છબીલભાઈની ‘સળી’થી અબડાસા ભાજપનો કટ્ટર જૂથવાદ બહાર આવી ગયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસામાં ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલની હાર માટે આંતરિક જૂથવાદને પણ મુખ્ય કારણ ગણાવાય છે. ત્યારે, જૂથવાદ સામે અત્યારસુધી દબાઈ રહેલો આક્રોશ હવે બહાર આવી ગયો છે.
Video :
ગઈકાલે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે તેમના સોશિયલ મિડીયાના ફેન્સ ગૃપમાં આક્રોશને વાચા આપતાં ‘‘મિત્રો ચિંતા ના કરતાં... દુશ્મનોં કોં ઢીંચકિયાંઉ..ઢીંચકિંયાંઉ’’ તેમ બોલી આંગળીઓ વડે પિસ્તોલ ચલાવતાં હોય તેવી વિડિયો ક્લિપ પોસ્ટ કરી હતી.
છબીલ પટેલની આ વિડિયો ક્લિપ જોતજોતામાં સોશિયલ મિડીયામાં વાયરલ થઈ ગઈ છે. છબીલ પટેલે આ ક્લિપને નિર્દોષ મેસેજ ગણાવી નિરાશ સમર્થકોને પ્રોત્સાહિત કરવા પોસ્ટ કરી હતી તેવો ખુલાસો કર્યો છે. દરમિયાન છબીલ પટેલની વિડિયો ક્લિપ વાયરલ થતાં અબડાસા ભાજપના વિરોધી જૂથના બે કાર્યકરોએ હાથમાં પિસ્તોલ લઈ તેનો જવાબ આપતાં મામલાએ ઓર તુલ પકડ્યું છે. છબીલ પટેલના જવાબમાં વહેતી થયેલી વિડિયો ક્લિપમાં ભાજપના નરેન્દ્રસિંહ અને અનુપસિંહ નામના બે કાર્યકરો હાથમાં પિસ્તોલ લઈ વારાફરતી જવાબ આપતા નજરે ચઢે છે. એક જણ એમ કહે છે કે ‘ઐસે ઢીસુમ ઢીસુમ નહીં હોતા હૈ..જો સાધન મેરે હાથ મેં ઉસી સે ઢીસુમ હોતા હૈ..દુશ્મન ઈસી સે મરતા હૈ....’તો અન્ય ક્લિપમાં બીજો કાર્યકર હાથમાં પિસ્તોલ સાથે એમ કહેતો નજરે પડે છે કે ‘ઢીસુમ ઢીસુમ આંગળીઓથી ના થાય..બે કલેજા જોઈએ‘
છબીલ પટેલની સળી બાદનો વળતો જવાબ પરિસ્થિતિ પાધરી કરી દે છે
અબડાસામાં છબીલભાઈ પટેલની હાર પાછળનું એક મુખ્ય કારણ આંતરિક જૂથવાદ હતો તે આ વર્બલ વૉર પરથી સ્પષ્ટ થઈ ગયું છે. ખાસ કરીને, છબીલ પટેલ સામે ભાજપના વિરોધી જૂથમાં કેટલું ખુન્નસ છે અને ચૂંટણીમાં તેમણે છબીલ પટેલ માટે કેવી અને કેટલી મહેનત કરી હશે તેનું અનુમાન કરવું સહેલું છે.
બંને કાર્યકરો ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની નિકટનાં
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર છબીલ પટેલ સામે પિસ્તોલ દેખાડી જવાબ આપનારાં બંને કાર્યકરો અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષપદે રહેલાં જયંતી ભાનુશાળીની નિકટનાં કાર્યકરો ગણાય છે. છબીલ પટેલે કરેલી ‘સળી’ સામે ખુલ્લંખુલ્લા બહાર આવી ગયેલાં આ બંને જણાં સામે પ્રદેશ ભાજપ શિસ્તભંગના કોઈ પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વે અબડાસા બેઠક માટે જયંતી ભાનુશાલી અને છબીલ પટેલ બંને મજબૂત દાવેદાર ગણાતાં હતા. પરંતુ, ભાજપે ભાનુશાલીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવી દઈ છબીલ પટેલની ટિકિટ માટેનો રસ્તો સરળ બનાવી દીધો હતો. ભૂતકાળમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને પેટાચૂંટણી લડનારાં છબીલ પટેલની શક્તિસિંહ સામે થયેલી હાર બદલ છબીલભાઈએ તે સમયે ભાનુશાલીના જૂથ સામે આંગળી ચિંધી હતી.
માત્ર અબડાસા નહીં પરંતુ કચ્છ અને ગુજરાતની અન્ય અનેક બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોને ભાજપના જ આંતરિક જૂથવાદે હરાવ્યા છે. પરંતુ, 99 બેઠક પર અટકી ગયેલો ભાજપ જૂથવાદને પોષનારાં નેતાઓ સામે પગલાં નથી લઈ શકતો. કોંગ્રેસના રસ્તે જઈ રહેલાં ભાજપની આ અનિર્ણાયક્તા આગામી દિવસોમાં આત્મઘાતી બનશે અને કાર્યકરોનો ધુંધવાટ આ રીતે વ્યક્ત થતો રહેશે તેમાં બેમત નથી. ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો પહેલાં અંજારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે પણ તેમના વિરોધીઓનો હિસાબ ચૂકતે કરવાની નુક્તેચીની કરી હતી.