કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના આડેસર નજીક મિત્રએ જ પથ્થર વડે મિત્રના કપાળ અને માથામાં પથ્થર ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને મિત્રને દબોચી લઈ પૂછપરછ શરૂ કરી છે. રાપરના ખાંડેક ગામે રહેતો પ્રવિણ નરસંગભાઈ જાદવ (ઉ.વ. અંદાજે ૩૫) કડિયાકામ કરતો હતો. શુક્રવારે સવારે સાડા સાત વાગ્યે મિત્ર રમણિક રામજી જાદવ (રહે. આડેસર મૂળ રહે. ધાણીથર) જોડે એક્ટિવા પર તે આડેસરમાં શામજીભાઈને ત્યાં કડિયાકામ કરવા નીકળેલો. આડેસર જતાં અગાઉ નાના ભાઈ જયસુખને રમણિક જોડે શામજીભાઈને ત્યાં કામે જતો હોવાનું કહીને નીકળેલો. સાંજે સાડા સાત સુધી પ્રવિણ ઘેર પરત ના ફરતાં પ્રવિણની પત્ની નવલબેન ઊર્ફે ગોમતીએ સસરાને ફોન કરી જાણ કરેલી. પ્રવિણનો મોબાઈલ ફોન બંધ હતો.
રમણિક ખોટું બોલ્યોઃ મેં તો તેને જોયો જ નથી
પ્રવિણ ઘરે પરત ના ફરતાં જયસુખ અન્ય પાંચ મિત્રો-પરિચિતો જોડે મોટર સાયકલો લઈને તેને શોધવા આડેસર આવ્યો હતો. રાત્રે સાડા આઠના અરસામાં ગામના આંબેડકર સર્કલ પર રમણિક નજરે પડતાં જયસુખે તેની પાસે જઈને ‘પ્રવિણ ક્યાં છે?’ તેમ પૂછતાં તેણે અજાણતા દર્શાવી કહ્યું હતું કે ‘હું તો ખાંડેકથી આડેસર આવ્યા બાદ તારા ભાઈ સાથે કામે ગયો જ નથી. મને ઉતારીને ગયાં બાદ તે ક્યાં ગયો છે તેની મને કશી ખબર નથી’
મૃતકના માસિયાઈ ભાઈએ ભાંડો ફોડ્યો
રમણિકનો જવાબ સાંભળ્યાં બાદ જયસુખે સણવા રહેતા માસીના દીકરા ભરત માદેવા મકવાણાને જાણ કરીને આડેસર બોલાવ્યો હતો. જો કે, ભરતે ભાંડો ફોડ્યો હતો કે ‘તેણે બપોરે અઢી વાગ્યે આડેસરથી ભીમાસર રોડ પર કેનાલ નજીક લીમડાના ઝાડ નીચે પ્રવિણ અને રમણિકને બેઉને જોયાં હતાં. બંનેની એક્ટિવા અને મોટર સાયકલ ત્યાં હતી અને બેઉ જણ એકમેક સાથે બોલાચાલી કરતાં હતાં’
શામજીભાઈએ પણ કહ્યું કામે તો બેઉ જણ આવેલાં
જયસુખે શામજીભાઈને ફોન કરી પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મારે ત્યાં પ્રવિણ અને રમણિક બેઉ જણ કામે આવેલાં પરંતુ થોડીકવાર બાદ રમણિક જતો રહેલો. પછી સાડા દસના અરસામાં કોઈકનો ફોન આવેલો ત્યારે પ્રવિણ તેને ભૂંડી ગાળો ભાંડતો હતો’ આમ, રમણિક ખોટું બોલતું હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. જયસુખ અને પરિચિતોએ મધરાત્રે ૧૨ વાગ્યા સુધી પ્રવિણની શોધખોળ કરેલી પરંતુ કોઈ પત્તો ના મળતાં સૌ પાછાં ખાંડેક આવી ગયાં હતાં.
પ્રવિણને શોધવા બોલાવ્યો પણ રમણિક ના આવ્યો
આજે સવારે નવ વાગ્યે સૌએ રમણિક અને પ્રવિણ જ્યાં બપોરે ઝઘડતાં હતા તે આડેસર ભીમાસર રોડ પર કેનાલ નજીક પીરની ટેકરી પાસે સ્વજનોએ ફરી શોધખોળ શરૂ કરેલી. રમણિકને ફોન કરીને પ્રવિણને શોધવા માટે બોલાવ્યો હતો પરંતુ તે આવ્યો નહોતો. દરમિયાન, પ્રવિણની એક્ટિવા બિનવારસી હાલતમાં મળી આવી હતી. થોડીકવાર બાદ બાવળની ગીચ ઝાડીમાં લોહી નીંગળતી હાલતમાં પ્રવિણની લાશ જોવા મળી હતી. માથાં નીચે અને બાજુમાં લોહીથી લથબથ એક પથ્થર પણ પડ્યો હતો.
આડા સંબંધમાં હત્યા થયાનું સપાટી પર આવ્યું
મૃતકના ભાઈ જયસુખે રમણિક સામે કોઈ પણ કારણસર મોટા ભાઈ જોડે બોલાચાલી કરીને પથ્થર મારી તેની હત્યા કરી નાખી હોવાનો શક વહેમ દર્શાવી ફરિયાદ નોંધાવી છે. આડેસર પીઆઈ જે.એમ. વાળાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રમણિકને રાઉન્ડ અપ કરી લેવાયો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. મૃતકની પત્ની સાથે આરોપીના આડા સંબંધો મુદ્દે બબાલ થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. પ્રવિણ તેની પત્ની અને સંતાનો સાથે સ્વતંત્ર રહેતો હતો. રમણિક છેલ્લાં એકાદ વર્ષથી પ્રવિણને ઘેર અવારનવાર આવતો હતો. પોલીસ ગુનાની કડીઓ અને પૂરાવા એકત્ર કરી રહી છે.
Share it on
|