કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કુંવરજી બાવળીયા કચ્છની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ભુજમાં કોંગ્રસના આગેવાનો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં તેમણે કોંગ્રેસના આગેવાનોને વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી સંદર્ભે ઉપયોગી સૂચનો કરી જીતનો મંત્ર આપ્યો હતો. હાલ ભાજપના ભ્રષ્ટ શાસનથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. ગેરવહીવટ અને વિકાસના નામે ભાજપે જનતાને જે રીતે છેતરવાનું કામ કર્યું છે તે જનતા સમક્ષ ખુલ્લો પાડવા એકજૂથ થઈ આગામી વિધાનસભા માટે કામે લાગી જવા પોતાના સંબોધનમાં બાવળીયાએ હાકલ કરી હતી. ટૂંક સમયમાં જ વિધાનસભાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થશે ત્યારે અત્યારથી જ કામે લાગી જઈ કચ્છની તમામ બેઠકો અંકે કરવા બાવળીયાએ તમામ આગેવાનો-કાર્યકરોને આહવાન કર્યું હતું. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, જુમાભાઈ રાયમા, આદમભાઈ ચાકી, જયવીરસિંહ જાડેજા, કલ્પનાબેન જોશી, શામજી આહીર, ઘનશ્યામસિંહ ભાટી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા તેમ કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ઈલિયાસ ઘાંચીએ જણાવ્યું હતું.
Share it on
|