કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ અંજારના રતનાલના ટ્રક માલિક વાઘજીભાઈ નારાણભાઈ છાંગા અને ટ્રક ડ્રાઈવર મિસરી હસનખાન (રહે. બાડમેર) વિરુધ્ધ અમદાવાદ જિલ્લાના બાવળા પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. વાઘજીના કહેવાથી ટ્રક ડ્રાઈવર ૧૩ લાખના મૂલ્યના ૩૫ ટન ચોખાં ભરેલી ટ્રક હંકારી જતો રહ્યો છે. આ બનાવમાં ટ્રાન્સપોર્ટર અને એક્સપોર્ટર પેઢીને દૈનિક દસ હજાર લેખે ડિટેન્શન ચાર્જ પેટે ૮૦ હજાર રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. અમદાવાદ રહેતા અને બાવળામાં ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા ઉમંગ શાહે પોલીસને જણાવ્યું કે બાવળાની ગીતા એન્ટરપ્રાઈઝમાંથી ચોખા ભરીને ગાંધીધામ મોકલવા રતનાલની શ્રી લોજિસ્ટીક ટ્રાન્સપોર્ટ પેઢીએ તેમને ઓર્ડર આપીને તે જ દિવસે એટલે કે ૨૦ જાન્યુઆરીએ બપોરે કચ્છ પાસિંગની ટ્રક અને ડ્રાઈવરને મોકલ્યાં હતાં.
ટ્રકમાં એક્સપોર્ટ ક્વૉલિટીના ૩૫ ટન ચોખાં ભરવામાં આવેલા અને ડ્રાઈવર મિસરી બીજા દિવસે ટ્રકને લઈ ગાંધીધામના કોટેશ્વર ગોડાઉન ખાતે પહોંચેલો. ટ્રકમાં ભરેલા ચોખાના સેમ્પલ લેવાતાં તે રીજેક્ટ થયેલું. બીજા દિવસે ફરી સેમ્પલ લેવાયેલું અને ફરી ફેઈલ થયેલું.
ચોખા ભરેલી ટ્રક એમ જ ત્યાં ચારેક દિવસ પડી રહેલી.
પાંચમા દિવસે ટ્રક માલિક વાઘજીએ ઉમંગ શાહને ફોન કરીને તમારો માલ વારંવાર રીજેક્ટ થાય છે એટલે હું મારી ટ્રક લઈને નીકળું છું તેમ કહેલું.
ઉમંગ શાહે તેને ટ્રક જેટલાં દિવસ હૉલ્ટ રહે તેટલાં દિવસનું મહેનતાણું આપવા ખાતરી આપેલી છતાં ટ્રક માલિક વાઘજીના કહેવાથી ડ્રાઈવર ચોખા ભરેલી ટ્રક લઈને ચાલ્યો ગયો છે. આ કારણે પોતાની પેઢી અને ગીતા એન્ટરપ્રાઈઝ પેઢીને રોજના દસ હજાર લેખે ૮૦ હજાર રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હોવાનું ઉમંગ શાહે જણાવ્યું છે.
Share it on
|