કચ્છખબરડૉટકોમ, ભુજઃ સરકાર દ્વારા પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજના અંતર્ગત કચ્છની ૧૧ ગ્રામ પંચાયતમાં નવા પંચાયત ઘર બનાવવા માટે ૧ કરોડ ૬૨ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નવા પંચાયત ઘર જ્યાં બનશે તે ગામોમાં ભુજ તાલુકાના સુખપર, દેશલપર, ભીરંડિયારા, માંડવી તાલુકાના ભાડા અને જનકપર, અંજાર તાલુકાના વીરા, સંઘડ, માથક અને મીંદીયાળા, મુંદરા તાલુકાના કુંદરોડી તેમજ અબડાસા તાલુકાની કેરવાંઢનો સમાવેશ થાય છે. પંચાયતઘરોનુ નિર્માણ થતાં પંચાયતોના રોજબરોજના લોકોપયોગી કાર્યો ઝડપથી હાથ ધરી શકાશે. ઉલ્લેખનીય છે કે ભુજ તાલુકાના દેશલપર અને ભીરંડિયારા ગામો પંચાયત ઘર વિહોણા છે. સુખપર ગ્રામ પંચાયતઘર માટે ૨૨ લાખ તેમજ અન્ય તમામ પંચાયતઘરો માટે ૧૪ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે. નવા પંચાયતઘરોના નિર્માણની મંજૂરી મળતા કચછ જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે. દરમિયાન, આજે કૌશલ્યાબેનના હસ્તે લખપત તાલુકામાં રબારી સમાજના જાણીતા ધર્મસ્થાન થાવર ભોપાથી સાંયણ મોટીને જોડતા ૬ કિલોમીટર લાંબા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ૨.૧૮ કરોડના ખર્ચે આ માર્ગનું નિર્માણ થશે. થાવર ભોપા રબારી સમાજનું જાણીતું ધર્મસ્થાન છે જ્યાં રાજ્યભરમાંથી રબારી સહિત અન્ય સમાજના ભક્તો દર્શન માટે ઉમટે છે. ત્યારે, આ માર્ગ દર્શનાર્થીઓની સુવિધામાં ઉપયોગી બની રહેશે તેવી માધાપરીયાએ આશા વ્યક્ત કરી છે.
Share it on
|