કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના ગેડી ગામે પોસ ડોડાનો જથ્થો જપ્ત કરવા ગયેલી પોલીસે ગામના જ બે ખેતરમાં થતાં અફીણના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ ૫૫ કિલો પોસ ડોડા સાથે ખેતરમાં વાવેલાં ૫૮ કિલો અફીણના છોડના પાંદડા અને ડાળખાં મળી ૩ લાખ ૪૧ હજાર ૫૨૦ રૂપિયાના મૂલ્યનો જથ્થો જપ્ત કર્યો છે.
આ રીતે પોલીસને અફીણના વાવેતરની બાતમી મળી
ગેડી ગામે રહેતા પરબત પાંચાભાઈ સિંધવ (રાજપૂત)એ પોતાના ઘરમાં મોટા પ્રમાણમાં વેચાણ કરવાના હેતુથી પોસ ડોડાનો જથ્થો સંઘર્યો હોવાની બાતમી મળતાં ગત મધરાત્રે રાપર પીઆઈ જે.બી. બુબડીયા અને તેમની ટીમે દરોડો પાડીને તેના ઘરના એક રૂમમાં પ્લાસ્ટિકના મીણીયા પર સૂકવાતાં પોસ ડોડાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં તેણે ડેમ નજીક આવેલા ખેતરમાં એરંડા અને જીરૂની ઓથે અફીણના છોડ વાવ્યાં હોવાનું અને પોસ ડોડાનો કેટલોક જથ્થો ગામમાં રહેતા વિશા માદેવા રાઠોડને આપ્યો હોવાનું કબૂલ્યું હતું.
જેના પગલે પોલીસે ખેતરમાં તપાસ હાથ ધરીને વાવેતર કરાયેલાં અફીણના છોડને વાઢી લીધા હતાં. છોડના પાન અને ડાળખીઓનું વજન ૫૮ કિલો થયું છે.
કામગીરી સમયે પોલીસને વધુ એક બાતમી મળેલી કે ગામના પચાણ સુરા રાઠોડ (રાજપૂત)એ પણ વેચાણ કરવાના ઈરાદે ખેતરમાં અફીણના છોડ વાવેલાં અને તેના પોસ ડોડા ખેતરે પડ્યાં છે.
રાપર પોલીસે ગાગોદર પોલીસને રવાના કરીને પચાણના ખેતરમાંથી ૫૪ હજારની કિંમતના ૧૮ કિલો ડોડા જપ્ત કર્યાં હતાં. દરોડા સમયે પરબત ઝડપાઈ ગયો હતો પરંતુ વિશા રાઠોડ અને પચાણ રાઠોડ છૂમંતર થઈ જતાં પોલીસના હાથ લાગ્યાં નહોતાં. પોલીસે NDPSની વિવિધ કલમો તળે ત્રણે સામે બે જુદી જુદી ફરિયાદો દાખલ કરી છે.
ચોંકી ઉઠેલી પોલીસે ગેડીના ખેતરો ખૂંદી નાખ્યાં
ખેતરોમાં અફીણના છોડના વાવેતરના પગલે પૂર્વ કચ્છ પોલીસ ચોંકી ઉઠી હતી. ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડાના માર્ગદર્શનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો ગામના મોટાભાગના ખેતરો ખૂંદી વળી હતી.
નાનકડાં ગેડીમાં રાત્રિથી જ પોલીસના ધાડેધાડાં જોઈને ભારે સનસનાટી મચી ગઈ હતી.
