કચ્છખબરડૉટકોમ, વલસાડઃ પચાસ હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ૨૦૦ ગ્રામ સોનાની બે લગડી ૬-૬ લાખ મળી કુલ ૧૨ લાખ રૂપિયામાં આપવાની લાલચ આપીને સુરતના કાપડના વેપારીને વલસાડના ડુંગરીમાં બોલાવી ચૂનો લગાડવાના ગુનામાં વલસાડ LCBએ ૯ જણાંની ધરપકડ કરી છે. ઝડપાયેલાં આરોપીઓમાં પાંચ જણાં ભુજના રીઢા ચીટર છે. સુરતના જયેશ ગોહિલ નામના વેપારીએ ફેસબૂક પર સસ્તાં સોનાની લાલચની જાળમાં ફસાઈને અંકિત નામના શખ્સને ફોન કરેલો. અંકિતે તેને ડુંગરી પાસે બોલાવેલો. અહીં નંબર વગરની વર્ના કારમાં આવેલાં બે શખ્સો તેમને ડુંગરીના રોલા વિસ્તારમાં આવેલી અમ્પાયર હોટેલના ખૂલ્લાં પાર્કિંગમાં લઈ ગયેલાં. જ્યાં કચ્છ પાસિંગની GJ-12 DM-1165 નંબરની સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સો વર્ના કારના ડ્રાઈવર પાસેથી ફરિયાદીએ આપેલ ૯.૮૦ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને એક પાર્સલ આપી રવાના થઈ ગયાં હતાં.
ફરિયાદી અને તેના મિત્રો વર્ના કારમાં બેઠેલાં હતાં. આગળ જતાં ક્રેટા કારમાં નકલી પોલીસ બનીને આવેલાં બે શખ્સોએ વર્ના કારને અટકાવી પૂછપરછ કરી વર્નામાં બેઠેલાં ફરિયાદી સહિતના ત્રણે જણને કારમાંથી નીચે ઉતારી દીધાં હતાં. બાદમાં, ત્રિપુટી બેઉ કાર લઈને ફરાર થઈ ગઈ હતી.
૫ ફેબ્રુઆરીના રોજ બનેલાં બનાવ અંગે જયેશે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. ૧૦ ફેબ્રુઆરીએ ચીટર ગેંગે તેને ફરી કરજણ ખાતે માલની ડિલિવરીના બહાને બોલાવતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ડુંગરી પોલીસે ફરિયાદ નોંધી હતી અને તપાસ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.
વલસાડ ક્રાઈમ બ્રાન્ચે આ ગુના સંદર્ભે ભુજના પાંચ સહિત અન્ય જિલ્લાના કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે.
ઝડપાયેલાં આરોપીઓમાં નઝીર ઊર્ફે ભજીયાવાલા હુસેનભાઈ મલિક (૬૫, રહે. આણંદ મૂળ રહે. રાજપીપળા, ભરુચ), ઝુબેર ઝાખરા (રાજુલા, અમરેલી), સૂરજ જ્ઞાનચંદ્ર ગુપ્તા (જલાલપોર, નવસારી, મૂળ રહે. યુપી) તથા ભુજના મામદ ઊર્ફે મજીદ ઊર્ફે અધો ઈસ્માઈલ ઊર્ફે ભુરો સુમરા (માલધારીનગર, કોડકી રોડ, ભુજ), અબ્દુલ હનાન અબ્દ્રેમાન ઈશાક થૈમ (સંજોગનગર, ભુજ), અબ્દુલ જુમા ઈસ્માઈલ નોતિયાર (વટાછડ, ભુજ) મામદ ચનેસર સુમરા (કુનરીયા, છછવાડી, ભુજ), મુસ્તાક ઉરસ લધુભાઈ નોતિયાર (ઝુરા, ભુજ)નો સમાવેશ થાય છે.
ઝડપાયેલાં આરોપી પૈકી ભુજના મામદ ઊર્ફ મજીદ ઊર્ફે અધા સામે ભુજ એ અને બી ડિવિઝન, માંડવી, મુંદરા, નખત્રાણા, જામનગર સહિતના વિવિધ પોલીસ મથકોમાં ચીટીંગના આઠ ગુના નોંધાયેલાં હોવાનું બહાર આવ્યું છે. અન્ય તમામ આરોપીઓ સામે પણ ચીટીંગ સહિતના ગુના નોંધાયેલાં છે.
એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ અને વલસાડ રૂરલના પીઆઈ બી.ડી. જીતીયાના માર્ગદર્શન તળે વલસાડ પીએસઆઈ જે.બી. ધનેશા અને તેમની ટીમે આ ચીટર ગેંગને ઝડપી છે.
Share it on
|