કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર શહેરમાં રહેતી ૨૫ વર્ષિય પરિણીતા પર કૌટુંબિક કાકાએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે દર્જ થયો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે ગત સપ્ટેમ્બર માસમાં સંતાન માંદુ પડ્યું હોઈ સારવાર કરાવવા તેના પતિએ નજીકમાં રહેતા કૌટુંબિક કાકા પાસેથી ઉછીના ૩૦ હજાર રુપિયા લીધા હતાં. રૂપિયા આપ્યા બાદ કૌટુંબિક અવારનવાર ઘરે આવવા માંડ્યો હતો. ખાસ કરીને, તેની મેલી નજર પરિણીતા પર હોઈ પરિણીતા ઘરે એકલી હોય ત્યારે ખાસ આવતો. પરિણીતાને પોતાની સાથે શારીરિક સંબંધો રાખવા જણાવીને તેના ફોટોગ્રાફ વાયરલ કરી બ્લેકમેઈલ કરવાની ધમકી આપતો. ૧૨ માર્ચની પરોઢે ૪ વાગ્યે પતિ મજૂરીકામે ઘરેથી નીકળી ગયેલો ત્યારે બે કલાક બાદ આરોપી અચાનક પરિણીતાના ઘરમાં આવી ચઢ્યો હતો.
પરિણીતાને નીચે પાડી દઈને બળજબરીથી કપડાં કાઢી દઈને દુષ્કર્મ આચરેલું અને કોઈને આ અંગે વાત કરે તો તેના પતિ સંતાનોને મારી નાખવાની ધમકી આપેલી.
દુષ્કર્મ અંગે પરિણીતાએ પતિને વાત કરતાં સામાજિક સ્તરે સમાધાન માટે વાટાઘાટો શરૂ થયેલી. અંતે ૧૮મા દિવસે પરિણીતાએ આજે પતિ અને અન્ય સગાં વહાલાં સાથે પોલીસ મથકે આવી આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. રાપર પોલીસે બીએનએસ કલમ ૬૪ (૨) અને ૩૫૧ (૩) તળે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
Share it on
|