કચ્છખબરડૉટકોમ, ભુજઃ અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન અને પ્રમોટેડ ડાયરેક્ટર ડૉક્ટર પ્રીતિબેન ગૌતમ અદાણી અને શિલિનબેન રાજેશભાઈ અદાણીએ આજે ભુજ જી. કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રીતિબેન અદાણી ગૃપની કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબીલીટી (સીએસઆર) અંતર્ગત સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય વિકાસ, સાતત્યપૂર્ણ વિકાસને લગતી વિવિધ સામાજીક પ્રવૃત્તિઓનું છેલ્લાં 25 વર્ષથી મોનિટરીંગ કરી માર્ગદર્શન આપતા રહ્યાં છે. આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપીને ઉચ્ચ વિદ્યાશાખાઓમાં તે જઈ શકે તે હેતુથી મુંદરાના ભદ્રેશ્વર ખાતે અદાણી વિદ્યામંદિર ચલાવી રહ્યા છે. તે પોતે એક તબીબ છે. દરમિયાન તેમણે તબીબી વિદ્યાર્થીઓને મળી તેમને પ્રોત્સાહિત કર્યાં હતા. હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ તેમણે કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું. હોસ્પિટલની સેવા-સુવિધા અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દર્દીઓને ફળાહાર અને એનઆઈસીયુના બાળકો માટે બેબી કેર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો, અમદાવાદથી આવેલા જાણીતા મોટીવેશનલ વક્તા સંજય રાવલે પણ છાત્રોને પ્રોત્સાહિત કરી ભયમુક્ત જીવન જીવવાની કળા શીખવાડી હતી. મુલાકાત દરમિયાન અદાણી હેલ્થકેરના વડા ડૉ.પંકજ જોશી અને મેડીકલ ડાયરેક્ટર ડૉ.જ્ઞાનેશ્વર રાવે 2013માં જી.કે. જનરલનું સંચાલન અદાણી ગૃપે સંભાળ્યા બાદ હોસ્પિટલના વિવિધ તબીબી તથા સાધન સુવિધાઓમાં થયેલાં અપગ્રેડેશન અને ઉપલબ્ધ સુવિધાઓની માહિતી આપી હતી. તેમને એસએનસીયુ, એનઆઈસીયુ, બ્લડ બેન્ક, સ્વાઈન ફ્લુ વૉર્ડ, થેલેસેમીયા, ડાયાલીસીસ, નવા જનરલ વૉર્ડ, રેડિયોલોજી અને બેઝમેન્ટ ઓપીડીના નવિનીકરણ, સીટી સ્કેન, એમઆરઆઈ, મેમોગ્રાફી મશીન, કોમ્પોનન્ટ સેપરેશન યુનિટ, પ્રિન્ટેડ રીપોર્ટની શરૂઆત, ઓપીડીમાં ટોકન સિસ્ટમ, ઓક્સિજન જનરેટર પ્લાન્ટ વગેરે અંગે માહિતગાર કરાયાં હતા. આજના પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો ભુજમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં દર વર્ષે છસ્સો લોકોને રોજગાર આધારીત તાલીમ આપવામાં આવશે. સીએસઆરના ભાગરૂપે અદાણી ગૃપે અગાઉ છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ નિવાસી તાલીમ કેન્દ્રો શરૂ કરેલાં છે.
Share it on
|