કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ કચ્છના નાનાં રણમાં ઘુડખર અભયારણ્યમાં ધમધમતાં મીઠાના અગરો પર પ્રતિબંધ મૂકવા ગુજરાત હાઈકૉર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે. ઘુડખર અભયારણ્યમાં મીઠાના મોટા કારખાનાઓના લીધે હેવી મશીનરી ધમધમી રહી છે અને તેના કારણે લુપ્ત થવાના આરે આવેલાં ઘુડખર સહિતની સજીવ સૃષ્ટિ તેમજ પર્યાવરણીય સંતુલન સામે ગંભીર સંકટ સર્જાયું હોવાની રજૂઆત કરાઈ છે. ચાર અરજદારોના વકીલ અમિત પંચાલે હાઈકૉર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ.જે. દેસાઈની ખંડપીઠ સમક્ષ PIL પર તાકીદે સુનાવણી કરવા અરજ કરતાં કૉર્ટ બુધવારે સુનાવણી કરવા સહમત થઈ છે.
૫ હજાર ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલાં ઘુડખર અભયારણ્યની હદ કચ્છ સહિત સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા એમ પાંચ જિલ્લાને સ્પર્શે છે. તંત્ર દ્વારા મીઠાના કારખાનાઓને લીઝ મંજૂર કરાતાં અભયારણ્યની સજીવસૃષ્ટિ અને પર્યાવરણીય સંતુલન સામે ગંભીર જોખમ સર્જાયું હોવાનું PILમાં જણાવાયું છે. તંત્રએ જે લીઝ મંજૂર કરી છે તે તમામ લીઝની માહિતી મગાવી વર્તમાન કાયદાઓ સાથે સુસંગત છે કે કેમ તેમજ નવી કોઈપણ લીઝને મંજૂર ના કરવા દાદ મગાઈ છે. તંત્ર દ્વારા લીઝને મંજૂરી અપાતાં મીઠાના અગરોનું પ્રમાણ વધી રહ્યું છે. તેના પૂરાવારૂપે સેટેલાઈટ તસવીરો રજૂ કરાઈ છે.
૨૦૦૯માં ઈન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ઘટતી જતી ઘુડખર પ્રજાતિનો ‘રેડ કેટેગરી’માં સમાવેશ કર્યો હતો. ૨૦૨૦માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અભયારણ્યની ૧૦ કિલોમીટર સુધીના વિસ્તારની જમીન નમક ઉદ્યોગોને ભાડાપટ્ટે આપવા કે તેને લગતી બાંધકામની પ્રવૃત્તિ કરવા પર રોક લગાડી હતી.
Share it on
|