કચ્છખબરડૉટકોમ, રાપરઃ ઉનાળાના આરંભ સાથે જ વાગડ સહિત કચ્છના વિવિધ તાલુકા શહેરોમાં પાણીની તંગીની સમસ્યાનો પ્રારંભ થયો છે. બીજી તરફ, આજે વાગડમાં પાણીની ચોરી કરવા બદલ બે હાઈવે હોટેલ માલિકો અને એક ખેડૂત સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. પાઈપ લાઈનના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતી પેઢીના સુપરવાઈઝરે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર મેવાસા પાટિયાથી ધાણીથર પાટિયા વચ્ચે આવેલી ક્રિષ્ના હોટેલના સંચાલક શફીક રહિમ માકુણીજીયાએ ગેરકાયદે રીતે રાપર જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદા પાઈપ લાઈનમાં ૧૫ MMનું ગેરકાયદે જોડાણ મેળવીને ૨.૪૭ લાખના મૂલ્યનું પાણી ચોર્યું હોવાનું લખાવાયું છે. એ જ રીતે, હનુમાન હોટેલના સંચાલક રમેશ બીજલ કોલીએ ૧૫ MMનું ગેરકાયદે જોડાણ મેળવીને ૧.૮૬ લાખના મૂલ્યનું પાણી ચોર્યું હોવાનું જણાવાયું છે. જ્યારે, ધાણીથરના ખેડૂત નીરુભા ગોડજી જાડેજાએ એર વાલ્વને નુકસાન કરી, ખાડામાં તેનું પાણી ભરીને ખેતી કામમાં વાપરીને ૨.૨૩ લાખનું પાણી ચોર્યું હોવાનું લખાવાયું છે.
૧-૧૧-૨૦૨૪થી ૧૮-૧૨-૨૦૨૪ સુધીના ૪૫ દિવસ દરમિયાન અલગ અલગ પ્રમાણમાં પાણીનો વપરાશ કર્યો હોવાની ગણતરી માંડીને ત્રણે જણે અંગત ધંધાર્થે કુલ ૬.૫૬ લાખની કિંમતની પાણી ચોરી કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.
ત્રણે સામે ૩૦૩ (૨), ૩૨૬, સાર્વજનિક મિલકતોને નુકસાન તથા ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અધિનિયમની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.
Share it on
|