ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કચ્છની મુલાકાતે આવ્યાં છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે હેલિકોપ્ટરથી ભુજ આવી પહોંચેલાં યોગી આદિત્યનાથે ભુજમાં સ્વાનિનારાયણ મંદિરના દર્શન કર્યાં હતાં. બાદમાં તે ગૌરવ રથ લઈ નખત્રાણા પહોંચ્યાં હતા અને જાહેર સભા સંબોધી હતી. યોગીએ ગુજરાતમાં ભાજપ શાસનના બે દાયકા દરમિયાન થયેલાં વિકાસથી જનતા ખુશ હોવાનો દાવો કરી જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રત્યે જનતાને અપાર સ્નેહ છે. ગુજરાતની ગૌરવગાથા દેશ માટે અનુકરણીય બની રહેશે તેમ જણાવી યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, વર્ષો સુધી દેશમાં શાસન કરનાર કોંગ્રેસને વિકાસ મુદ્દે પૂછવાનો કોઈ અધિકાર નથી. દેશમાં ગરીબી, બદહાલી, આતંકવાદ અને નક્સલવાદ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી યોગીએ આરોપ કર્યો હતો કે, જે રાહુલ ગાંધી ત્રણ ત્રણ ટર્મથી અમેઠીમાં ચૂંટાય છે ત્યાં અનેક પાયાના વિકાસકાર્યો કરી શક્યાં નથી. રાહુલે ગુજરાતના વિકાસ અંગે સવાલો કરવાના બદલે અમેઠીના અધૂરાં વિકાસકાર્યોની વાતો કરવી જોઈએ તેમ કહી યોગીએ વિકાસ મુદ્દે કોંગ્રેસ અને રાહુલને સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર ના હોવાનું જણાવ્યું હતું. એક તબક્કે તેમણે ગુજરાતના વિકાસ અંગે ખુદ રાજીવ ગાંધી ફાઉન્ડેશને સમર્થન આપ્યું હોવાનો મુદ્દો ઉછાળ્યો હતો. કચ્છમાં થયેલી ભૂકંપ પુનર્વસનની કામગીરીની સરાહના કરી હતી. અનામત મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવનાર પાટીદારોનો મુદ્દો પૂછાતાં યોગીએ નીતિન પટેલ,આનંદીબેન પટેલને ભાજપે આપેલાં સન્માનનો ઉલ્લેખ કરી સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે જ સૌથી વધુ સન્માન આપ્યું હોવાનું જણાવી ભાજપ જાતિવાદ-પરિવારવાદમાં ના માનતો હોવાનું કહ્યું હતું. નખત્રાણા બાદ યોગી આદિત્યનાથ મંગવાણા, ગઢશીશા, ભુજપુર, મુંદરા વગેરે સ્થળે જનસભાઓને સંબોધન કરશે.
Share it on
|