કચ્છખબરડૉટકોમ, રાપરઃ પત્નીના પરિણીત પ્રેમી અને તેના મિત્રને જમીનના સોદાની લાલચે ભાભર બોલાવીને યુક્તિપૂર્વક ઘેનયુક્ત ભોજન ખવડાવી બેઉને બેહોશીની હાલતમાં નર્મદા કેનાલમાં નાખી હત્યા કરી કચ્છ ભાગી આવેલા ત્રણ યુવકો રાપરથી ઝડપાયાં છે. પોલીસે મુખ્ય આરોપીએ મૃતકના મેળવેલાં ૫ લાખ ૯૩,૬૦૦ રૂપિયા રીકવર કર્યાં છે. ગાંધીનગર, બનાસકાંઠા અને કચ્છ એમ ત્રણ ત્રણ જિલ્લાની પોલીસને દોડધામ કરાવનાર આરોપીઓએ ગુના અંગે કરેલી કબૂલાત બાદ સમગ્ર કેસની તમામ કડીઓ જોડાઈ ગઈ છે. દશરથને ભાભરની પૂનમ સાથે હતો આડો સંબંધ
ગાંધીનગર જિલ્લાના કલોલ પાસે આવેલા બોરીસણા ગામે રહેતો ૪૫ વર્ષિય દશરથજી ઊર્ફે ટીનાજી સોમાજી ઠાકોર પરિણીત હતો અને સંતાનમાં ત્રણ પુત્રો છે. ખેતી અને જમીન દલાલીનું કામ કરતા દશરથને બનાસકાંઠાના ભાભર તાલુકાના ખડોસણ ગામે પરણેલી પૂનમ સાથે સંબંધો હતા. તે અવારનવાર પૂનમ જોડે ફોન પર વાતચીત કરતો રહેતો.
પૂનમનો પતિ દશરથને બ્લેકમેઈલ કરી પૈસા મેળવતો
પૂનમ અને દશરથના આડા સંબંધોથી વાકેફ પૂનમનો પતિ ભરત જેમતુજી ઠાકોર (૨૮) આ સંબંધનો ગેરલાભ મેળવીને અવારનવાર દશરથ પાસેથી રૂપિયા મેળવતો રહેતો હતો. ભરતે દશરથના પુત્ર રમેશના નામે વર્ના કાર ખરીદાવેલી અને પોતે ઉપયોગ કરતો હતો. દશરથ પાસેથી એક લાખ રૂપિયા મેળવીને ભાભરની બજારમાં પૂનમ સાડી શૉ રૂમ શરૂ કરેલો. ૧૦ માર્ચની સાંજે ‘સાહેબને પૈસા આપવા મહેસાણા જઉં છું અને પાછાં આવતાં રાત્રિના ત્રણ વાગશે’ તેમ કહીને દશરથ પોતાની સ્વિફ્ટ કારમાં ગામમાં રહેતા મિત્ર ગિરીશ ઊર્ફે ગીલો કાન્તિજી ઠાકોરને સાથે લઈ ઘરેથી નીકળેલો.
દશરથ પરત ના ફર્યો પણ કેનાલ પાસેથી કાર મળી
દશરથની પત્ની ચંદાએ પરોઢે છ વાગ્યે પતિને ફોન કરતાં રીંગ વાગતી રહી હતી. ગિરીશના ફોન પર પણ રીંગ વાગતી રહેલી. એક બે કલાક બાદ બંનેના મોબાઈલ બંધ થઈ ગયાં હતાં. ચિંતામાં મૂકાયેલાં પરિવારે શોધખોળ શરૂ કરેલી દરમિયાન દશરથની કાર લૉક કરેલી બિનવારસી હાલતમાં શેરીસા બહુચરપુરા કેનાલ પાસે પડી હોવાની પરિવારજનોને ખબર પડતાં તેઓ ત્યાં દોડી ગયેલાં. પરિવારે બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ મથકે દશરથની ગૂમનોંધ લખાવી હતી.
ત્રીજા દિવસે નર્મદા કેનાલમાંથી મળી લાશ
દશરથના ૨૧ વર્ષના સૌથી મોટા પુત્ર માહિલને ભરત ઠાકોર પિતા પાસેથી અવારનવાર પૈસા પડાવતો હોવાની ખબર હતી અને પિતા લાપત્તા થવા પાછળ ભરતનો હાથ હોવાની આશંકા હતી. ભરતના ગામ ખડોસણ જઈ તપાસ કરતાં ભરત પણ ગાયબ હોવાની ખબર પડેલી. જેથી તેમણે આ અંગે પોલીસને વિગતે વાત કરેલી. પોલીસ ભરત અને રમેશને શોધતી હતી તે દરમિયાન ૧૩ માર્ચના રોજ કડીના આદુન્દ્રા નજીક નર્મદાની મેઈન કેનાલમાંથી દશરથની લાશ મળી આવી હતી. બનાવ અંગે સાંતેજ પોલીસે ગહન તપાસ શરૂ કરેલી.
