કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના આણંદપર અને ગેડી ગામના રોડ વચ્ચે ૨૫ વર્ષિય યુવકના ગળા પર છરી કે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નખાઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આડા સંબંધોમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું છે. ગત સાંજે સાતથી સાડા સાતના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો. મરણ જનાર અરવિંદ રામજી કોલી (રહે. આણંદપર)નો ગેડી જતાં રોડ પર મૃતદેહ પડેલો અને બાજુમાં મોટર સાયકલ પડેલી. જાણ થતાં રાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતક અરવિંદ અપરિણીત હતો અને વાડીમાં ખેતમજૂરી કરતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આડા સંબંધોમાં તેની ઘાતકી હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે ઈન્ચાર્જ પીઆઈ એમ.એન. દવે તપાસ કરી રહ્યાં છે.
Share it on
|