કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં અસામાજિક તત્વો પર હવે પોલીસે ડંડો નહીં પણ હથોડો ઉગામ્યો છે. ગુરુવારે નગાસર તળાવ સામે એક જ પરિવારના ચાર રીઢાં શખ્સોએ ચણેલી પાંચ દુકાનોનું બાંધકામ તોડી પાડ્યાં બાદ આજે વધુ બે સ્થળે ડિમોલીશનની કામગીરી કરાઈ છે. નીલપરના કુખ્યાત શખ્સ રમેશ કુંભા રાકાણીએ રાપર ચિત્રોડ રોડ પર નીલપર પાટિયા પાસે સરકારી ખરાબાની જમીનમાં વીસ બાય દસ મીટર જમીનમાં બનાવેલી પતરાંવાળી દુકાનો અને હોટેલ જમીનદોસ્ત કરી દેવાઈ છે. રમેશે આસપાસની બે એકર પડતર જમીન પર ગેરકાયદે કબજો કરેલો તે જમીન પણ ખૂલ્લી કરાઈ છે. રમેશ એક રીઢો આરોપી છે. ૨૦૧૬થી ૨૦૨૩ના સમયગાળા દરમિયાન તેના પર ખનિજ ચોરી, વાહન ચોરી, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, દારૂબંધી, હુમલા, હત્યાના પ્રયાસ, હત્યા, ગેરકાયદે મંડળી બનાવી હુમલા કરવા સહિતના ૨૨ ગુના રાપર, બાલાસર અને સામખિયાળી પોલીસ મથકે દર્જ થયેલાં છે.
પાબુધારમાં ગેરકાયદે ચણાયેલી ઑફિસ પર બુલડોઝર ફર્યું
રાપરના પ્રાગપર રોડ પર પાબુધાર વિસ્તારમાં સરકારી પડતર જમીનમાં ૨૫ બાય ૨૦ મીટરમાં ઑફિસ ચણી વરંડો વાળી લેનારા મહેશ ઊર્ફે મેસુ કરસન ભૂત (રહે. ગેલીવાડી, રાપર), અશ્વિન કરસન ભૂત, કિશોર ઊર્ફે કિશુ કરસન ભૂત અને કરસન જગા ભૂતના દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. મહેશ સામે ૨૦૧૪થી ૨૦૨૫ દરમિયાન આર્મ્સ એક્ટ, એટ્રોસીટી, હત્યા, હુમલા સહિત ૧૬ ગુના નોંધાયેલાં છે. અન્ય લોકો સામે પણ હુમલા, એટ્રોસીટી સહિતના ગંભીર ગુના નોંધાયેલાં છે.
રાપરના પીઆઈ જે.બી. બુબડીયા, પો.સ.ઈ. આર. આર. અમલીયાર, વી.એસ.સોલંકી, પી.એલ. ફણેજા, એસ.વી. કાતરીયા સહિતનો સ્ટાફ ડીમોલીશન કાર્યવાહીમાં જોડાયો હતો.
Share it on
|