કચ્છખબરડૉટકોમ, સુરતઃ શેર માર્કેટ, ક્રિપ્ટો કરન્સી, જમીનમાં નાણાંનું રોકાણ કરીને બમણો નફો રળવાની મિત્રને લાલચ આપી ૭૫.૯૨ લાખ રૂપિયા હજમ કરી જવાના ગુનાના સૂત્રધાર આદિપુરના અંતરજાળના ઓમ જયંતીભાઈ પ્રજાપતિની સુરત પોલીસે ધરપકડ કરી છે. સુરત રહેતા ભાવિક જાટકીયાએ સ્વજન જેવા બની ગયેલા અંગત મિત્ર ઓમ પર ભરોસો રાખીને તેના કહેવા મુજબ નાણાં આપ્યાં હતાં. આ ગુનામાં આરોપી ઓમ નવ માસથી નાસતો ફરતો હતો. ઓમ સામે ૧૮-૦૬-૨૦૨૪ના સુરત શહેર ડીસીબી પોલીસ મથકે કતારગામમાં રહેતા ભાવિક જાટકીયાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ભાવિકે જણાવેલું કે ૨૦૧૪માં તે સુરતમાં ધરમ એક્સપોર્ટ પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો ત્યારે ત્યાં નોકરી કરતાં ઓમ પ્રજાપતિ સાથે ગાઢ મિત્રતા થયેલી.
૨૦૧૯માં ઓમે તેને શેર બજાર, ક્રિપ્ટો, જમીનમાં રોકાણ કરવાથી બમણો નફો મળશે તેમ કહી રોકાણ કરવું હોય તો મારી પાસે સારા સોર્સ હોવાનો દાવો કરેલો.
મિત્રના ભરોસે રહીને ભાવિકે ૦૮-૦૨-૨૦૧૯થી ૨૫-૧૨-૨૦૨૦ દરમિયાન ટૂકડે ટૂકડે ૩૦ લાખ રોકડાં આપેલાં. અન્ય રૂપિયા બેન્ક ખાતાંથી ટ્રાન્સફર કરેલાં અને ઓમને પોતાનું ક્રેડિટ કાર્ડ આપેલું. જેના મારફતે તેણે લાખો રૂપિયા સ્વાઈપ કર્યાં હતાં. ભાવિકે નાણાં પરત માંગવાનું શરૂ કરતાં ઓમ પ્રજાપતિએ વાયદા કરવાનું શરૂ કરેલું. ૮ લાખનો ચેક આપેલો તે રીટર્ન થયેલો. કંટાળીને ભાવિકે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની તપાસમાં ગુનાના સહઆરોપી તરીકે ઓમની માસીના દીકરા વિષ્ણુ પ્રજાપતિ (રહે. મૂળ ગાંધીધામ), ગોપાલ કાચા અને કિશન વઘાસીયા (બંને રહે. સુરત)ની સંડોવણી બહાર આવી હતી.
વિષ્ણુ અને ગોપાલ આગોતરા જામીન પર મુક્ત છે. કિશન અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. ઓમ પ્રજાપતિએ કરેલી આગોતરા જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી દીધા બાદ સુરત પોલીસે તેની ધરપકડ કરી છે.
Share it on
|