કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘’કૌન બનેગા કરોડપતિ’’ ટીવી ગેમ શૉ ફરી ત્રીજી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ ગેમ શૉના પહેલા એપિસોડમાં ઑડિયન્સ અને ગેસ્ટ તરીકે વિવિધ આગેવાનોને બોલાવાયા હતા. કચ્છના મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમાને પણ ગેમ શૉના પહેલા એપિસોડમાં હાજર રહેવા આમંત્રણ પાઠવાયું હતું. સદીના મહાનાયક સાથે મુલાકાતના રોમાંચથી જુમા રાયમા અને કોંગ્રેસના મંત્રી ભરત ગુપ્તા મુંબઈના ગોરેગાંવ ખાતે ફિલ્મ સીટીમાં કેબીસીના સેટ પર પહોંચ્યાં હતા. આ પ્રસંગે જુમા રાયમાએ બીગ બીને સ્મૃતિ ચિહ્ન આપ્યું હતું. આ સમયે અમિતાભ બચ્ચને જુમાભાઈ સમક્ષ કચ્છને ખાસ યાદ કરી જણાવ્યું હતું કે, “કચ્છ કે લોગ બહોત હી મોહબ્બતવાલે હૈ“ બીગ બીના આ વાક્યને સાંભળીને જુમાભાઈએ જવાબ વાળ્યો હતો કે, “તભી તો આપને કહા હૈ કી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા“ જુમાભાઈનો જવાબ સાંભળી અમિતાભ બચ્ચન હસી પડ્યા હતા. આગામી ત્રીજી સપ્ટેમ્બરે આ એપિસોડ સોની ટીવી પર પ્રસારિત થશે તેમ માધ્યમોને મોકલેલી એક પ્રેસનોટમાં જુમા રાયમાએ જણાવ્યું છે.
Share it on
|