કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ 2017 અંતર્ગત બેહનોની રાજ્યકક્ષાની હેન્ડબૉલ સ્પર્ધાનું આયોજન કરવાની તક ભુજમાં આવેલી દિવ્ય બ્રહ્મલોક એકેડમીને મળી છે. 25મીના રોજ અંડર 14 અને 17 ગૃપના સ્પર્ધકોની સ્પર્ધાનો દિવ્ય બ્રહ્મલોક એકેડમીના પ્રાંગણમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં ભાગ લેનારી વિવિધ 24 ટીમોએ માર્ચ પાસ્ટ કરી હતી. જેને જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાએ સલામી આપી હતી. સંસ્થાના ચેરમેન પૂજ્ય સ્વામીશ્રી વૃંદાવનવિહારી શાસ્ત્રીસ્વામીના હસ્તે કરવામાં આવી હતી. દિવ્ય બ્રહ્મલોક એકેડમીના એડમિનિસ્ટ્રેટર શ્રી. કિરીટભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો અને ટીમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલે પ્રાસંગિક પ્રવચન આપી મહિલા ખેલાડીઓને પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી. અરવિંદભાઈ પિંડોરીયા, રામજીભાઈ સેંઘાણી, સહદેવસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી સહુને પ્રોત્સાહિત કર્યાં હતા. ભવ્ય ઉદઘાટન સમારોહ બાદ શ્રી. કિરીટભાઈ પટેલ, રામજીભાઈ સેંઘાણી અને સ્પર્ધાના કન્વિનર શ્રી. મનીષ પટેલે સુખપરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટૉસ ઉછાળી હેન્ડબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. દિવસ દરમિયાન કુલ 15 મેચ રમાઈ હતી જેમાં કચ્છ ભુજની ટીમે મોરબી અને જામનગરની ટીમને પરાજિત કરી લીગ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. લીગ રાઉન્ડમાં ભુજની ટીમે છોટા ઉદેપુર, જૂનાગઢ શહેર, ભાવનગર ગ્રામ્યની ટીમને હાર આપી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભુજની ટીમની સફળતાનો સાચો શ્રેય તેમના કોચ મનીષભાઈ પટેલને આપવો ઘટે. તેમના માર્ગદર્શન અને જહેમતના કારણે ભુજની ટીમ હેન્ડબૉલની રમતમાં વર્ષોથી આગવું સ્થાન મેળવતી રહી છે. આ સ્પર્ધા ચોથી નવેમ્બર સુધી ચાલવાની છે. વિવિધ 3 કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન થયું છે. સ્પર્ધાને સફળ બનાવવા દિવ્ય બ્રહ્મલોકના એડમિનિસ્ટ્રેટર શ્રી. કિરીટભાઈ પટેલ, શ્રી. હિતુભાઈ પટેલ તેમજ શાળાના સમગ્ર સ્ટાફ, જિલ્લા રમત ગમત અધિકારી, નોડેલ ઑફિસર શ્રી. પ્રવિણસિંહ અને કોચ મનીષ પટેલને જાય છે. દિવ્ય બ્રહ્મલોક એકેડમી ખાતે આયોજીત સમારોહનું આભારદર્શન કોચ શ્રી. મનીષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Share it on
|