કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ રેલવે પોલીસ ફોર્સ, અમદાવાદના પીઆઈ તરીકે ફરજ બજાવતાં પરવિણકુમાર શનિવારે સવારે ઉઠીને ફ્રેશ થતાં હતા ત્યાં તેમના સરકારી મોબાઈલ નંબર પર સવા આઠ વાગ્યે એક મેસેજ આવ્યો હતો. અજાણ્યા નંબરથી આવેલો મેસેજ વાંચીને પરવિણકુમાર ભડકી ઉઠ્યાં હતાં. મેસેજમાં અંગ્રેજી ભાષામાં સંદેશ લખ્યો હતો. અલ્લાહુ અકબર, પાકિસ્તાન ઝિંદાબાદ, સલામ ઓ વાલેકુમ.. ૧૨-૦૨-૨૦૨૫ કો હમ કાફિરોં કો જહન્નુમ ભેજેંગે.. ઈન્સાહ અલ્લાહ.. રોક શકો તો રોક કે દિખા દેના.. કુંભ મેલા, એરપોર્ટ, રેલવે સ્ટેશન અબ હોગા બડા ધમાકા... સંદેશને ગંભીરતાથી લઈ પરવિણકુમારે તરત ગવર્મેન્ટ રેલવે પોલીસને જાણ કરેલી. જીઆરપીએ તુરંત અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધેલી અને રેલવેની લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરેલી.
ફોન પડાણાના ફૈઝુલનો નીકળ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં મેસેજ કરનાર મોબાઈલ નંબર ગાંધીધામના પડાણા પાસે રહેતા ફૈઝુલ નામના શખ્સનો હોવાનું સ્પષ્ટ થયેલું. જેથી તપાસમાં ગાંધીધામ રેલવે પોલીસ પણ જોડાઈ હતી. અમદાવાદ રેલવે એલસીબી પીઆઈ એચ.કે. શ્રીમાળીએ જણાવ્યું કે ફૈઝુલ મૂળ આસામનો વતની છે અને ગાંધીધામ આસપાસ ધમધમતાં લાકડાના બેન્સાઓના મજૂરો માટે રસોઈ બનાવવાનું કામ (ભંડારી) કરે છે.
ફૈઝુલ પડાણામાં કરિયાણાની દુકાન અને શાકભાજીની લારી ચલાવતાં ૩૨ વર્ષિય અરુણકુમાર દિનેશચંદ્ર જોશી (રહે. મૂળ મંદસૌર, મધ્યપ્રદેશ) પાસેથી નિયમિત રીતે રાશનની જથ્થાબંધ ખરીદી કરતો હતો.
અરુણને ફૈઝુલ પાસેથી ૮૫ હજારની ઉઘરાણી બાકી નીકળતી હતી
સામાન્ય રીતે ફૈઝુલ નિયમિત રીતે પેમેન્ટ આપી દેતો હતો પરંતુ કોઈક કારણોસર આર્થિક ભીંસમાં આવી જતાં ત્રણેક માસથી તે અરુણના ૮૫ હજાર બાકી રૂપિયા ચૂકવી શક્યો નહોતો. અરુણના ફોન ઉપાડવાનું પણ બંધ કરેલું. દેવું વધી જતાં ફૈઝુલે તેની પત્નીને લઈને વતનની વાટ પકડેલી. ૨૬મી જાન્યુઆરીએ ગૂપચૂપ રીતે ગાંધીધામથી ટ્રાવેલ્સની બસમાં બેસી અમદાવાદ ગીતા મંદિર આવેલો.
ફૈઝુલ બસમાં ફોન ભૂલી ગયો ને અરુણે યુક્તિપૂ્ર્વક મેળવ્યો
આ સમયે ઉતાવળમાં તે ટ્રાવેલ્સની બસમાં તેનો મોબાઈલ ફોન ભૂલી ગયો હતો. આ ફોન બસના કંડક્ટરને મળેલો. દરમિયાન, અરુણે ફૈઝુલને ફોન કરતાં તે ફોન બસના કંડક્ટરે ઉપાડેલો. ફૈઝુલ ભાગી ગયો હોવાનું અને ફોન બસમાં ભૂલી ગયો હોવાનું જાણીને અરુણે કંડક્ટરને ‘ફૈઝુલ મારા ભાઈ સમાન છે’ કહીને ફોન તેને પરત પહોંચાડી દેશે તેમ જણાવી વિશ્વાસમાં લઈને બીજા દિવસે બસની વળતી ટ્રીપમાં ફોન ગાંધીધામ પાછો મોકલી આપવા જણાવ્યું હતું. બીજા દિવસે ટ્રાવેલ્સની ઑફિસે જઈને અરુણ ફૈઝુલનો ફોન લઈ આવ્યો હતો.
ઉઘરાણીની દાઝ રાખી ફૈઝુલને ફસાવવા બ્લાસ્ટની ધમકી
ઉઘરાણીની ટોપી પહેરાવીને નાસી ગયેલાં ફૈઝુલને પાઠ ભણાવવાના હેતુથી અરુણે તેના મોબાઈલથી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેસેજ આરપીએફના ઈન્સપેક્ટરને પાઠવ્યો હતો. ત્યારબાદ મોબાઈલને ફ્લાઈટ મોડમાં કરીને ફૈઝુલ જે બેન્સામાં રસોઈ કરતો હતો તે બેન્સાની આસપાસ ફેંકી આવ્યો હતો. ગાંધીધામ રેલવે પીએસઆઈ પી.આર. સોલંકીએ જણાવ્યું કે અઢીસો જેટલાં નંબર ટ્રેક કરતાં કરતાં આખરે અમે પડાણાના અરુણને ઝડપી પાડ્યો.
Share it on
|