કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના ગેડી ગામ નજીક ગત સાંજે ૨૫ વર્ષિય અપરિણીત કોલી યુવકના ગળા પર ધારિયું ઝીંકીને ઘાતકી હત્યા કરવાના બનાવમાં રાપર પોલીસે ગુનો નોંધીને હત્યારા યુવકને દબોચી લીધો છે. પોતાની અપરિણીત બહેન જોડે મૃતક યુવકના મૈત્રી સંબંધથી નારાજ ભાઈએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. રાપરના આણંદપર ગામે રહેતો અરવિંદ રામજીભાઈ એવારીયા (કોલી) ગેડી ગામે સવાભાઈ રાઠોડના ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કરતો હતો. અરવિંદ બાઈક પર ગેડી આવ-જા કરતો હતો. ગઈકાલે અરવિંદ અને અન્ય છ જણાં સવાભાઈના કહેવા મુજબ આખો દિવસ લાકડા કાપીને સાંજે ગેડી ગ્રામ પંચાયત પાસે આવેલી દુકાને નાની મોટી ખરીદી કરવા પહોંચ્યાં હતાં. તે સમયે ગેડીથી સાત-આઠ કિલોમીટર દૂર આવેલી નાગલપર વાંઢમાં રહેતો રમેશ હરિભાઈ કોલી ત્યાં બાઈક લઈને આવ્યો હતો.
સૌની હાજરીમાં અરવિંદ અને રમેશ વચ્ચે બોલાચાલી થયેલી. ત્યારબાદ અરવિંદ બાઈક લઈને ત્યાંથી નીકળી ગયો હતો. દુકાને રાખેલા ધારિયામાંથી એક ધારિયું ઉપાડીને રમેશ પણ તેની બાઈક પર અરવિંદની પાછળ રવાના થયો હતો.
દોઢેક કલાક બાદ ગેડીથી બેલા જતા જૂના રસ્તે નદીની બાજુમાં અરવિંદની અડધું ગળું કપાયેલી લાશ મળી આવી હતી. બાજુમાં તેની બાઈક આડી પડેલી હતી. બનાવ અંગે જાણ થતાં મૃતકના પરિવારજનો સ્થળ પર દોડી ગયાં હતા અને પીક અપ ડાલામાં અરવિંદની લાશને સરકારી હોસ્પિટલે લઈ ગયાં હતાં. અરવિંદના મોટા ભાઈ પ્રભુ કોલીએ બનાવ અંગે રમેશ કોલી વિરુધ્ધ હત્યાની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
પ્રભુએ ફરિયાદમાં જણાવ્યું કે અગાઉ પણ રમેશે અરવિંદ જોડે ઝઘડો કરીને ધમકી આપેલી કે મારી બહેન સામું જોયું કે તેનું નામ લઈશ તો તને પતાવી દઈશ. રાપર પોલીસે રમેશ કોલીને દબોચી લીધો છે.
પીઆઈ જે.બી. બુબડિયાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|