કચ્છખબરડૉટકોમ, રાપરઃ ગુરુવારે રાત્રે એક ગુનાના નાસતાં ફરતાં આરોપીને પકડવા તેના ઘેર ગયેલી રાપર પોલીસ પાર્ટી જોડે પરિવારના અન્ય સભ્યોએ ઝપાઝપી કરતાં આરોપીને વંડી ઠેકીને નાસી ગયો હતો. બનાવ અંગે રાપર પોલીસે પીએસઆઈનો કોલર પકડીને માથાકૂટ કરવા સબબ ત્રણ મહિલા સહિત દસ જણ સામે ફરજમાં રૂકાવટ, મહિલા કોન્સ્ટેબલ સાથે છેડતી સહિતની કલમો તળે ફરિયાદ નોંધી છે. થાપ આપીને નાસી છૂટેલાં આરોપીને પોલીસે આજે ઝડપી પાડ્યો હતો. બનાવ અંગેના વાયરલ વીડિયો ચર્ચાસ્પદ બન્યાં છે. રાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે રહેતા હરેશ નામેરી રાઠોડ અને તેના પરિવારના અન્ય સભ્યો સામે ૧૧-૦૮-૨૦૨૩ના રોજ મારમારી અને લૂંટ સહિતની કલમો તળે ફરિયાદ દાખલ થયેલી. ઘર નજીક એક શખ્સ દ્વારા કથિતપણે તેની માલિકીની જમીનમાં ચણાઈ રહેલી દુકાનો મુદ્દે બબાલ થયેલી. જેમાં હરેશ રાઠોડના પરિવારે પણ વળતી મારામારી અને લૂંટની વળતી ફરિયાદ દાખલ કરાવી હતી.
સામસામા પક્ષે કુલ ૨૪ જણ સામે ફરિયાદો દાખલ થયેલી. આ ગુનામાં હરેશ રાઠોડ કદી પકડાયો નહોતો અને પોલીસ ચોપડે નાસતો ફરતો જાહેર થયો હતો.
ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં રાપરના પીઆઈ જે.બી. બુબડીયા, પીએસઆઈ પી.એલ. ફણેજા, એચ.વી. કાતરીયા, ચાર લેડી પોલીસ કોન્સ્ટેબલ સહિત ૧૪ પોલીસ કર્મચારીઓનો કાફલો હરેશ રાઠોડને પકડવા તેના ઘરે ગયો હતો.
હરેશના પરિવારના અન્ય સભ્યોએ પોલીસ જોડે માથાકૂટ કરી, ‘વૉરન્ટ લઈને આવ્યાં છો? નીકળો અમારા ઘરમાંથી’ કહીને બોલાચાલી ઝપાઝપી કરેલી. હરેશ રાઠોડ એક રૂમમાં છૂપાયો હતો પરંતુ આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલને પકડવા દેવામાં અવરોધ સર્જ્યો હતો અને હરેશ રાઠોડ કોન્સ્ટેબલો જોડે ઝપાઝપી કરી વંડી ઠેકી નાસી ગયો હતો.
ઉશ્કેરાયેલાં હરેશના પરિવારે પીએસઆઈ ફણેજાની વર્ધીનો કોલર પકડીને ઝપાઝપી કરેલી તો એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની છાતી પર હાથ રાખીને ધક્કો મારતાં તે નીચે પડી ગઈ હતી. પોલીસને ડરાવવા માટે ધોકો બતાડાયો હોવાનું ફરિયાદદમાં લખાવાયું છે. સમગ્ર ઘટના અંગે પોલીસ કર્મચારીઓ અને આરોપી પરિવારના સદસ્યોએ તેમના મોબાઈલમાં રેકોર્ડીંગ કર્યું હતું.
Share it on
|