કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ગુજરાતીમાં જેને અપરાધ બોધ યા અપરાધ ભાવ અને અંગ્રેજીમાં GUILT કહે છે તે અપરાધ બોધે અંતે એક એવી હત્યાનો પર્દાફાશ કર્યો છે કે જેમાં પોલીસને નવેસરથી મરનારની ઓળખ કરવા દોડધામ કરવાનો વારો આવ્યો છે. આ ઘટના અને ઘટસ્ફોટ છે ભુજના સરહદી ખાવડા નજીક ખારી ગામનો. પરિણીત મહિલા રામી આહીર (ચાડ) અને ગામમાં જ રહેતા તેના પ્રેમી અનિલ આહીર (ગાગલ)એ એકમેકને પામવા સગાં અને સમાજની આંખમાં કેવી રીતે ધૂળ નાખેલી તેનો પોલીસની તપાસમાં ખુલાસો થયો છે.
રામીએ પ્રેમીને પામવા આપઘાતનું નાટક કરેલું
ભુજ તાલુકાના નાડાપા ગામે રહેતી મૂળ ખાવડા નજીક ગોડપર ગામની વતની એવી રામીના લગ્ન દસેક વર્ષ અગાઉ ખારી ગામે થયેલાં. પતિ સાથે મનમેળ ના આવતાં તેણે કૉર્ટ મારફતે પતિથી છૂટાછેડાં લીધેલાં. છૂટાછેડાંના પંદરેક દિવસ બાદ ૪-૦૬-૨૦૨૪ના રોજ અંધારી તેરસે તેણે ખારી ગામના જ કાનજી ચાડ નામના અન્ય યુવકે જોડે સામાજિક રાહે બીજા લગ્ન કરેલાં.
હકીકતે રામીને ખારી ગામમાં રહેતા અનિલ ગાગલ નામના અન્ય એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ હતો. સામાજિક રાહે અનિલ જોડે લગ્ન કરવા શક્ય ના હોઈ પરિવારજનોના કહ્યા મુજબ રામીએ કાનજી જોડે લગ્ન કરી લીધાં હતાં.
અનિલને કાયમ માટે પામવાના હેતુથી રામીએ ૦૫-૦૭-૨૦૨૪ના રોજ સાસરીમાં ઘરથી થોડેક દૂર કાકાજી સસરા કાનાભાઈના વાડામાં લાકડાની ભારીમાં આગ લગાડીને બળી મરવાનું નાટક કર્યું હતું. એટલું જ નહીં, સ્થળ પર મૂકેલાં મોબાઈલ ફોનમાં પોતે આપઘાત કરતી હોવાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. પરંતુ અચાનક ૨૭ સપ્ટેમ્બરની રાત્રે રામી તેના પ્રેમી અનિલ જોડે બાઈક પર નાડાપા ગામે પિતાને મળવા આવી હતી અને પોતે આપઘાત નથી કર્યો તેવી કબૂલાત કરતાં સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો.
પોલીસ તપાસમાં થયો હત્યાનો ઘટસ્ફોટ
પિતાએ પુત્રી રામીએ કોઈ ગુનો આચર્યો હોવાની આશંકા રાખીને તેને અનિલ જોડે પોલીસ સ્ટેશને હાજર થઈ જવા કહેલું પરંતુ રામી પોલીસ સ્ટેશને જવાના બદલે ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. આ ઘટનાએ અનેક સવાલો સર્જ્યાં હતાં. સૌથી મોટો સવાલ એ હતો કે જેની લાશને સળગાવી દેવાઈ હતી તે ખરેખર કોની લાશ હતી? શું આ યુગલે તેની હત્યા કરી હતી? યુગલને પકડીને પોલીસે સઘન પૂછપરછ કરતાં હત્યાનો ઘટસ્ફોટ થયો છે.
પ્રેમી બિનવારસી લાશ શોધવા ભુજમાં રખડેલો
ખાવડા પીએસઆઈ એમ.બી. ચાવડાની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે રામીએ બળી મરવા માટે અનિલ જોડે પોતાના આપઘાતનું કાવતરું ઘડ્યું હતું. લોકોને ખાતરી થાય તે માટે આ યુગલને અન્ય કોઈનું મૃત શરીર જોઈતું હતું. રામીનો પ્રેમી અનિલ બિન વારસી લાશ શોધવા માટે ૦૩/૦૭/૨૦૨૪ના રોજ ભુજ આવ્યો હતો. અનિલે ભુજમાં આવીને ત્રણ હજારના ભાડે એક સેલ્ફ ડ્રાઈવ ઈકો કાર લીધી હતી. અનિલ આખો દિવસ બિન વારસી લાશની શોધમાં ભુજ શહેરના વિવિધ વિસ્તારમાં ફર્યો હતો પરંતુ કોઈ લાશ મળી નહોતી.
