કચ્છખબરડૉટકોમ, અંજારઃ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કચ્છમાં કોંગ્રેસે ભાજપને ઝટકો આપ્યો છે. આજે અંજારમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલાં અંજાર વિધાનસભા સ્નેહમિલનમાં પાંચસોથી છસ્સો જેટલાં આગેવાનો કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં છે. . જોડાયેલાં કાર્યકરોમાં ભાજપ અને જનતા દળના સંખ્યાબંધ કાર્યકરોનો સમાવેશ થાય છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, માણાવદરના ધારાસભ્ય અને ગુજરાત આહીર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, શહેનાઝ બાબી સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલું આ સ્નેહમિલન જાણે ચૂંટણી પ્રચારસભામાં ફેરવાઈ ગયું હતું. સંમેલનમાં સંસદીય સચિવ વાસણભાઈ આહીરના ગામ રતનાલના કાનજીભાઈ અને મકનજીભાઈ સહિતના ત્રણસોથી ચારસો આગેવાનો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં હતા. કોંગ્રેસના વિપક્ષી નેતા વી.કે.હુંબલે જોડાયેલાં મોટાભાગના લોકો ભાજપના કાર્યકરો હોવાનો દાવો કર્યો હતો. જનતા દલના યુના કચ્છના જિલ્લા પ્રમુખ વસંત ચંદે સહિતના બસ્સો જેટલાં હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મેઘપર સોસાયટી વિસ્તારના પણ સંખ્યાબંધ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં હતા. સ્નેહમિલન દરમિયાન અર્જુન મોઢવાડીયાએ ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતાં ખાખી ચડ્ડી પર ભરોસો કરતાં નહીં તેમ જણાવી નલિયાકાંડ અને કચ્છી યુવતીના જાસૂસીકાંડનો ઉલ્લેખ કરી ભાજપ પર ચાબખાં માર્યાં હતા. ભૂકંપ સમયે સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના તમામ નેતાઓ અને મુખ્યમંત્રીઓ 45 દિવસ સુધી કચ્છમાં રોકાયાં હતા તેનો ઉલ્લેખ કરી મોઢવાડીયાએ વિધાનસભા ચૂંટણીમાં છએછ બેઠકો પર કોંગ્રેસની જીતનો આત્મવિશ્વાસ કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વિજય રૂપાણી દિલ્હીથી અમિત શાહના ઈશારે રીમોટ કન્ટ્રોલથી ચાલે છે તેવો આરોપ લગાવી કચ્છમાં ભાજપ સરકાર દ્વારા બોરીબંધ યોજનામાં થયેલાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો હતો. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ આગવી શૈલીમાં નોટબંધીથી લઈ જીએસટી સંદર્ભે નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલ, ઉષાબેન ઠક્કર, નવલસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
કોંગ્રેસનો દાવો ખોટ્ટો, રતનાલમાંથી ભાજપના કોઈ સક્રિય કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં નથી
આજના સંમેલનમાં રતનાલમાંથી ભાજપના 400 જેટલાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં હોવાના કોંગ્રેસના દાવાને ભાજપે પોકળ અને છેતરામણો ગણાવ્યો છે. અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહીરે મોકલેલી એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે, ખોટા દાવા કરી કોંગ્રેસ અંજાર તાલુકાની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. રતનાલના જે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં છે તે કોઈ ભાજપના સક્રિય કાર્યકરો છે જ નહીં તેવો દાવો કરી શંભુભાઈએ જણાવ્યું છે કે જે લોકો કોંગ્રેસમાં જોડાયાં છે તેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફી કામ કરેલું છે અને તેઓ કોંગ્રેસના જ છે. એટલે નવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં તે વાત તદ્દન ખોટી અને લોકોને છેતરવા સમાન છે.
Share it on
|