કચ્છખબરડૉટકોમ, ભુજઃ માછીમાર સમાજની સુષુપ્ત પ્રતિભાઓને મંચ મળે અને રમતગમતમાં પ્રગતિ કરે તેવા આશય સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં છ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. જે અંતર્ગત આ વર્ષે મુંદરાના નાના કપાયા ખાતે શાંતિવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં 65 ટીમના સાડા સાતસોથી વધુ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં સલાયાની બિસ્મિલ્લા-1 ઈલેવન લુણીની એ-વન ઈલેવનને 30 રને પરાજય આપી ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટમાં મુંદરા તાલુકાના લુણી, શેખડીયા, ભદ્રેશ્વર, નવીનાળ, ઝરપરા, મુંદરા, માંડવી તાલુકાના ગુંદિયાળી, ત્રગડી, સલાયા, મોઢવા, લાયજા, કાઠડા અને અંજારના વંડી-તુણા ગામ મળીને 65 ટીમે ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં મુખ્ય અતિથિ બનેલાં મુંદરાના નાયબ કલેક્ટર ડૉ.એ.કે.વસ્તાનીએ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરાયેલા આયોજનની સરાહના કરી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારાં પ્રતિભાશાળી યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમીને કચ્છનું નામ રોશન કરે તેવી કામના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં મત્સ્યોદ્યોગ વિભાગના આસિસ્ટન્ટ સુપરિન્ટેડેન્ટ મહેશ દાફડા, અદાણી ફાઉન્ડેશનના સીએસઆર યુનિટ હેડ પંક્તિબેન શાહ, લુણી શરીફના પીરસાહેબ, અદાણી પોર્ટના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, કચ્છ જિલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ સુલેમાન અલી માણેક સહિત વિવિધ માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. વિજેતા અને ઉપવિજેતા ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર અર્પણ કરાઈ પ્રોત્સાહિત કરાઈ હતી.
Share it on
|