કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ મોબાઈલ ઈન્ટરનેટે વિશ્વના સમાચાર માધ્યમોમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. આજે કોઈ પણ ખૂણે કોઈ પણ ઘટના ઘટે કે તેને લગતી માહિતી, ફોટોગ્રાફ, વીડિયો ક્લિપ વગેરે તુરંત ઓનલાઈન થઈ જાય છે. મુદ્રિત અને વીજાણુ (પ્રિન્ટ એન્ડ ઈલેક્ટ્રોનિક) માધ્યમો સમાંતર ડિજીટલ ન્યૂઝ વેબસાઈટ્સ કે યુટ્યુબ ન્યૂઝ પ્લેટફોર્મ્સ આજે સમાચારનો મજબૂત પર્યાય બની ગયાં છે. હજારો લોકો વીડિયો કે ફોટોગ્રાફ સાથે તેમની કન્ટેન્ટ ઓનલાઈન ઠાલવી રહ્યાં છે. આ કન્ટેન્ટ હજારો ડિજીટલ પબ્લિશર્સ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. આવા કન્ટેન્ટ ક્રિએટર્સ અને કન્ટેન્ટ પબ્લિશર્સને એક છત્ર હેઠળ લાવી, તેમને તમામ રીતે સબળ બનાવવા ‘ન્યૂઝ રીચ’એ ગુજરાતથી પહેલ કરી છે.
ભાવનગરના દર્શન શાહ અને તેમના પત્ની સોનિયા કુંદનાની શાહે ૨૦૧૮માં અમદાવાદથી ‘ન્યૂઝ રીચ’ સ્ટાર્ટ અપને લૉન્ચ કર્યું હતું. રોજગારવાંચ્છુ નહીં પણ રોજગારદાતા બનવાના ધ્યેય મંત્ર સાથે શરૂ થયેલ ‘ન્યૂઝ રીચ’ આજે હજારો લોકો માટે રોજગારીનું માધ્યમ બની રહ્યું છે.
‘ન્યૂઝ રીચ’ના માધ્યમથી સ્વતંત્ર રીતે કાર્યરત હજારો ડિજીટલ પબ્લિશર્સને સરળતાથી વિશ્વસનીય સમાચાર મળી રહ્યાં છે. તો, ‘ન્યૂઝ રીચ’ માર્કેટ પ્લેસ મીડિયા હાઉસ અને કન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે સર્જાયેલાં ગેપને દૂર કરવામાં પણ ખૂબ સફળ પૂરવાર થયું છે. આ પ્લેટફોર્મ પર ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ તેમના આર્ટિકલ્સ, વીડિયો, ફોટોગ્રાફ અલગ અલગ કેટેગરીમાં લાઇસન્સ કરાવી શકે છે જ્યારે પબ્લિશર્સ પણ ઓરીજિનલ કન્ટેન્ટ અહીંથી ખરીદી શકે છે. કોઈને કદાપિ આ કોન્સેપ્ટનો ખ્યાલ નહીં આવ્યો હોય પણ ‘ન્યૂઝ રીચ’એ તે કોન્સેપ્ટને સાકાર કરી સફળ બનાવી દેશ અને વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે.
કન્ટેન્ટ ક્રીએટર્સ અને પબ્લિશર્સને એકછત્ર નીચે લવાશે
ડિજીટલ પબ્લિશર્સને મદદ કરી એક છત્ર હેઠળ લાવવાના હેતુથી ‘ન્યૂઝ રીચ’એ ‘લોકલ ન્યૂઝ કોમ્યુનિટી પ્રોગ્રામ LNCP’ શરૂ કર્યો છે. LNCPના માધ્યમથી દેશભરના એ હજારો નાનાં અને મધ્યમ સ્તરના પબ્લિશર્સ કે જે ડિજિટલ વર્લ્ડમાં આગળ વધવા ઈચ્છે છે તેમને સશક્ત અને મજબૂત કરવા માટે ૧ કરોડની નાણાંકીય સહાય અને ટેકનિકલ મદદ પૂરી પાડવાનું આયોજન છે. ‘ન્યૂઝ રીચ’એ તેની પહેલ હોમગ્રાઉન્ડ ગુજરાતથી કરી છે, તબક્કાવાર આવા ૧૦ જેટલાં કોહર્ટનું આયોજન કર્યું છે. અમદાવાદમાં આયોજીત પ્રથમ કોહર્ટમાં ‘ન્યૂઝ રીચ’એ ૨૬ જેટલાં ગુજરાતી ભાષાના લોકલ પબ્લિશર્સને મદદ પૂરી પાડી હતી.
ગુજરાતથી LNCPની પહેલ
અમદાવાદમાં આયોજીત પ્રથમ કોહર્ટમાં મુખ્ય અતિથિ તરીકે ધ હિન્દુના મદદનીશ તંત્રી મહેશ લાંગા, વર્ટોઝ એડવર્ટાઈઝીંગના એમડી હિરેન શાહ, ખુશી એડવર્ટાઈઝીંગના એમડી પ્રણય શાહ સહિતના વિવિધ મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ પ્રોગ્રામને Oહો ગુજરાતી, પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, સુપર સિટીલાઈફ સ્ટાઈલ, મહિલા ગૃહઉદ્યોગ, વર્ટોઝ એડવર્ટાઈઝિંગ, ટેરા ફૂડ કંપનીનો સપોર્ટ સ્પોન્સર તરીકે સહયોગ મળ્યો હતો.
‘ફોર્બ્સ ૩૦’માં એશિયાની અંડર ૩૦માં છે ન્યૂઝ રીચ
ઉલ્લેખનીય છે કે ‘ન્યૂઝ રીચ’એ અનેક ક્રેડિબલ ઇન્વેસ્ટર્સની મદદથી આજે દેશભરમાં નામના મેળવી છે. ન્યૂઝ રીચ ‘ફોર્બ્સ ૩૦’ની એશિયાની અંડર ૩૦ની યાદીમાં સામેલ થવાની સિધ્ધિ મેળવેલી છે. મૂળ ભાવનગરના વતની દર્શન શાહ ‘ન્યૂઝ રીચ’ના સંસ્થાપક છે અને તેમના પત્ની સોનિયા કુંદનાની શાહ પણ સહસંસ્થાપક છે. ગુજરાતમાં મહિલાઓ પણ બિઝનેસમાં નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે, જેમાં સોનિયા કુંદનાની શાહ ખરા અર્થમાં સફળ બિઝનેસ વુમન બની રહ્યાં છે.
ન્યૂઝ રીચના સીઈઓ અને સંસ્થાપક દર્શન શાહે કહ્યું હતું કે જૉબ સીકર્સ નહીં પણ જૉબ ગીવર્સ બનો તે ધ્યેયને આગળ ધરીને ‘ન્યૂઝ રીચ’નું પ્લેટફોર્મ ઊભું કરવાનો વિચાર આવ્યો હતો. હું હંમેશા એક એવું પ્લેટફોર્મ સર્જવા ઈચ્છતો હતો કે જે પ્રથમ હોય, ક્રાંતિકારી હોય અને જેના થકી એકસાથે અનેક લોકોને રોજગારી પૂરી પાડી શકાય, તે દ્રષ્ટિએ ન્યૂઝ રીચ ખરા અર્થમાં સફળ સાબિત થયું છે. આ સફર આટલાથી અટકશે નહીં, ભારત પછી દુનિયાભરમાં આ સફર કઈ રીતે વધારવી તે માટે પ્રયત્નો ચાલું છે.
Share it on
|