કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોઈ સરકારી કર્મચારી કે સરકારી અનુદાન યા આર્થિક લાભ મેળવતી સંસ્થાના કર્મચારી ફરજના ભાગરૂપે કરવાના થતાં કામ માટે ગેરકાયદે રીતે લાંચની માંગણી કરે અથવા સ્વિકારે તો તેની વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તળે ગુનો દાખલ થાય છે. જો લાંચ લેતી વ્યક્તિ સરકારી કર્મચારી કે ‘જાહેર સેવક’ની વ્યાખ્યામાં ના આવતી હોય તો તેની સામે આ ગુનો દાખલ થઈ શકતો નથી. આટલી સાદી બાબત ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરોમાં બીરાજતાં કેટલાંક અધિકારીઓ સમજતાં નથી તે ભુજના આ કિસ્સા પરથી ઉજાગર થયું છે. વચેટિયા વતી હંગામી ક્લાર્ક ૪ હજારની લાંચ લેતા ઝડપાયેલો
૧૯-૦૫-૨૦૧૬ના રોજ ACBએ ભુજની કલેક્ટર કચેરીની અછત રાહત શાખામાં છટકું ગોઠવીને ધ્રોબાણા ગામે ચાર ઢોરવાડાની ઝડપથી મંજૂરી આપવાની અવેજમાં વચેટિયા વતી ચાર હજારની લાંચ લેવાના આરોપ હેઠળ કોન્ટ્રાક્ટ બેઝ (હંગામી) ક્લાર્ક સંજય વિશનજી ચૌધરી અને વચેટિયા ગુરપ્રીતસિંઘ સચદેને રંગેહાથ ઝડપેલાં. સંજયે ઢોરવાડાદીઠ બબ્બે હજાર રૂપિયા ગણી કુલ આઠ હજારની લાંચ માંગેલી. જે પૈકી ચાર હજાર આગલા દિવસે વચેટિયાને આપી દેવાયેલાં. ઘટના બાદ સંજય ચૌધરીને તંત્રએ નોકરીમાંથી પાણીચું આપી દીધું હતું.
ચાર્જશીટ દાખલ કરવાના હુકમમાં આવુ લખેલું
આ કેસમાં આરોપી સંજય સહિત બેઉ સામે કૉર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવાની મંજૂરી આપતા ACBના ડેપ્યુટી ડાયરેક્ટરના પત્ર સહિત ACBએ ૧૭ દસ્તાવેજી આધાર અને ૭ સાક્ષી રજૂ કર્યાં હતાં. ચાર્જફ્રેમ થયાં બાદ ટ્રાયલ શરૂ થયેલી. ચાર્જશીટ ફાઈલ કરવાની મંજૂરી/ હુકમ આપતા ACB ડેપ્યુટી ડાયરેક્ટરના પત્રમાં લખ્યું હતું કે ગુનો બન્યો ત્યારે સંજય ચૌધરી કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો, ગુના બાદ તંત્રએ તેને નોકરીમાંથી દૂર કરી દીધો હતો. તેથી, હવે તેની સામે ચાર્જશીટ ફાઈલ કરવા માટે સંબંધિત તંત્રની પૂર્વમંજૂરી લેવાની કોઈ જરૂર રહેતી નથી.
...તો ચાર્જશીટ રજૂ કરવાની જરૂર જ ક્યાં હતી? કૉર્ટ
વિશેષ ACB કૉર્ટના જજ શિલ્પાબેન કાનાબારે ચુકાદો આપતાં જણાવ્યું કે ગુનો બન્યો ત્યારે આરોપી સંજય ચૌધરી જાહેર સેવક હતો પરંતુ ચાર્જશીટ રજૂ કરતી વખતે તેને જાહેર સેવક તરીકે ગણવામાં આવ્યો નથી. જો તે જાહેર સેવક ના હોય તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તળે આરોપી સામેની કાર્યવાહી (પ્રોસિક્યુશન) કાયદેસર નથી.
ચાર્જશીટ સમયે આરોપી સરકારી નોકરીયાત જ નહોતો રહ્યો ત્યારે ચાર્જશીટ દાખલ કરવાની કશી જરૂર જ નહોતી.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ અને ૧૩માં સુસ્પષ્ટ છે કે જાહેર સેવક વિરુધ્ધ પ્રોસિક્યુશન માટે (સંબંધિત તંત્રની) પૂર્વમંજૂરી વગર કૉર્ટ કોગ્નિઝન્સ જ ના લઈ શકે. કેસને કાયદેસર રીતે કૉર્ટમાં રજૂ કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હોઈ તથા કૉર્ટ પ્રોસિક્યુશનને કાયદેસર ગણતી ના હોઈ બંને આરોપીને છોડી મૂકવા હુકમ કરે છે.
ચુકાદાની નકલ ઉચ્ચ સ્તરે મોકલવા કર્યો હુકમ
સ્પે. કૉર્ટે આ ચુકાદાની નકલ રાજ્યના ગૃહ વિભાગ, રાજ્ય પોલીસ વડા, ACBના વિવિધ વરિષ્ઠ અધિકારીઓ, ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન વગેરેને મોકલી આપવા હુકમ કર્યો છે. કેસમાં બચાવ પક્ષે એડવોકેટ આર.એસ. ગઢવી અને એચ.સી. ચૌધરીએ દલીલો કરી હતી.
Share it on
|