કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના આડેસરમાં પેવર બ્લોકના કારખાનામાં ૧૮ વર્ષની દલિત યુવતી પર દુષ્કર્મ આચરનારા આરોપીને પોલીસે ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કચ્છમાં ગૃહમંત્રીની મુલાકાત ટાણે જ બહાર આવેલા ગુનાને ગંભીર ગણીને રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારે આપેલી સૂચનાના પગલે ભચાઉ DySP સાગર સાંબડાના નેતૃત્વમાં જુદી જુદી ટીમો બનાવાઈ હતી. દુષ્કર્મનો બનાવ રવિ અને સોમવારની રાત્રે એક વાગ્યાના અરસામાં બન્યો હતો. ગુનાનો ભોગ બનનાર યુવતી તેની માતા સાથે આડેસરમાં પેટ્રોલ પંપ પાસે આયોજીત ગરબી જોવા ગયેલી. રાત્રે સાડા બાર વાગ્યે માતા ઘરે પરત ફરેલી જ્યારે યુવતી ગરબી જોવા રોકાયેલી. અડધો કલાક બાદ યુવતી ઘરે પરત જતી હતી ત્યારે ઘર નજીક પેવર બ્લોકના કારખાના પાસે એકાએક તેને ચક્કર આવતાં કારખાના બહાર પડેલાં કપચીના ઢગલાં પર બેસી ગઈ હતી.
યુવતીને કપચી પર બેસેલી જોઈને કારખાનામાં કામ કરતો સંજય નામનો યુવક કે જેને તે ઓળખે છે તે પાસે આવ્યો હતો. સંજય તેને કારખાનાના રૂમમાં પાણી પીવડાવવા લઈ ગયો હતો. અચાનક ત્યારે કારખાના માલિક પ્રવિણ ગોયલ ત્યાં ભરત નામના યુવક સાથે આવ્યો હતો.
પ્રવિણે સંજય અને ભરત બેઉને રૂમમાંથી બહાર કાઢી મૂકીને રૂમનો દરવાજો બંધ કરી દઈ યુવતીને ગાળો ભાંડીને તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીની બૂમો સાંભળીને બહાર રહેલા બંને યુવકોએ દરવાજો ખોલાવવા માટે જોરજોરથી ખખડાવતાં હતા પરંતુ પ્રવિણે દરવાજો ખોલ્યો નહોતો.
ઘટના બાદ ડરી ગયેલી યુવતી રાડારાડ કરતી ઘરે દોડી ગયેલી. રાત્રે જ માવતરને સમગ્ર ઘટના અંગે જાણ કરેલી અને બીજા દિવસે માવતર સાથે પોલીસ મથકે આવી પ્રવિણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીને પકડવામાં આડેસર પીઆઈ જે.એમ. વાળા તથા પોલીસ સ્ટેશનના સ્ટાફે ભારે દોડધામ કરી હતી.
Share it on
|