કચ્છખબરડૉટકોમ, વારાહીઃ ગાંધીધામના ચુડવાથી મહેસાણાના ઉનાવા ગામે આવેલી મીરાં દાતારની દરગાહની જીયારતે જવા નીકળેલાં કોરેજા પરિવારને પાટણના વારાહી નજીક અકસ્માત નડતાં દંપતી સહિત ત્રણનાં મોત નીપજ્યાં છે. દુર્ઘટનાના લીધે કચ્છમાં શોક છવાઈ ગયો છે. આજે સવારે નવ જણાં સ્કોર્પિયો કારમાં જઈ રહ્યા હતા ત્યારે ૧૧.૩૦ના અરસામાં વારાહીના બામરોલી ગામના બસ સ્ટેન્ડથી થોડેક દૂર અચાનક સ્કોર્પિયો કાર પલ્ટી ખાઈ ગઈ હતી.
ગંભીર ઈજાના લીધે ઉસ્માન ઉમર કોરેજા (ઉ.વ. ૬૦) અને તેમના પત્ની ફરીદાબેન (ઉ.વ. ૫૫)ના સ્થળ પર મૃત્યુ નીપજ્યાં હતાં. બાદમાં સાડા ૩ વર્ષના અરમાન રફીક કોરેજાએ પણ દમ તોડ્યો હતો. બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈએ જણાવ્યું કે ત્રણેના પોસ્ટમોર્ટમ વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યાં છે. કારમાં સવાર છ જણને હળવી મધ્યમ ઈજાઓ થઈ છે તેમને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં છે.
ઘાયલોમાં જુસબ હાજી કોરેજા (૬૦), જેનમ આમદ કોરેજા (૦૬), તસ્લિમ આમદ કોરેજા (૧૧), હાજરા જુસબ કોરેજા (૪૫), આશિયા અસગર કોરેજા (૧૮) અને ઉમર અસગર કોરેજા (૧૦)નો સમાવેશ થાય છે.
Share it on
|