ત્રણે હત્યારા રાપરથી ઝડપાયાં
મુખ્ય શકમંદ ભરત ઠાકોર કચ્છના રાપરમાં હોવાની માહિતી મળતાં સાંતેજ પોલીસે પૂર્વ કચ્છ પોલીસને જાણ કરેલી. રાપર પોલીસે એક્શનમાં આવીને ભરત અને તેની સાથે રહેલાં તેના બે મિત્રો મેઘરાજ રુગનાથ ઠાકોર (૨૩) અને પ્રકાશ વશરામભાઈ ઠાકોર (૧૯)ને રાપર બસ સ્ટેન્ડથી ઝડપી પાડ્યાં હતાં. ભરતના કબજામાં રહેલો થેલો ચેક કરતાં તેમાંથી પોલીસને ૫.૯૩ લાખ રોકડાં રૂપિયા મળી આવ્યાં હતાં. ત્રણે જણની અટક કરીને રાપર પોલીસે ગહન પૂછપરછ કરતાં સનસનીખેજ ડબલ મર્ડરનો ગુનો બહાર આવ્યો છે.
ઠંડા કલેજે ભરતે ઘડ્યું હતું હત્યાનું કાવતરું
ભરતે ખૂબ ઠંડા કલેજે દશરથની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. જમીન લે વેચ કરતાં દશરથને તેના મિત્ર ગિરીશ મારફત જમીનનો સોદાની જાળમાં ફસાવ્યો હતો. જમીન વેચાણ માટે બાનાખત કરવા માટેના છ લાખ રૂપિયા લઈને ભરતે બેઉને ભાભર બોલાવેલાં. બેઉ જણ ભાભર આવ્યાં કે ભરત મારૂતિનંદન હોટેલમાંથી લઈ આવેલું ભોજનનું પાર્સલ લઈને તેમની સ્વિફ્ટ કારમાં બેસી ગયો હતો. ભોજનમાં ઘેનવાળી દવાનો ભૂકો ભેળવેલો હતો. ભોજન આરોગ્યા બાદ દશરથ અને ગિરીશ બેઉ બેહોશ થઈ ગયાં હતાં.
બંને જણને બેહોશીની હાલતમાં કેનાલમાં ફેંકી દીધેલાં
ગુનામાં ભરતે તેના બે મિત્રો મેઘરાજ અને પ્રકાશને પણ સામેલ કરેલાં. બેઉ જણ વર્ના કારથી સ્વિફ્ટ કારની પાછળ પાછળ આવતાં હતાં. ૧૧ માર્ચની પરોઢે ભરત અને તેના સાગરીતો શેરીસા પાસેથી પસાર થતી નર્મદા કેનાલના બ્રિજ પર આવ્યાં હતાં. ભરતે સાગરીતોની મદદથી સ્વિફ્ટ કારમાં બેહોશ પડેલાં દશરથ અને ગિરીશને ઊંચકીને બહાર કાઢી બ્રિજ પરથી કેનાલના પાણીમાં ફેંકી દીધાં હતાં. બાદમાં થોડેક દૂર સ્વિફ્ટ કારમાં રહેલા રૂપિયા લઈ તેને લૉક મારેલી હાલતમાં પાર્ક કરી ત્રણે વર્ના કારમાં સ્થળ પરથી નાસી ગયેલાં.
ભરતે શા માટે હત્યા કરી તે સૌથી મોટો સવાલ
હત્યા બાદ બસ મારફતે ત્રણ જણ પહેલાં ગાંધીધામ અને બાદમાં રાપર આવ્યા હતાં. દશરથના મિત્ર ગિરીશની લાશ હજુ મળી નથી, શોધખોળ ચાલું છે. ત્રણે વિરુધ્ધ સાંતેજ પોલીસ મથકે હત્યા, અપહરણ સહિતની કલમો તળે ગુનો દાખલ થયો છે. રાપર પીઆઈ જે.બી. બુબડીયા, પીએસઆઈ એચ.વી. કાતરીયા સહિતના સ્ટાફ આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલવામાં જહેમત ઉઠાવી હતી. સૌથી મોટો સવાલ એ છે કે જો ભરત લાંબા સમયથી દશરથને બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવતો હતો તો એવું તો શું થયું કે કાયમ માટે તેનો કાંટો કાઢી નાખવા આ ગુનો આચર્યો? સાંતેજ પોલીસ કહે છે તપાસ હજુ ચાલું છે.
Share it on
|