કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત સમસ્ત જૈન સમાજના ઉપક્રમે માધાપરમાં સ્વસ્થ જીવનશૈલી અંગે આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશભાઈ જાની દ્વારા એક સેમિનાર યોજાયો હતો. જેમાં ભારતીય સંસ્કૃતિ અને ઋષિ-મુનિઓની પ્રાચીન પરંપરાઓ મુજબ કેવી રીતે તંદુરસ્ત જીવન જીવી શકાય તે અંગેના આહાર-વિહાર, આચાર-વિચાર પર ડૉ. જાનીએ જ્ઞાનસભર વક્તવ્ય અને માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડીમાં આયોજીત સેમિનાર બાદ માધાપર પીએચસી લોકલ બૉર્ડ ખાતે આયુર્વેદ અને પંચગવ્ય ચિકિત્સા પધ્ધતિ આધારીત નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જૈન સમાજ ઉપરાંત જામનગરની ગૌવિજ્ઞાન અધ્યયન એવમ્ શોધ સંસ્થાન અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા સહભાગી બન્યાં હતા. ડૉક્ટર હિતેશ જાની અને અન્ય જાણીતા આયુર્વેદ તબીબોએ સાંધાનો વા, એસીડીટી, દુઃખાવો, શ્વાસ, દમ-અસ્થમા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ચર્મરોગ, સ્ત્રીઓના માસિકની અનિયમિતતા, વંધ્યત્વ વગેરેના દર્દીઓને તપાસી ચિકિત્સા કરી હતી. ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનના પ્રણેતા હિતેશભાઈ ખંડોરે જણાવ્યું કે 435 દર્દીઓએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો અને તમામને વિનામૂલ્યે દવાઓ અપાઈ હતી.
Share it on
|