કચ્છખબરડૉટકોમ, સુરતઃ મુંબઈથી વાયા સુરતના માર્ગે ગાંધીધામ આવી રહેલા જંગી માત્રામાં બિયર ટીન ભરેલા કન્ટેઈનર ટ્રેલરને સ્ટેટ મોનિટરીંગ સેલે સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા પાસે ઝડપી પાડ્યું છે. SMCએ કન્ટેઈનર ખોલાવીને ગણતરી કરતાં તેમાંથી ૬૭.૨૪ લાખની કિંમતના અલગ અલગ બ્રાન્ડના બિયરની ૨૧૮૯ પેટીમાંથી કુલ ૫૨ હજાર ૫૩૭ નંગ ટીન મળી આવ્યા હતા. બાતમીના આધારે પીએસઆઈ એ.વી. પટેલ અને તેમની ટીમે ગત મધરાત્રે કન્ટેઈનર ટ્રેલરને અટકાવી તલાશી લેતાં તેમાં બિયરનો જંગી જથ્થો ભરેલો જોવા મળ્યો હતો.
SMCએ ટ્રેલરચાલક ગણપતસિંહ ભીમસિંહ રાઠોડ (રહે. પાનધ્રો, લખપત)ને ઝડપી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ટ્રેલરનો માલિક ગાંધીધામનો જયરાજસિંહ પૂનમસિંહ સોઢા છે અને તેણે મુંબઈથી બિયરનો જથ્થો ભરીને ગાંધીધામ આવવા જણાવ્યું હતું.
મુંબઈથી બિયરનો માલ ભરી આપનાર શખ્સનો મોબાઈલ નંબર પણ પોલીસે મેળવી લઈ વધુ તપાસ હાથ ધરી છે. SMCના પીએસઆઈ પટેલે જણાવ્યું કે બિયરનો જથ્થો પંજાબની ડિસ્ટલરીઝનો છે. પોલીસે ૬૭.૨૪ લાખના બિયર, ૩૫ લાખની ટ્રક, એક મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૨.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Share it on
|