કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના બે વર્ષ જૂનાં ચકચારી હત્યા કેસમાં આરોપી છૂટી જાય તે રીતે ટ્રાયલ ચલાવાઈ હોવાનું અવલોકન કરીને ભુજના આઠમા અધિક સેશન્સ જજ શિલ્પાબેન એમ. કાનાબારે કચ્છની કૉર્ટમાં ચાલતી વ્યવસ્થા સુધારવા ગૃહ વિભાગ અને DGPને વિનંતી કરી છે. કચ્છની કૉર્ટોમાં ચાલતાં કેસોમાં સૌપ્રથમ ફરિયાદીની તપાસ કરવાના બદલે પહેલાં પંચ સાક્ષીઓ રજૂ કરાતાં હોવાની પ્રણાલિ અંગે નારાજગી દર્શાવીને જણાવ્યું કે ઘણીવાર તો ટ્રાયલ શરૂ થયાની ફરિયાદીને જાણ થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એ ચકચારી હત્યા કેસ અંગે જાણો વિગતે
૧૭-૦૧-૨૦૨૩ના રોજ ભુજની ભાગોળે ભારાપર રોડ પર બાલાજી ગ્રીન્સ નજીક એક ટેકરી પાસે ઝાડી-ઝાંખરામાંથી ૨૨ વર્ષની શાંતાબેન હરેશભાઈ કોલી (રહે. સુખપર રોહા, નખત્રાણા)નો અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ૧૫-૦૨-૨૦૨૩ના રોજ શાંતાના પિતા હરેશભાઈએ શાંતાના પ્રેમી જગદીશ ધનજીભાઈ કોલી (રહે. ભારાસર, ભુજ) વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અગમ્ય કારણે દીકરીને તીક્ષ્ણ હથિયારનો ઘા મારી તેનું મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
શાંતાએ જગદીશ સામે દુષ્કર્મની ફરિયાદ કરેલી
શાંતા અને જગદીશ બે વર્ષ અગાઉ એકમેકના પરિચયમાં આવી પ્રેમમાં પડેલાં. સામાજિક રીત રિવાજ મુજબ બેઉના લગ્નની વાત પણ થયેલી. પરંતુ પાછળથી જગદીશે અન્ય યુવતી જોડે લગ્ન કરી લીધેલાં. ત્યારબાદ ઑગસ્ટ ૨૦૨૨માં જગદીશ શાંતાને ભગાડીને લઈ ગયેલો. માનકૂવા પોલીસે બેઉને પકડ્યાં હતા અને શાંતાએ જગદીશ વિરુધ્ધ બળજબરીથી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ ગુજારવા સબબ નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
શાંતા જ્યુબિલી સર્કલથી ગૂમ થઈ ગયેલી
જામીન પર બહાર આવીને જગદીશ ફરી શાંતાનો સંપર્કમાં રહેતો હતો. દરમિયાન શાંતા માધાપરમાં તેના મામાના ઘેર રોકાવા આવેલી. ૨૯-૧૨-૨૦૨૨ના રોજ શાંતાને પરત સુખપર મોકલવા માટે મામા તેને જ્યુબિલી સર્કલ પર લઈને આવેલાં. આ સમયે શાંતા મેડિકલ સ્ટોરમાંથી ક્રીમ લેવા જવાનું કહીને ગાયબ થઈ ગયેલી. બનાવ અંગે જાણ થતાં શાંતાના પરિવારજનો તે જ દિવસે ભુજ દોડી આવેલાં અને દીકરીની ગૂમનોંધ લખાવી હતી.
બે દિવસ બાદ જગદીશ ઘાયલ હાલતમાં મળેલો
બે દિવસ બાદ ૧ જાન્યુઆરીની મધરાત્રે અઢી વાગ્યે ભુજના હરીપર પાસેની વાડી નજીકથી ગંભીર હાલતમાં ઘાયલ જગદીશ મળી આવ્યો હતો. પોલીસે જગદીશ પર હત્યાનો આરોપ મૂકતી ચાર્જશીટમાં જણાવેલું કે જગદીશ જ્યુબિલી સર્કલથી શાંતાને રીક્ષામાં બેસાડીને બાલાજી ગ્રીન્સ નજીક નિર્જન વિસ્તારમાં લઈ આવેલો.
જગદીશે પોતાની સામેના બળાત્કારના કેસમાં સમાધાન માટે શાંતા જોડે માથાકૂટ કરેલી અને બાદમાં ઉશ્કેરાઈને ફૂટેલી બાટલીનો કાચ શાંતાના પેટમાં ઘૂસાડી દઈને તેની હત્યા કરેલી.
હત્યા બાદ ડરના લીધે જગદીશે પણ વીજ થાંભલા ઉપર ચઢી જઈને વીજ વાયરને સ્પર્શ કરીને આત્મહત્યાનો પ્રયાસ કરેલો પરંતુ તે નીચે પડી ગયો હતો. જોરદાર વીજ કરંટના લીધે તેના બંને હાથમાં ગંભીર ઈજાઓ થયેલી અને બેઉ હાથ કાપી નાખવામાં આવ્યા હતાં. પોલીસ પૂછપરછમાં પહેલાં તો જગદીશે પોતે બાઈક પરથી પડી ગયો હોવાનું કહેલું, બાદમાં શાંતાના પિતાએ તેના હાથમાં ઈજા પહોંચાડી હોવાનું કહેલું. જો કે, હકીકતે તે જાતે જ મરવા માટે વીજ થાંભલા પર ચઢ્યો હતો.
