કચ્છખબરડૉટકોમ, રાપરઃ થોડાંક દિવસો અગાઉ રાપર તાલુકાના ચિત્રોડ પંથકમાં એકસાથે નવ મંદિરોને નિશાન બનાવી ચોરી કરનાર તસ્કર ટોળકીએ હવે કાનમેરમાં આઠ મંદિરોમાંથી ૧૨ હજાર રોકડાં મળીને કુલ ૧.૬૧ લાખના મૂલ્યની ચીજવસ્તુની ચોરી અને લૂંટ કરી છે. ત્રિપુટીએ એક મંદિરના પૂજારીને મુઢ મારીને લૂંટ ચલાવી હતી. ગામના લોદરીયા પરિવારના મંદિરની સેવા પૂજા કરતા સુનિલ કનૈયાલાલ સાધુએ બનાવ અંગે ગાગોદરમાં ફરિયાદ નોંધાવી છે. તસ્કર ત્રિપુટી રવિ-સોમની મધરાત્રે ૧૧થી ૨.૩૦ના અરસામાં ત્રાટકી હતી.
ત્રિપુટીએ વિવિધ સાત મંદિરના દરવાજા તથા દાન પેટીના તાળાં તોડીને સોના ચાંદીના ચાંદલા, છત્તર, મુગટ, પાદુકા વગેરે મળી ૧ લાખ ૪૩ હજાર ૫૦૦ રૂપિયાની મૂલ્યવાન ચીજવસ્તુ તથા દાન પેટીઓમાંથી રોકડાં ૬૭૦૦ રૂપિયા મળીને ૧ લાખ ૫૦ હજાર ૨૦૦ રૂપિયાની ચોરી કરી હતી.
ફરિયાદી સુનીલ સાધુ જાગી જતાં તસ્કર ત્રિપુટીએ તેને મુઢ મારીને મંદિરમાંથી ૬ હજારના ઘરેણાં અને દાન પેટીમાંથી ૫૪૦૦ રોકડાં રૂપિયા લૂંટી ગઈ હતી. બનાવ અંગે ગાગોદર પોલીસ ઈન્સપેક્ટર વિજય સેંગોલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સૂત્રોના દાવા મુજબ પોલીસે તસ્કર ત્રિપુટીને દબોચી લીધી છે. આ ત્રિપુટીએ ચિત્રોડ સહિત અન્ય ઘણાં મંદિરોમાં ચોરી કરી હોવાની શક્યતા છે. આગામી સમયમાં ગુનાશોધન અંગે પોલીસ વિધિવત્ જાહેરાત કરે તેવી શક્યતા છે.
Share it on
|