કચ્છખબરડૉટકોમ, રાપરઃ કચ્છના અફાટ રણમાં કાળઝાળ ગરમીમાં ગાયબ થઈ ગયેલાં પશ્ચિમ બંગાળના પંચાવન વર્ષિય ઇજનેર અર્નબ પાલ માટે સતત ચાલી રહેલાં શોધખોળ અભિયાનનો આજે પાંચમા દિવસે કરુણ અંત આવ્યો છે. બેલા નજીક સુકનાવાંઢ રણ વિસ્તારમાંથી આજે સાંજે સાત વાગ્યે અર્નબ પાલનો મૃતદેહ મળી આવ્યો છે. મરણ જનાર અર્નબ પાલ (રહે. બર્ધમાન, પશ્ચિમ બંગાળ) ગત રવિવારથી રણમાં ગાયબ થઈ ગયાં હતાં.
અર્નબ પાલ રવિવારે રણમાં ગાયબ થઈ ગયેલાં
અદાણી કંપનીને આ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ માટે પચાસ હજાર હેક્ટર જમીન ફાળવાઈ છે. આ પ્રોજેક્ટ સાઈટ માટે રસ્તાનો સર્વે કરવા રવિવારે પંદરેક ગાડીઓમાં ઇજનેરો, ટેકનિશિયનો, મજૂરોનો કાફલો રણમાં ગયો હતો. એક ગાડી રસ્તાનો સર્વે કરવા રણમાં અંદર સુધી ગયેલી. રણમાં આગળ ગાડી જઈ શકે તેમ ના હોઈ બે જણ પગપાળા આગળ વધ્યાં હતાં.
ગાડી સમેત ત્રણ જણ મારગ ભૂલ્યાં હોવાનો સંદેશ મળતાં અન્ય ટીમો તેમને લેવા રવાના થઈ હતી. એન્જિનિયર અર્નબ પાલ ગાડીની શોધમાં આગળ નીકળ્યાં હતા અને પછી ગાયબ થઈ ગયાં હતાં.
મારગ ભૂલેલાં લોકો મળી ગયાં પરંતુ પાલનો કોઈ પત્તો ના મળતાં બીએસએફ, પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસ, બીએસએફ સહિત સવાસોનો કાફલો જોડાયેલો
રવિવાર સાંજથી અર્નબ પાલનો પત્તો મેળવવા બીએસએફ સાથે ભચાઉ DySP સાગર સાંબડાના નેતૃત્વમાં ખડીર પીઆઈ એ.એન. દવે સાથે બાલાસર અને રાપર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. બીજા દિવસે સર્ચ એન્ડ રેસ્ક્યુ અભિયાનમાં આસપાસના ગામના લોકો, વન વિભાગ પણ જોડાયાં હતાં. અંદાજે સોથી સવાસો લોકોનો કાફલો સર્ચમાં જોડાયો હતો પરંતુ છેલ્લાં ચાર દિવસથી પાલનો કોઈ પત્તો મળતો નહોતો.
બીએસએફએ અભિયાનમાં ડ્રોનનો પણ સહારો લીધો હતો.
દરમિયાન, આજે સાંજે સાતેક વાગ્યાના અરસામાં રણમાં પડેલો પાલનો મૃતદેહ મળી આવ્યો હતો. અતિશય ગરમી અને ડિહાઈડ્રેશનના લીધે પાલનું મૃત્યુ થયું હોવાનું પોલીસે અનુમાન વ્યક્ત કર્યું છે. ફોરેન્સિક ઑટોપ્સી માટે ડૅડબૉડીને જામનગર મોકલી અપાશે તેમ રાપર પીઆઈ જે.બી. બુબડીયાએ જણાવ્યું છે.
Share it on
|