હમીરસર કાંઠે અજાણ્યો વૃધ્ધ મળેલો
નિરાશ થઈને સાંજે તે હમીરસર કાંઠે જઈને નગરપાલિકાના બાંકડે બેસી ગયો હતો. ત્યાં જ અંદાજે સિત્તેર વર્ષની વયનો એક વૃધ્ધ ભિક્ષુક જેવો ડોસો જોવા મળ્યો હતો. તેને જોઈને અનિલની આંખમાં ભેદી ચમક આવી ગઈ હતી. અનિલે આ અજાણ્યા વૃધ્ધ સાથે વાત કરતાં પૂછ્યું હતું કે કે ‘કાકા ક્યાં રહો છો?’ ત્યારે વૃધ્ધે પોતે એકલો જ રખડતો ભટકતો હોવાનું જણાવ્યું હતું. અનિલે આ વૃધ્ધને પોતાની સાથે લઈ જવાના હેતુથી તેને પોતાને ત્યાં રહેવા અને ચોકી કરવા સાથે આવવા જણાવેલું પરંતુ વૃધ્ધ ઈન્કાર કરીને જતો રહ્યો હતો. આ વૃધ્ધ ચાલતો ચાલતો પૂજા ડાઈનીંગ હોલથી શિવમ્ ટ્રેડર્સ નામની દુકાન પાસે આવ્યો હતો અને ત્યાં ફૂટપાથ પર આડો પડ્યો હતો. તેની તમામ હલચલનું અનિલે ધ્યાન રાખ્યું હતું.
મધરાત્રે ભુજમાંથી વૃધ્ધનું કર્યું અપહરણ
રાત્રિનો અંધકાર થયાં બાદ અનિલ ફરી એકવાર બિનવારસી લાશની શોધમાં ભુજમાં નીકળી પડ્યો હતો. મોડી રાત સુધી તેને કોઈ લાશ મળી નહોતી. જેથી તેણે બિન વારસી હાલતમાં રખડતાં ભટકતાં એ વૃધ્ધનું અપહરણ કરીને તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. મધરાત્રે સાડા બાર વાગ્યે તે વૃધ્ધ જ્યાં સૂતો હતો ત્યાં અનિલ કાર લઈને ગયો હતો. સૂઈ રહેલાં વૃધ્ધને ઉઠાડીને તેમને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરી લીધું હતું.
કારમાં વૃધ્ધનું ગળું દબાવીને કરી હત્યા
પોલીસની જાળમાં પોતે ક્યાંય ફસાય નહીં તે માટે પહેલાંથી સજાગ અનિલે કારને ભુજથી ખાવડાના નિયત પાકાં માર્ગે લેવાના બદલે ભુજના કુનરીયાથી કારને અંતરિયાળ છછી અને ભોજરડોના રસ્તે હંકારીને ખાવડા તરફ પહોંચ્યો હતો. મધરાત્રે ચાર વાગ્યે કારમાં જ ગળું દબાવીને વૃધ્ધની હત્યા કરી નાખી હતી. વહેલી પરોઢે ગામમાં જવાથી લોકોને ખબર પડી જશે તે હેતુથી થોડાંક કલાક રસ્તામાં જ ગાડી રોકીને રાહ જોઈ હતી. સવારે સાડા સાત વાગ્યે ખાવડા પહોંચીને તેણે કારના ટાયરમાં પડેલું પંક્ચર રીપેર કરાવ્યું હતું. ખાવડાથી તેણે એક પાવડો અને બે કોથળા ખરીદયા હતા. બધો માલ સામાન ખરીદી લાશ લઈને પોતાના ઘરના વાડામાં આવ્યો હતો. લાશને વાડામાં છૂપાવી દીધી હતી.
લાશને બીજા દિવસે સળગાવી નાટક કર્યું
લાશની વ્યવસ્થા કરી દીધી હોવાની રામીને જાણ કરી તેને પોતાના વાડામાં અનિલે બોલાવી હતી. ત્યારબાદ બીજા દિવસે કોઈની નજર ના પડે તેમ વૃધ્ધની લાશને રામીના કાકાજી સસરા કાનાભાઈના વાડામાં લાકડાની ભારીમાં મૂકીને આગ ચાંપી દીધી હતી.
અપરાધ બોધના લીધે ઘટના બહાર આવી
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે પોતાના આપઘાતનું નાટક કરીને રામી અનિલ જોડે દ્વારકાના ભાણવડમાં ભાગી ગઈ હતી. અહીં એકાદ મહિનો રોકાયાં હતાં. જો કે, પોતે કરેલાં ગુનાનો અપરાધ બોધ બેઉને ‘ખાઈ’ જતો હતો. બેઉ જણે પોલીસને કહ્યું કે ‘સાહેબ અમને ઊંઘ જ નહોતી આવતી. ખોટું કર્યું હોઈ મન સતત ડંખ્યા કરતું હતું. આખરે અમે બેઉ જણે પાછાં ભુજ આવવાનું નક્કી કર્યું’ ભુજ આવ્યાં બાદ બેઉ જણ ઉમેદનગરમાં રહ્યાં હતાં. રામીથી અપરાધ બોધ સહન ના થતાં તે ૨૭ સપ્ટેમ્બરની રાત્રે પિતાને નાડાપામાં મળવા ગયેલી અને પોતે આપઘાત ના કર્યો હોવાની કબૂલાત કરેલી.
પોલીસે અજાણ્યા વૃધ્ધનું રેખાચિત્ર જાહેર કર્યું
હેડ કોન્સ્ટેબલ માલદે સોલંકીએ જણાવ્યું કે અજ્ઞાત વૃધ્ધ કે જેની હત્યા થઈ હતી તે કોણ હતો તેની ઓળખ માટે તપાસ ચાલું છે. પોલીસે અજાણ્યા વૃધ્ધનું એક રેખાચિત્ર પણ તૈયાર કર્યું છે. હાલ આ યુગલની પોલીસ પૂછપરછ જારી છે.
Share it on
|