કચ્છખબરડૉટકોમ, ભુજઃ પૂરપીડિત કેરળને બેઠું કરવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં 50 કરોડની સહાય જમા કરાવવાનો નિર્ણય લેવાયો છે. જે પૈકી તાત્કાલિક રાહત તરીકે 25 કરોડ અપાશે અને બાકીના નાણાં પુનઃવસનની કામગીરી માટે અપાશે. અદાણી ગૃપની કોર્પોરેટ સામાજીક જવાબદારી, પર્યાવરણ અને સામુદાયિક વિકાસની કામગીરી સંભાળતી શાખા અદાણી ફાઉન્ડેશને આ નિર્ણય કર્યો છે. 50 કરોડની રકમ તબક્કાવાર આપવામાં આવશે. અદાણી ગૃપના કર્મચારીઓએ પણ તેમનું એક દિવસનું વેતન રાહતફંડમાં આપીને અસરગ્રસ્ત લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. અદાણી જૂથ દ્વારા અદાણી વિન્ઝીમ પોર્ટ મારફતે પૂરરાહતની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સ્ટાફ અને સ્વયંસેવકોની બનેલી ટીમ રાતભર પ્રવાસ કરીને દૂર દૂર આદિવાસી વસતિ સુધી પહોંચી ગઈ છે અને રાહત શિબિરોમાં અનાજ, કપડાં તથા અન્ય આવશ્યક ચીજવસ્તુ ધરાવતી હજારો કીટનું વિતરણ કર્યું છે. અદાણી જૂથની રાહત ટૂકડી અરૂવપલુ પંચાયતના કોકાથોડે, મુંદનપવલુ, નેલીકમ્પારા વગેરે સહિતના વિસ્તારોમાં પહોંચી ગઈ છે. પ્રત્યેક રાહતકીટમાં ચોખા, રાઈસ ફ્લેક, બિસ્કીટ, નહાવા અને કપડાં ધોવાનો સાબુ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, મિણબત્તી, દિવાસળીની પેટી, લુંગી, નાઈટક્લોથ્સ અને કપડાંની બેગનો સમાવેશ કરાયેલો છે. ફાઉન્ડેશને પૂરના પાણી ઓસરતાં તેની મોબાઈલ હેલ્થકેર વાન રવાના કરી છે. આ વિસ્તારોમાં આરોગ્યની પરિસ્થિતિ ચિંતાજનક છે અને રોગચાળો ફાટી ના નીકળે તે માટે પગલાં લેવા આવશ્યક છે. મોબાઈલ વાનમાં ડૉક્ટર અને ફાર્માસીસ્ટ રહેશે. તદુપરાંત સામાજિક કાર્યકરો કોઝાનચેરી અને પટ્ટાનામથીટા ખાતેના રાહત કેમ્પમાં રોકાશે અને રોજ બસ્સો વ્યક્તિઓની જરૂરિયાતો પૂરી કરશે. અદાણી ફાઉન્ડેશ રાજ્યની એજન્સીઓની સાથે મળીને પરિસ્થિતિ સામાન્ય બને ત્યાં સુધી રાહત કામગીરીના અથાક પ્રયાસો ચાલું રાખશે. ઉલ્લેખનીય છે કે, 1996માં સ્થપાયેલું અદાણી ફાઉન્ડેશન દેશના 13 રાજ્યો અને 1470 ગામોમાં વ્યાપક કામગીરી ધરાવે છે.
Share it on
|