કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ કચ્છમાં રહેતા એક પોલીસ પુત્રનું મહારાષ્ટ્રના પૂણે શહેરમાં બાઈકસવાર ત્રિપુટીએ અપહરણ કરી, મુઢ મારીને રોકડાં દસ હજાર રૂપિયા તથા મોબાઈલ ફોન લૂંટી લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. કચ્છમાં રહેતો ૨૫ વર્ષિય બલભદ્રસિંહ નટવરસિંહ જાડેજા પૂણેના કસ્બા પેઠ વિસ્તારમાં રહેતા પિતરાઈ ભાઈ જયેન્દ્રસિંહને મળવા ગયો હતો. શુક્રવારે રાત્રે પેટમાં તકલીફ થતાં તે એકલો સોડા પીવા નીકળ્યો હતો. દરમિયાન, નજીકથી પસાર થઈ રહેલાં એક બાઈકચાલકને અટકાવી તેણે સોડાની દુકાન ક્યાં આવી તે અંગે પૂછપરછ કરેલી. બાઈકચાલકે તેને સોડાની દુકાને લઈ જવાનું કહીને બાઈક પાછળ બેસી જવા કહેલું. તે સમયે એક અન્ય બાઈક પર તેના બે સાગરીતો પણ આવી ગયાં હતાં.
આ ત્રિપુટી બલભદ્રની આંખે પટ્ટી બાંધીને નદીના પટમાં લઈ ગઈ હતી. ત્યાં લઈ જઈ તેને માર મારીને તેની પાસે રહેલો મોબાઈલ ફોન અને દસ હજાર રૂપિયા લૂંટી લીધાં હતાં.
આરોપીઓએ બલભદ્રના મોબાઈલ પરથી તેના પિતરાઈ ભાઈ જયેન્દ્રસિંહને ફોન કરીને વધુ રૂપિયાની માંગણી કરેલી. જયેન્દ્રએ રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં આ ત્રિપુટી બલભદ્રને બાઈક પર બેસાડીને દારૂવાલા બ્રિજ પાસે દેવજીબાબા મંદિર નજીક ઉતારીને રફૂચક્કર થઈ ગઈ હતી. બલભદ્ર જેમ તેમ કરીને પિતરાઈ ભાઈના ઘેર પહોંચ્યો હતો અને બાદમાં બેઉ જણે પૂણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત ત્રિપુટી વિરુધ્ધ અપહરણ, લૂંટ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. બલભદ્રએ પોલીસને જણાવ્યું કે તેના પિતા નટવરસિંહ અમદાવાદ પોલીસ દળમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે.
Share it on
|