click here to go to advertiser's link
Visitors :  
02-Apr-2025, Wednesday
Home -> Rapar -> 22 booked under land grabbing act for encroachment in Gauchar land in Rapar
Tuesday, 10-Dec-2024 - Rapar 64926 views
ગૌચર દબાવવા બદલ એકસામટાં ૨૨ લોકો પર રાપરમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદથી ખળભળાટ
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના રામવાવ ગામની ગૌચર જમીન પર વાવેતર કરી, પાણીના ટાંકા બનાવી દબાણ કરનારાં એકસાથે ૨૨ લોકો પર લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી ફરિયાદ નોંધાતાં ભારે ચકચાર મચી ગઈ છે. ગૌચરમાં દબાણ કરવા બદલ એકસામટાં ૨૨ લોકો પર લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવાનો આ સંભવતઃ પ્રથમ કિસ્સો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ઈન્ચાર્જ તલાટીને આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ નોંધાવવા હુકમ આપ્યો હતો.

ઈન્ચાર્જ તલાટી હિતેન્દ્ર પ્રજાપતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ સર્વે નંબર ૯૬૬/૨, ૯૬૭ અને ૯૬૮ની ગૌચર માટે નીમ થયેલી જમીન પર દબાણ કર્યું છે. ૧૮-૦૯-૨૦૨૪ના રોજ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર મુલાકાત લીધેલી ત્યારે આરોપીઓએ ગૌચર જમીન પોત-પોતાની રીતે વાળી લઈને વાવેતર કરતાં અને પાણીના ટાંકા બનાવ્યા હોવાના ૩૦ દબાણ ધ્યાને આવ્યાં હતાં.

જાણો કોના કોના પર થઈ ફરિયાદ?

(૧) સામા લાલા મણવર (૨) કાના ભચુ વરચંદ (૩) વશરામ હિરા વરચંદ (૪) રેણા હિરા વરચંદ (૫) ગોવિંદ ભુરા વરચંદ (૬) ઈશા અભરામ માંજોઠી (૭) લખમણ વાલા ઢીલા (૮) સવા પેથા વરચંદ (૯) માદેવા પેથા વરચંદ (૧૦) માદેવા ધના મણવર (૧૧) સવિતાબેન ભચુ સથવારા (૧૨) સામા નારણ વરચંદ (૧૩) ધારા પાંચા વરચંદ (૧૪) પચાણ ભુરા સોનારા (૧૫) સામા હભુ સોનારા (૧૬) ડાયા બેચરા વરચંદ (૧૭) સાજણ ગોપારા વરચંદ (૧૮) રામા ધના સોનારા (૧૯) ધારા ધના સોનારા (૨૦) મોહન સામા રણમલ સોનારા (૨૧) પચાણ સાજણ વરચંદ અને (૨૨) પેથા હિરા વરચંદના નામ લખાવાયાં છે.

ગામના જાગૃત યુવકે છેડેલાં આંદોલનનો પડ્યો પડઘો

રામવાવના જાગૃત યુવક શિવુભા દેશળજી જાડેજાએ છેલ્લાં ઘણાં વર્ષોથી ગૌચરના આ દબાણો દૂર કરવા તંત્ર સામે આંદોલન છેડ્યું છે. અગાઉ આ મામલે ગુજરાત હાઈકૉર્ટે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને ગૌચરના દબાણો હટાવવા આદેશ આપેલો પરંતુ બેઉ પંચાયત તેને ઘોળીને પી ગઈ હતી.

અગાઉની પંચાયતના શાસકો અને સરપંચની મીઠી નજર તળે જ ગૌચર જમીન દબાવાઈ હોવાનો આરોપ થયેલો.

દબાણો ના હટાવાતાં શિવુભાએ ૧૫-૦૪-૨૦૨૨ના રોજ રાપર તાલુકા પંચાયતમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. તે સમયે ટીડીઓએ ૧૫ દિવસમાં તમામ દબાણો દૂર કરવા ખાતરી આપેલી પરંતુ તે પછી પણ કંઈ થયું નહોતું. ગૌચરમાં વગદારોએ કરેલા દબાણો હટાવવાનો મામલો આખરે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સુધી પહોંચ્યો હતો.

