કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિજય રૂપાણી સરકારમાં આ વખતે કચ્છમાંથી નીમાબેનને પણ મંત્રીપદ મળે તેવી સંભાવનાઓ વ્યક્ત થતી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ખુદ બેન પણ મંત્રીપદની બસમાં બેઠક મેળવવા ગાંધીનગરમાં ઘણું લોબીઈંગ કરતાં હતા. પરંતુ, ગત વખતની જેમ આ વખતે પણ બેન મંત્રીપદની બસ ચૂકી ગયાં છે. બીજીવાર રાજ્યકક્ષાના મંત્રી બનતાં વાસણભાઈનો વટ જળવાઈ રહ્યો છે પરંતુ બેનની મનની મનમાં રહી જતાં તેમના સમર્થકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. હાલ ભાજપમાં કાર્યકરો અંદરખાને એક જ ચર્ચા કરે છે કે, બેનને એવું તો શું નડી ગયું કે મંત્રીપદું ના મળ્યું? કેટલાંક કાર્યકરોમાં ચર્ચા ચાલે છે કે, બેનને તેમનું ‘કોંગ્રેસી ગોત્ર’ આડે આવ્યું છે. કોઈક કાર્યકર વળી આંખ મિંચકારી કંડલા પોર્ટમાં જેટીના કરારનો વિવાદ આગળ ધરી દે છે. તો વળી કોક લોરીયા પ્રકરણનો જૂનો મુદ્દો પણ રજૂ કરે છે. મંત્રી બનવાનાં ઓરતાં તો અનેક ધારાસભ્યોને હતા પરંતુ એમ બધાનાં અરમાન પૂરાં થાય તે શક્ય નથી. એમ તો, માંડવીના ‘જોરાવર’ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામના નવોદિત મહિલા ધારાસભ્યને પણ લૉટરી લાગવાની ચર્ચાઓ ચાલતી જ હતી ને! વાસણભાઈ બાદ હવે મંત્રીમંડળમાં કચ્છને પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા જૂજ છે.
વિધાનસભા અધ્યક્ષપદે બાબુભાઈ બોખીરીયા, નીમાબેનને નાયબ સ્પીકર?
રૂપાણી સરકારની ગત ટર્મમાં પાણી પુરવઠા મંત્રી રહેલાં અને પોરબંદરમાં અર્જુન મોઢવાડીયાને સતત બીજીવાર મ્હાત આપનારાં બાબુભાઈ બોખીરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો નથી. ત્યારે, આજે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે બાબુભાઈ અને ડેપ્યુટી સ્પીકર તરીકે નીમાબેનની વરણી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત થતી હતી.
કચ્છથી ગાંધીનગર ગયેલાં અનેક હરખપદુડાનો ફેરો ફોગટ થયો
મંત્રીમંડળમાં પોતાના ઈચ્છિત ધારાસભ્યને સ્થાન મળશે તેવી ધારણાથી અનેક હરખપદુડા કાર્યકરો ખિસ્સાના ફદિયા ખર્ચી ગત સાંજે જ ગાંધીનગરમાં પહોંચી ગયાં હતા. જો કે, મોડી રાતે જ મંત્રીમંડળના સભ્યોના નામ જાહેર થઈ જતાં અને તેમાં પોતાના ઈચ્છિત ધારાસભ્યનું નામ ના હોતાં તેમનો ફેરો જાણે ફોગટ ઠર્યો હતો.
Share it on
|