કચ્છખબરડૉટકોમ, ભુજઃ “કોંગ્રેસે વિકાસના બદલે વોટબેન્કને મહત્વ આપ્યું, તુષ્ટિકરણ કર્યું તેથી દેશ પાછળ રહ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ આપી, દેશમાં ઝંઝાવાતી વિકાસ થયો, વિકાસ વેગીલો બન્યો છે અને તેથી કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયાં છે. વિકાસથી કોંગ્રેસ રઘવાઈ બની છે અને એટલે જ તે વિકાસની મજાક ઉડાવી રહી છે પણ વિકાસ અમારો મિજાજ છે” કોંગ્રેસના શરૂ થયેલાં ‘વિકાસ ગાંડો છે’ના પ્રચારપૂર સામે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભુજમાં વિકાસને જ લક્ષ્યમાં રાખી કોંગ્રેસનું એન્કાઉન્ટર કર્યું હતું. રાપરથી ગૌરવ વિકાસ યાત્રા લઈ સામખિયાળી, ગાંધીધામ અને અંજાર ખાતે જાહેર સભાઓને સંબોધન કર્યાં બાદ વિજયભાઈએ રાત્રે 10 વાગ્યે ભુજમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી. વિકાસની રાજનીતિના કારણે 18 રાજ્યોમાં ભાજપ જીત્યું છે, હવે 19મું રાજ્ય હિમાચલ હશે અને 20મું રાજ્ય 2020ની ચૂંટણીમાં કર્ણાટક હશે તેમ જણાવી વિજયનો મંત્ર જણાવતાં કહ્યું હતું કે ભાજપની નિયત ચોખ્ખી છે એટલે જીત્યાં છીએ. વિ.રૂ.એ તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રત્યેના પ્રેમ અને તેમણે લીધેલી 89 વારની મુલાકાતોનો ઉલ્લેખ કરી મોદીશાસનમાં કચ્છના થયેલાં નમુનેદાર ભૂકંપ પુનર્વસન, સફેદ રણ થકી પ્રવાસનને અપાયેલું ઉત્તેજન અને કંડલા-મુંદરા જેવા બંદરોના વિકાસની સિધ્ધિઓ વર્ણવી હતી. કોંગ્રેસના શાસનમાં કચ્છના બંદરો પરથી 88 લાખ મેટ્રીક ટન માલસામાનની આયાત-નિકાસ થતી હતી તેની સામે આજે ચોંત્રીસસો મેટ્રીક ટન માલ સામાનની આયાત-નિકાસ થઈ રહી છે તેમ જણાવી કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત કચ્છના સમુદ્રકાંઠે કૉસ્ટલ ઈકોનોમિક ઝોન દ્વારા સ્થપાનારાં મહાકાય ઉદ્યોગોની રૂપરેખા વર્ણવી હતી. તો, સાથે ગઈકાલે રાજ્ય સરકારે મીઠા ઉદ્યોગની લીઝ વધારીને 30 વર્ષની કરવાના લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં નર્મદા નીર અને ખેડૂતોના વિકાસનો ઉલ્લેખ કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે કચ્છમાં નર્મદાના પાણીનું ટીપુંય નહીં આવે તેવી વાતો કરાતી હતી પરંતુ આજે અંજારના ટપ્પર સુધી નર્મદાના નીર આવી ગયાં છે. કેનાલના નિર્માણ માટેના ટેન્ડરો-કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યાં છે અને આગામી 1 વર્ષમાં કચ્છમાં કેનાલના કામો પૂરાં થઈ જશે તેમ જણાવી વી.રૂ.એ કચ્છની સૂકી ધરતી સિંચાઈના નીરથી પાણી પાણી થઈ જશે અને ખેડૂતો રૂપિયામાં નહીં ડૉલરમાં કમાશે તેમ કહી કેસર કેરી, ખારેકના એક્સપોર્ટનો મુદ્દો પણ વણી લીધો હતો. કોંગ્રેસને આડે હાથ લેતાં તેમણે જણાવ્યું હતું કે, અમારી સરકાર પારદર્શક છે, પ્રજાહિત માટે કામ કરે છે.
