કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચૂંટણીના પડઘમ વચ્ચે દાવેદારોની મીટ દિલ્હી પર મંડાઈ છે. પોતાને ટિકિટ મળે તો અને ના મળે તો કેવા વ્યૂહ ઘડવા તેના આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હોદ્દેદારો-પદાધિકારીઓ સહુ પક્ષ દ્વારા સતત અપાઈ રહેલાં નાનાં-મોટા જનસપંર્ક કાર્યક્રમોમાં વ્યસ્ત છે. આ વ્યસ્તતા અને ટિકિટની કશ્મકશ વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ અને ભુજ બેઠકના દાવેદાર કૌશલ્યાબેન માધાપરીયાએ આજે અનાથ બાળકો સાથે સમય વીતાવી તેમના હાથે હોંશે હોંશે ફ્રેન્ડશીપ બેલ્ટ બંધાવી તેમના ફ્રેન્ડ બન્યાં હતા. ભુજના ગડા પાટીયા પાસે કાર્યરત એસઓએસ સંસ્થાએ બાળ સપ્તાહની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એસઓએસની બહેનો અને બાળકો આજે જિલ્લા પંચાયતની મુલાકાતે આવ્યાં હતા. તેમની સાથે કૌશલ્યાબેને હોંશભેર વાતો કરી બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. બાળકો પણ તેમને મળી ખુશખુશાલ થઈ ગયાં હતા.
Share it on
|