કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છની રણસીમાએ વિઘાકોટ નજીક આજે હનુમાન દાદાનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. ભેડીયાબેટ ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિરે અઢી કરોડના ખર્ચે નવનિર્માણ કરેલાં હનુમાન દાદાનું મંદિર રાષ્ટ્રને અર્પણ કરાયું છે. આજરોજ આચાર્યશ્રી કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ, તેજેન્દ્રપ્રસાદ મહારાજ, ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગતની ઉપસ્થિતિમાં નવનિર્મિત હનુમાન મંદિર ભક્તજનોને અર્પણ કરવામાં આવ્યું હતું. ભુજ મંદિરના વડિલ સંતો, હરિભક્તો અને સરહદના રખોપા કરતાં બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ-જવાનો કાર્યક્રમમાં જોડાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ વિનોદ ચાવડાએ મંદિર નિર્માણના કાર્યને પત્ર પાઠવી શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને મંદિરના નવનિર્માણ અને આજના અવસર અંગે માહિતગાર કરાઈ સમગ્ર કાર્યક્રમનો ચિતાર અપાયો હતો.
6 માસમાં જ મંદિરનું કરાયું નવનિર્માણ, જાણો શું શું છે સુવિધા
છએક માસ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મંદિર નવનિર્માણની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. સૂની સરહદના રખોપા કરતાં જવાનો માટે આ મંદિર વર્ષોથી આસ્થાનું કેન્દ્રસ્થાન છે. ખાસ રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી પથ્થરોથી મંદિરનું નવનિર્માણ કરાયું છે. જેમાં 2600 ઘનફૂટ પથ્થર વપરાયો છે. મંદિરમાં સત્સંગ હૉલ, વિઝિટર રૂમ, આરઓ પ્લાન્ટ સાથે પરબ, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, ગાયો માટે અવાડો અને પારેવાં માટે ચબુતરો, બાથરૂમ, જવાનો માટે બેરેક અને ઊંચા વૉચટાવર જેવી વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાયેલી છે.
મંદિરના સંતો-દાતાઓની મહેનતથી સાકાર થયું મંદિર
આ મહોત્સવની સફળતામાં કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી ધર્મચરણદાસજી, સ્વામી પરમેશ્વરસ્વરૂપદાસજી, સ્વામી પુરુષોત્તમસ્વરૂપદાસજી, દિવ્યસ્વરૂપદાસજી, ધર્મસ્વરૂપદાસજી, સ્વામી નરનારાયણસ્વરૂપદાસજી, અક્ષરસ્વરૂપદાસજી આદિ સંતો અને ભુજ યુવક મંડળના યુવક-યુવતીઓએ પૂર્ણ સહકાર આપી સહયોગી બન્યાં હતા. મંદિર નિર્માણમાં દાતા પરિવારો જાદવજીભાઈ વિશ્રામ ગોરસીયા પરિવાર, રામજીભાઈ દેવજી વેકરીયા પરિવાર, ગોપાલભાઈ લાલજી વેકરીયા પરિવાર, વાલજીભાઈ કરસન હિરાણી પરિવાર આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
Share it on
|