ફરિયાદ નોંધી પણ આરોપીઓ તુરંત પકડાશે?

વ્યક્તિગત અને સરકારી માલિકીની જમીનો દબાવી લેવાની પ્રવૃત્તિ સામે ગુજરાત સરકારે ઘડેલો વિશેષ લેન્ડગ્રેબિંગ એક્ટ ખૂબ અસરકારક સાબિત થઈ રહ્યો છે. કલેક્ટર તો સુનાવણી કરીને કાયદા મુજબ ફરિયાદ નોંધવા હુકમ કરી દે છે, ફોજદારી ફરિયાદ પણ નોંધાય છે પરંતુ કચ્છમાં અનેક કિસ્સામાં પોલીસ આરોપીની તુરંત ધરપકડ કરવાના બદલે પાછલાં બારણે આરોપીઓને આગોતરા જામીન મેળવવા માટેનો પૂરતો સમય આપતી હોવાના પણ અનેક કિસ્સા છે.

ખાખીના વહીવટનો આ રહ્યો સચોટ દાખલો

રાપર પોલીસ સ્ટેશનમાં ૦૧-૧૦-૨૦૨૧ના રોજ લેન્ડગ્રેબિંગ એક્ટ તળે નોંધાયેલી ફરિયાદ પોલીસના ‘વહીવટ’નું સચોટ ઉદાહરણ છે. રાપરની ક્રિષ્નાનગર સોસાયટીના કોમન પ્લોટ પર દુકાનો ચણી દઈને ભાડાં ખાતાં જગદીશ દેવજીભાઈ દેવડા નામના આરોપી સામે સોસાયટીના રહેવાસી શાંતિલાલ સુથારે ફરિયાદ નોંધાવેલી.

આપ જાણીને ચોંકી ઉઠશો કે ફરિયાદ દાખલ થયાને આજે ત્રણ વર્ષથી વધુનો સમય વીતી ગયો પોલીસે આરોપીની ધરપકડ જ કરી નથી!

ઉલટાનું ફરિયાદ નોંધાયાં બાદ આરોપીએ પ્લોટ પરની દુકાનો દૂર કરી દઈ ફરિયાદી જોડે સમાધાન કરી લીધું. બાદમાં આગોતરા જામીન મેળવવા માટે ગયા મહિને ભુજની વિશેષ લેન્ડગ્રેબિંગ કૉર્ટમાં અરજી કરેલી જેને ૨૬-૧૧-૨૦૨૪ના રોજ છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.વી. શાહે ફગાવી દીધી હતી. આરોપીએ આગોતરાની સમાંતર હાઈકૉર્ટમાં ફરિયાદ રદ્દ કરાવવા પણ અરજી કરેલી પરંતુ હાઈકૉર્ટે ફરિયાદી સંમતિ આપે તો પણ આવા કેસમાં એફઆઈઆર રદ્દ ના થઈ શકે તેવી મૌખિક ટીપ્પણી વ્યક્ત કરતાં જગદીશે હાઈકૉર્ટમાંથી અરજી પરત ખેંચી લીધી હતી.

ઑફિસમાં બેસીને લૉ એન્ડ ઓર્ડરનું મોનિટરીંગ કરતાં વડા અધિકારીઓને શું આવી ગંભીર બાબતો ધ્યાનમાં નહીં આવતી હોય? જો પોલીસનો આવો ‘વહીવટ’ હોય તો ગમે તેવા કડક કાયદા ઘડાય પણ સમાજમાં કોઈને તેનો ડર રહેશે ખરો?
Share it on
   

Recent News  
શેરમાર્કેટમાં સટ્ટાની છૂટ, ઓનલાઈન ક્રિકેટસટ્ટા પર મનાઈઃ વેબસાઈટ બ્લોક કરાતી નથી!
 
ભુજના ગોડપર દહિસરા રોડ પર બલેનો અને બાઈક સામસામા ટકરાતાં એકનું મોત, ૪ ઘાયલ
 
ભુજના યુવકને ફસાવી ૨૨ લાખ પડાવી ફરાર થયેલી મુસ્કાન અને પતિ મામદ વડોદરાથી ઝડપાયાં