સમગ્ર કાર્યવાહીમાં પીઆઈ બુબડીયા ઉપરાંત ગાગોદરના પીઆઈ વી.એ. સેંગલ, પીએસઆઈ એસ.વી. કાતરીયા, પી.એલ. ફણેજા અને વી.એસ. સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
શું છે અફીણ, પોસ ડોડા, હેરોઈન અને ખસ ખસ? જાણો
અફીણ (Opium)ના છોડ પર ઊગતાં ઝીંડવાને પોસ ડોડા (Opium Poppy) કહે છે. ભારતમાં પૌરોણિક યુગથી ગાંજા અને અફીણનું વાવેતર થતું આવ્યું છે. બંધાણીઓ તેનો નશા માટે ઉપયોગ કરતાં આવ્યાં છે. દર્દશમનના ઔષધીય ગુણના લીધે ઓસડ તરીકે પણ વપરાતું આવ્યું છે.
છોડને કાપો મારો અને તેમાંથી ઝરતો ચીકણો ઘટ્ટ રસ એકઠો કરો તે અફીણ. ગુજરાતમાં વર્ષો અગાઉ કસુંબો પીવાની જે પ્રથા હતી તે કસુંબો એટલે અફીણને ઘૂંટીને તૈયાર કરેલો રસ. ઘણીવાર તેના લાલ ફૂલમાંથી કસુંબો તૈયાર કરાતો.
અફીણ પર ચોક્કસ પ્રોસેસ કરવાથી તેમાંથી હેરોઈન તરીકે ઓળખાતો માદક પદાર્થ તૈયાર થાય છે. અફીણનો ‘અમલ’ થઈ ના શકે તેમ હોય ત્યારે બંધાણીઓ પોસ ડોડાનું સેવન કરે છે. અફીણના ડોડા સૂકાયા બાદ તેમાંથી ખસ ખસ (Opium Seeds) નીકળે છે જે આપણે ત્યાં મોટાભાગે ચોખ્ખાં ઘીના લાડું પર લગાડવામાં આવે છે. ખસ ખસ પર કોઈ પ્રતિબંધ નથી. કહેવાય છે કે ખસ ખસવાળા લાડું આરોગ્યા બાદ માણસને સારું એવું ઘેન ચઢે છે.
અફીણ અને પોસ ડોડા પર મૂકાયેલો છે કડક પ્રતિબંધ
અફીણની માનવ શરીર પર ઘાતક અસરો અને વૈશ્વિક પરિસ્થિતિને અનુલક્ષીને ભારત સરકારે ૧૯૮૫માં ઘડેલાં નાર્કોટીક્સ ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સીઝ (NDPS) એક્ટની કલમ ૮ હેઠળ અફીણના વાવેતર પર કડક પ્રતિબંધ મૂકી દીધો હતો. ઔષધીય હેતુથી વાવેતર કરવું હોય તો આ કાયદા તળે સંબંધિત તંત્રની મંજૂરી કે લાયસન્સ મેળવવું પડે છે અને કડક નિગરાની નિયંત્રણ તળે તેનું વાવેતર થાય છે.
હાલ અફઘાનિસ્તાનમાં મોટાપાયે અફીણની ખેતી થઈ રહી છે. ગુજરાતના પડોશી રાજસ્થાનમાં અફીણ અને પોસ ડોડાનું દૂષણ વ્યાપક હદે છે. કચ્છમાં અગાઉ રાજસ્થાનથી લવાયેલો પોસ ડોડાનો જથ્થો ઝડપાયેલો છે.
દારૂના વ્યસનીઓને જેમ ડૉક્ટરની તપાસ અને પ્રમાણપત્ર બાદ સ્વાસ્થ્યના આધાર પર દારૂ પીવા માટેની પરમિટ ઈસ્યૂ થાય છે તેમ હજુ દસેક વર્ષ અગાઉ ગુજરાતમાં નશાબંધી વિભાગ દ્વારા પોસ ડોડાના બંધાણીઓ અને વેપારીને પરમિટ ઈસ્યૂ થતી હતી. જો કે, એપ્રિલ ૨૦૧૫ બાદ પોસ ડોડાના બંધાણીઓ અને વેપારીઓને ઈસ્યૂ થતી પરમિટની વ્યવસ્થા નાબૂદ કરી દેવાઈ છે.
Share it on
|