કેસની ઉપરછલ્લી તપાસ કરાઈ છેઃ કૉર્ટ
આ કેસમાં તપાસકર્તા પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ આઈ. સોલંકીએ ૨૩ સાક્ષી અને ૩૬ દસ્તાવેજી આધાર પૂરાવા રજૂ કરેલાં. સમગ્ર કેસમાં ગુનાને સાંકળતો કોઈ સીધો પૂરાવો નહોતો અને સાંયોગિક પૂરાવાના આધારે પોલીસે ચાર્જશીટ રજૂ કરેલી. આઠમા અધિક સેશન્સ જજ શિલ્પાબેન એમ. કાનાબારે આરોપીને છોડી મૂકવાનો હુકમ કરતાં જણાવ્યું કે સમગ્ર કેસમાં ફરિયાદી પક્ષ સંયોગોની સમગ્ર સાંકળ શંકાથી પર રીતે પ્રસ્થાપિત કરી શક્યો નથી. ફક્ત ઉપરછલ્લી તપાસ કરાઈ છે. પૂર્વ આયોજીત રીતે ઘૃણાસ્પદ ગુનો આચરાયો છે પરંતુ ફરિયાદ પક્ષ પૂરતાં પૂરાવા આપવામાં નિષ્ફળ રહ્યો છે.
આ કેસ પૂઅર ઈન્વેસ્ટીગેશનનો કેસ છે
કૉર્ટે જણાવ્યું કે આવા ગુનાઓની તપાસ સિનિયર પોલીસ અધિકારીઓ પાસે કરાવવી જોઈએ. જરૂર પડ્યે ફોરેન્સિક ઈન્વેસ્ટીગેશન કરાવવું જોઈએ પણ આ કેસમાં યોગ્ય તપાસ માટે એકપણ વાર પ્રયાસ જ થયો નથી. સર્વોચ્ચ અદાલતના હુકમો છતાં પોલીસ ખાતું હજુ એ જ છાપ ધરાવે છે કે યોગ્ય પૂરાવા ના હોવા છતાં કૉર્ટ પોલીસના કેસને ‘કન્સિડર’ કરશે. આ કેસ ‘પૂઅર ઈન્વેસ્ટીગેશન’નો કેસ છે તેવું કહેતા કૉર્ટને કશો સંકોચ નથી.
ફરિયાદીને બદલે પહેલાં પંચ સાદેહો રજૂ કરાય છે
કચ્છની અદાલતોમાં મોટાભાગે પંચ સાહેદો પહેલાં રજૂ કરાતાં હોય છે તે વ્યવસ્થા સામે નારાજગી દર્શાવતાં કૉર્ટે જણાવ્યું કે ખરેખર તો પ્રોસિક્યુશનની ફરજ છે કે સૌપ્રથમ ફરિયાદીને તપાસે, જેથી કૉર્ટ પણ કેસનો મર્મ સમજી શકે. કયા સાહેદને પહેલાં તપાસવો તે નક્કી કરવાનું કામ કૉર્ટનું નથી.
ફરિયાદીને વધુ તપાસનો હક્ક છે પણ..
આ કેસમાં ફરિયાદીની જાણ બહાર જ પંચ સાહેદો અને સ્વતંત્ર સાહેદોને તપાસી લેવાયાં હતાં. તપાસમાં ખામી જણાય તો ફરિયાદીને વધુ તપાસની રજૂઆત કરવાનો હક્ક છે પરંતુ કચ્છમાં આ બધુ જાણે ફોગટ છે.
ફરિયાદી કૉર્ટ પહોંચે ત્યારે મોડું થઈ જાય છે
ફરિયાદીને જ્યારે ટ્રાયલ શરૂ થવાની જાણ થાય અને તે કૉર્ટમાં પહોંચે ત્યારે ઘણો વિલંબ થઈ ગયો હોય છે. ઘણાં સરકારી વકીલો દલીલ કરે છે કે જજો સૌપ્રથમ પંચ સાદેહને તપાસવા આગ્રહ રાખે છે પરંતુ કૉર્ટ તેની સાથે સહમત નથી. કારણ કે પ્રિસાઈડીંગ ઑફિસરને તે નક્કી કરવાનો કશો અધિકાર નથી. CrPC કે ઈવન BNNSમાં પણ આવી કશી જોગવાઈ નથી.
ગૃહ વિભાગ, DGPને ચુકાદાની નકલ મોકલવા હુકમ
જજમેન્ટના અંતે જજે નોંધ્યું કે હું રાજ્ય પોલીસ વડા અને ગૃહ વિભાગને વિનંતીસહ જણાવું છું કે તે ગુનાનો ભોગ બનનારને ન્યાય અપાવવા માટે કચ્છ જિલ્લાની કૉર્ટોમાં ચાલતી વર્તમાન વ્યવસ્થામાં યોગ્ય સુધારા કરે. જજમેન્ટની નકલ રાજ્ય પોલીસ વડા, પશ્ચિમ કચ્છ એસપી, ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન, ગૃહ વિભાગ વગેરેને મોકલી આપવા હુકમ કર્યો છે.
Share it on
|