કચ્છખબરડૉટકોમ, ભુજઃ પૂરતી સરકારી આરોગ્ય સેવાના અભાવે કચ્છમાં વર્ષોથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી જનઆરોગ્ય સાથે ચેડાં કરતાં નકલી તબીબોનું દૂષણ વ્યાપક હદે ફેલાયેલું છે. એ જ રીતે છેલ્લાં થોડાંક વર્ષોથી સ્પા કે મસાજ પાર્લરોની આડમાં ઠેર ઠેર ખુલ્લેઆમ દેહવ્યાપારના હાટડા ધમધમતાં થયાં છે. પૂર્વ કચ્છમાં આ દૂષણો સામે પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરાય છે પરંતુ પશ્ચિમ કચ્છમાં પોલીસની આંખે જાણે મોતિયો આવ્યો હોય તેમ આ દૂષણો સામે નહિવત્ પગલાં લેવાયાં છે.
પૂર્વ કચ્છમાં સમયાંતરે થાય છે કામગીરી
૦૧-૦૧-૨૦૨૩થી ૨૦-૧૦-૨૦૨૪ના છેલ્લાં પોણા બે વર્ષ દરમિયાન આ દૂષણો સામે પૂર્વ કચ્છ પોલીસે અવારનવાર વિશેષ ડ્રાઈવ યોજી છે. આ સમયગાળામાં પૂર્વ કચ્છ પોલીસે ૧૬ બોગસ ડૉક્ટરો ઝડપી તેમની સામે કાર્યવાહી કરી છે. એ જ રીતે ૧૫ સ્પામાં દરોડા પાડી કુટણખાનાનો પર્દાફાશ કરેલો છે. પૂર્વ કચ્છમાં સ્થાનિક પોલીસ ઊપરાંત સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા અવારનવાર આ બદી સામે પગલાં લેવાઈ રહ્યાં છે.
પશ્ચિમમાં કેવળ બે જ બોગસ ડૉક્ટર ઝડપાયાં
પૂર્વ કચ્છની તુલનાએ પશ્ચિમ કચ્છમાં આ દૂષણો સામે નહિવત્ કામગીરી થઈ છે. કચ્છખબરે રીડર બ્રાન્ચમાંથી પોલીસ કામગીરીના આંકડા મેળવવા પ્રયાસ કર્યો પરંતુ રીડર બ્રાન્ચના સ્ટાફ અને પીઆઈએ આંકડા આપવામાં અનેક દિવસો સુધી ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. કદાચ નહિવત્ કેસ નોંધાયા હોઈ આંકડા આપવામાં અખાડા કરાયાં હશે. પશ્ચિમ કચ્છમાં પબ્લિક ડોમેઈનમાં હોય તેવા માત્ર બે કેસની વિગતો ઉપલબ્ધ છે. ગઢશીશા પોલીસે માર્ચ ૨૦૨૩માં ડોણ ગામે એક નકલી ડૉક્ટર ઝડપેલો તો ઑગસ્ટ ૨૦૨૪માં ભુજના ઝુરા ગામેથી એક નકલી ડૉક્ટર પકડાયેલો.
છેલ્લાં પોણા બે વર્ષમાં બોગસ તબીબો સામેના આ બે કેસને બાદ કરતાં કોઈ કેસ નથી. સ્પા અને કુટણખાના સામે તો કોઈ કેસ નોંધાયેલાં જ નથી!
એસી ચેમ્બરમાં બેસીને કાયદો અને વ્યવસ્થા, ફિલ્ડનું મોનીટરીંગ કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ શું આવી બધી બાબતોથી અજાણ હશે? દરીયાકાંઠાના એક મલાઈદાર ગણાતાં પોલીસ સ્ટેશનના વહીવટદારની એકઝાટકે બદલી કરી નાખનાર નવોદિત એસપી આ મુદ્દે પણ ઊંડા ઉતરી તપાસ કરે તો અંદર રહેલો ઘણો કાદવ બહાર આવે તેમ છે.
Share it on
|