કોંગ્રેસીઓ દલાલ છે
વડાપ્રધાનના સૂત્ર ખાતો નથી અને ખાવા દેતો નથીને અમે વળગી રહ્યાં છે પરંતુ આ જ કોંગ્રેસના રાજીવ ગાંધીએ એકવાર કહેલું કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું પરંતુ 85 પૈસા ખવાઈ જાય છે. કારણ કે, કોંગ્રેસના જ વચેટીયા ખાઈ જાય છે. કોંગ્રેસીઓ દલાલ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 રૂપિયો મોકલી સવા રૂપિયાના કામો કરાવે છે.
ધ્યાન રાખજો, કોંગ્રેસ નવા ગતકડાં લાવશે
વિકાસને અવરોધનારાં કોંગ્રેસના લોકો સક્રિય છે પરંતુ કચ્છની શાણી જનતા તેમની વાતોમાં ના આવે તેમ કહી તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઘરનું ઘરના નામે ગતકડું શરૂ કર્યું હતું તેવો આરોપ કર્યો હતો. કોંગ્રેસે ઘરનું ઘરના નામે લોકોને ભોળવી 100-100 રૂપિયા લઈ ફોર્મ ભરાવ્યાં હતા અને ચૂંટણી પછી આ ફોર્મ ગટરમાં નાખી દીધેલાં તેમ જણાવી રૂપાણીએ કહ્યું હતું કે, ધ્યાન રાખજો, આગામી દિવસોમાં આવા નવા ગતકડાં આવશે.
અમારી સરકાર ગરીબોની સરકાર
રૂપાણીએ પોતાની સરકારને ગરીબોની સરકાર ગણાવી રાજ્ય સરકાર દ્વારા અપાતા સસ્તા અનાજ, વડાપ્રધાન આવાસ યોજના, ઉજ્જવલા યોજના અંતર્ગત દેશમાં 3 કરોડ ઘરોમાં વિતરીત કરાયેલાં એલપીજી કનેક્શન, શૌચાલય નિર્માણ, જેનરીક મેડિકલ સ્ટોર્સ, અમૃતમ કાર્ડ અને મા વાત્સ્યલ્ય કાર્ડ હેઠળ આવરી લેવાયેલાં 40 લાખ ગરીબ પરિવારોનો ઉલ્લેખ કર્યો હતો.
નખત્રાણા APMC માટે જમીન ફાળવણીની જાહેરાત
ખેડૂતો માટે ટેકાના ભાવે વિવિધ કૃષિપેદાશની શરૂ કરાયેલી ખરીદી, વીજળી, સમયસર મળતાં ખાતર વગેરેનો ઉલ્લેખ કરી કિસાનો માટે સરકારે કરેલાં કાર્યોનો મહિમા વર્ણવ્યો હતો. તો નખત્રાણામાં એપીએમસી માટે રાજ્ય સરકારે 38 હજાર ચોરસ મીટર જમીન ફાળવવા નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી તેમણે નર્મદા કેનાલ માટે જમીન આપનારાં ચોબારીના ખેડૂતોને પણ પૂરતા વળતરના નાણાં મળશે તેવું આશ્વાસન આપ્યું હતું.
અબડાસામાં વ્યાજ સાથે જીત મેળવવા આહવાન
કચ્છની છ વિધાનસભા બેઠકો પૈકી અબડાસા બેઠક કોંગ્રેસ હસ્તક છે. જેનો રંજ હોય તેમ રૂપાણીએ જાહેરસભામાં ભાજપના કાર્યકરોને આહવાન કર્યું હતું કે, અબડાસામાં વ્યાજ સાથે જીત મેળવવાની છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય છબીલ પટેલ રાજીનામું આપી ભાજપમાં કેસરીયો ધારણ કરી આ બેઠક પરની પેટાચૂંટણી લડ્યા હતા પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સામે તેમનો નજીવી સરસાઈથી પરાજય થયો હતો.
Share it on
|