે પહોંચી હતી. શી ટીમની લેડી પોલીસ કોન્સ્ટેબલ જયશ્રીબેન સાધુ અને અન્ય મહિલા કોન્સ્ટેબલોએ યુવતીને અન્ય ધર્મના યુવક સાથે લગ્ન ના કરવા સમજાવટ કરેલી. કાયદાની જાણકાર યુવતી માની નહોતી. જેથી ઉશ્કેરાઈને જયશ્રી સાધુ સહિતની કોન્સ્ટેબલોએ સમજાવટ કરવાના બહાને યુવતીને તેના પિતાની હાજરીમાં જ માર માર્યો હતો!

યુવતીની અરજી બાદ જવાબદારોની તત્કાળ બદલી

પુખ્ત વયની યુવતી ઈચ્છે તે યુવક સાથે લગ્ન કરી શકે છે, ચાહે તેમાં પરિવાર કે સમાજની મરજી હોય કે ના હોય. પણ અહીં તો પોલીસે જ કાયદો હાથમાં લઈને કોઈ જ અરજી કે કાગળ પત્તર વગર યુવતીને માર મારેલો. એવો માર મારેલો કે તેના લીધે યુવતીને માસિક વહેલું શરૂ થઈ ગયેલું. ઘટના અંગે પોલીસની વરવી ભૂમિકા મુદ્દે યુવતીએ એસપીને લેખીત અરજી કરેલી. સમગ્ર ઘટનાક્રમથી અજાણ એસપીએ અરજીને ગંભીરતાથી લઈ ૬ સપ્ટેમ્બરે ટેલિફોનિક સૂચના મારફતે તત્કાળ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એન.બી. ચૌધરીને લીવ રીઝર્વ અને કોન્સ્ટેબલ જયશ્રી સાધુની પોલીસ હેડ ક્વાર્ટરમાં ટ્રાન્સફર કરી દીધી હતી.

રજા પર ઉતરેલાં પીએસઆઈને મળી સજા

કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ સામાન્યતઃ કોઈ કર્મચારી વિરુધ્ધ શિસ્તભંગ બદલ પગલાં લેવાનાં હોય અથવા લેખીત અરજી આવી હોય તો તેનો ખુલાસો લેવો પણ જરૂરી છે. પરંતુ આ કિસ્સામાં મહિલા પીએસઆઈનો કોઈ ખુલાસો જ ના લેવાયો. હકીકત એ હતી કે ૨૧ ઑગસ્ટની સાંજે ઑફિસ અવર્સ બાદ આ ઘટના ઘટેલી અને મહિલા પીએસઆઈ એન.બી. ચૌધરી ઑફિસ અવર્સ બાદ પૂર્વનિર્ધારિત સમયપત્રક અને મંજૂરી મુજબ એક સપ્તાહની રજા પર ઉતર્યાં હતાં. મહિલા પીએસઆઈ રજા પર ઉતર્યાં હોઈ તેમજ પોતે વાંકમાં હોઈ લેડી કોન્સ્ટેબલ જયશ્રી સાધુ સહિતના સ્ટાફે પણ તેમના કરતૂત અંગે પીએસઆઈ ચૌધરીને કશી જાણ કરી નહોતી. ૬ સપ્ટેમ્બરે એકાએક પોતાની લીવ રીઝર્વમાં બદલી થઈ ત્યારે પીએસઆઈ ચૌધરીએ તપાસ કરતાં આખો વિવાદ તેમના ધ્યાને આવ્યો હતો!

૧૫ દિવસમાં મહિલા કોન્સ્ટેબલ ફરી મૂળ સ્થાને

વાતનો વળ છેડે આવતો હોય તેમ સમગ્ર વિવાદમાં આજે એક નવો વળાંક આવ્યો છે. યુવતી સાથે મારપીટ કરનારી કોન્સ્ટેબલ જયશ્રી સાધુને આજે અચાનક હેડ ક્વાર્ટરમાંથી બદલી કરી ફરી મહિલા પોલીસ સ્ટેશનમાં મૂળ જગ્યાએ પરત નિયુક્ત કરી દેવાઈ છે!

આ કોન્સ્ટેબલે એવો તો કયો જેક લગાડ્યો કે ફ્ક્ત પંદર જ દિવસમાં જ તે મૂળ જગ્યાએ પરત મૂકાઈ તે અંગે તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

આઘાતની બાબત એ છે કે સમગ્ર વિવાદમાં એક હોનહાર મહિલા પીએસઆઈને વિનાકારણે સજારૂપ પોસ્ટિંગ ભોગવવાનો વારો આવ્યો છે.

વહીવટના રૂપિયા હજમ કરનાર કોન્સ્ટેબલને મળી સજા

પશ્ચિમ કચ્છમાં નિયમિત એસપીના અભાવે કેવું લોલમલાલ ચાલે છે તેનો એક કિસ્સો પણ ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસની એક વિશેષ બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલને વહીવટ પેટે મળેલાં લાખ્ખો રૂપિયા કે જે સાહેબને ચૂકવવાના થતાં હતા તે હજમ કરી જવા બદલ શાખામાંથી તત્કાળ છૂટાં થવાનો વારો આવ્યો છે. સામાન્યતઃ વિશેષ શાખાઓમાં અન્ય પોલીસ મથકનો જ સ્ટાફ પ્રતિનિયુક્તિ પર નીમાતો હોય છે અને વખતોવખત તેમને મૂળ પોલીસ મથકમાં પુનઃ ફરજ પર હાજર થવાનું હોય છે.

આ કોન્સ્ટેબલને પણ અન્ય સાથી કોન્સ્ટેબલોની જેમ પ્રતિનિયુક્તિ પર છૂટાં થઈ પોલીસ સ્ટેશનમાં હાજર થવા સૂચના મળેલી. પરંતુ, સાહેબને વહીવટના ઉઘરાણાનાં ચૂકવવાના થતાં દસેક લાખ રૂપિયા પોતે હજમ કરી ગયો હોઈ સાહેબે તેને તત્કાળ છૂટ્ટો કરી દઈને પોતાનું બલ એકદમ ભદ્ર રીતે સાબિત કરી બતાડ્યું હતું.

પોતાને સત્યવાદીનો અવતર ગણાવીને વાત વાતમાં સમ ખાઈને સચ્ચાઈ સાબિત કરવા મથતાં આ સાહેબે થોડાં સમય અગાઉ જુગાર રમતાં ઝડપાયેલાં એક ખેલીને એક રાજકીય પાર્ટીના અધ્યક્ષના કહેવાથી જવા દીધો હતો! કોઈ જ બંધારણીય હોદ્દા વગર દરેક કાર્યક્રમના મંચ પર બેસી જવાની લાલસા ધરાવતા આવા જયચંદ આગળ ઝૂકી જતાં આ સ્વઘોષિત સત્યવાદી વળી પાછા દરેક વિવાદમાં પોતાના પૂરોગામી અધિકારી માહિતી લીક કરતાં હોવાના બખાળા કાઢ્યાં કરે છે!

Share it on
   

Recent News  
પંજાબની ખેપ મારી ૪૧ લાખનું કોકેઈન લાવનાર ભુજના ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપાયાં
 
રાપરઃ મદદના નામે હાથ લંબાવીને કૌટુંબિક કાકાએ યુવાન પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો
 
દીકરી ભાગી જતાં બિદડાના પરિવારે મંગવાણાની મહિલા તલાટીને એસિડ એટેકની આપી ધમકી